સુરત શહેરના અડાજણ રિવરફ્રન્ટ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિ., સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે મેયરશ્રી દક્ષેશભાઈ માવાણીના અધ્યક્ષસ્થાને ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૫’ યોજાયો હતો. જેમાં ૧૨ દેશોના ૩૫ અને ભારતના ચાર રાજ્યોના ૧૧ પતંગબાજો તેમજ ગુજરાતના ૨૪ મળી કુલ ૭૦ પતંગબાજોએ અવનવા પતંગો ચગાવીને આકાશને રંગબેરંગી બનાવ્યું હતું. દેશ-વિદેશના પતંગબાજોએ ભાતીગળ પતંગો વડે કલા-કૌશલ્યથી ભરપૂર પતંગબાજી કરીને સુરતીઓને મોહી લીધા હતા. નિપુણ પતંગબાજોએ ટચુકડા, વિરાટકાય અને અવનવા રંગો-આકૃતિઓના પતંગો ઉડાડીને પ્રેક્ષક સમુદાયને રોમાંચિત કર્યો હતો.
આ પ્રસંગે મેયરશ્રી દક્ષેશભાઈ માવાણીએ પતંગોત્સવને ખરા અર્થમાં આંતરરાષ્ટ્રીય ઉત્સવ બનાવીને ગુજરાતે ભારતીય પ્રાચીન સંસ્કૃતિને જીવંત રાખી છે એમ જણાવી જીવનમાં હાર-જીત અને ખેલદિલીના ગુણોને વિકસાવતા આ પર્વમાં સહભાગી થવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, પતંગ માનવીને કેટલી ઉંચાઈએ ઉડવું એ શીખવે છે. પગ પાસે પડેલા પતંગને કોઈ કાપતું નથી, પરંતુ ઉડતા પતંગને સૌ કાપવા ઈચ્છે છે, એ જ રીતે સફળતા, ઉંચાઈ, માનસન્માન ખૂબ સંઘર્ષ પછી મળે છે એમ જણાવીને વિદેશી પતંગબાજોને આવકાર્યા હતા.
આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલે સુરતવાસીઓને મકરસંક્રાતિની શુભકામનાઓ પાઠવતા કહ્યું કે, સરકારના ઉત્સવો, મેળાઓના આયોજનના કારણે દેશ-વિદેશના ટુરિસ્ટો મોટી સંખ્યામાં ગુજરાતના પ્રવાસન વૈભવને માણવા પધારે છે. દક્ષિણ ભારતમાં પોંગલના રૂપમાં અને ઉત્તર ભારતમાં દર વર્ષે મકરસંક્રાતિના એક દિવસ પહેલા લોહરીનો તહેવાર ઉજવાય છે. આ પર્વે પશ્ચિમ બંગાળમાં ગંગાસાગર મેળો યોજાય છે. આમ, મકરસંક્રાતિ પર્વ દેશને વિવિધતા વચ્ચે એકતાના સૂત્રમાં બાંધે છે.
પતંગ પ્રગતિ અને ઊંચી ઉડાનનું પ્રતિક છે એમ જણાવી સાંસદશ્રીએ કહ્યું કે, જનભાગીદારીથી ઉજવાતા આ પ્રકારના પરંપરાગત તહેવારો સમાજને હકારાત્મક ઊર્જા પૂરી પાડે છે. આપણી પ્રાચીન પરંપરા અને લોકસંસ્કૃતિને જીવતા રાખતા ઉત્સવો ‘વિવિધતામાં એકતા’ની પ્રતીતિ કરાવે છે.
જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીએ પતંગ મહોત્સવની રૂપરેખા આપી સુરતવાસીઓને મકરસંક્રાતિની શુભકામનાઓ પાઠવી હતી. પતંગ મહોત્સવમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બ્રાઝિલ, બલ્ગેરીયા, કંબોડીયા, ચિલી, ઈસ્ટોનિયા, જર્મની, જાપાન, યુક્રેન જેવા ૧૨ દેશો અને ભારતના દિલ્હી, બિહાર, કર્ણાટક અને કેરળ, ગુજરાતના મળી અંદાજિત કુલ ૭૦ પતંગબાજોએ પતંગોના અનોખા કરતબો દેખાડ્યા હતા. પતંગબાજોનું કાર્યકમ સ્થળે ઢોલશરણાઈ વડે પરંપરાગત અને ભવ્ય સ્વાગત કરાયું હતું. તેઓએ ગરબે ઘુમીને ગુજરાતની અસ્મિતાનું સન્માન કર્યું હતું.
જર્મનીથી પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવેલા જેન હેલમર્ટ મેચેસેકે / માહિતી વિભાગ, ગુજરાત.ઈસ્ટોનિયાથી સુરત પધારેલા એન્ડ્રેસ સોક નામના પતંગબાજે કહ્યું કે, પતંગ મહોત્સવથી ખુબ પ્રભાવિત થયો છું. પતંગબાજીનો શોખ મને મારા પિતા પાસેથી વારસામાં મળ્યો છે. મારા પિતાજી એક અચ્છા પતંગબાજ છે. અમે ઇસ્ટોનિયામાં અવનવી ડિઝાઇન અને નાનકડી પતંગથી લઇ મહાકાય પતંગો જાતે બનાવીને અન્ય દેશોમાં યોજાતા પતંગોત્સવમાં પ્રદર્શિત કરીયે છીએ. સુરતની પ્રેમાળ જનતાનો સહકાર મળ્યો તે માટે અમે તેમનો આભાર માનીએ છીએ. હજુ ભવિષ્યમાં પણ સુરતના આંગણે પતંગબાજી દર્શાવવા આવીશું તેવી પણ તેમણે ઈચ્છા વ્યક્ત કરી હતી.
જર્મનીથી પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવેલા જેન હેલમર્ટ મેચેસેકે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સુરતમાં પતંગોત્સવમાં ભાગ લેવાનો મારો આ બીજો પ્રસંગ છે. જર્મનીમાં અવારનવાર યોજાતા પતંગોત્સવના કાર્યક્રમોમાં અચૂક ભાગ લઉં છું. સુરતના દર્શકોના પ્રોત્સાહન અને વહીવટીતંત્ર દ્વારા કરાયેલા ભાવભર્યા સ્વાગતથી હું ખુબ ખુશ છું. સુરતના રહીશોના પ્રેમ અને યજમાનીનું મધુર સંભારણું લઈને અમે સ્વદેશ જઈશુ.
બ્રાઝિલના બાહોશ પતંગબાજ ફ્રેડેરિકો મેટિઆસ / માહિતી વિભાગ, ગુજરાત.સુરતના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવેલા બ્રાઝિલના બાહોશ પતંગબાજ ફ્રેડેરિકો મેટિઆસ પાઉસાડેલાએ પતંગબાજીના અવનવા કરતબો દેખાડ્યા હતા. તેઓ પ્રથમવાર સુરતના પતંગ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. બ્રાઝિલમાં અવારનવાર યોજાતા પતંગોત્સવના કાર્યક્રમોમાં તે અચૂક ભાગ લે છે.
૨૨ વર્ષીય નિષ્ણાત પતંગબાજ ફ્રેડેરિકો મેટિઆસ પાઉસાડેલાએ પ્રતિભાવ આપતા કહ્યું કે, સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ પતંગ મહોત્સવ ગુજરાતમાં યોજાય છે, અમને ગુજરાતીઓ અને ખાસ કરીને સુરતવાસીઓ ખૂબ પ્રેમાળ લાગે છે. સુરતનું ભોજન પણ મને પ્રિય છે. સ્થાનિક ગીતસંગીત સાંભળવાની મજા આવે છે. સુરતના દર્શકોના પ્રોત્સાહન અને વહીવટીતંત્ર દ્વારા કરાયેલા ભાવભર્યા સ્વાગતથી હું ખુબ ખુશ છું. રાજ્ય સરકારના ગુજરાત પ્રવાસન નિગમ લિ., સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સહકાર અને આવકાર બદલ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login