ADVERTISEMENTs

સુરત શહેર અને જિલ્લાના 7159 બાળકોએ ખાનગી શાળા છોડી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ લીધો.

શહેરની નગર પ્રાથમિક શાળાઓમાં ધો.૧ થી ૮ માં ૬,૨૦૫ અને સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની શાળાઓમાં ૯૫૪ બાળકોએ પ્રવેશ મેળવી સરકારી શાળાઓ પર પસંદગી ઉતારી.

સરકારી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવતા બાળકો. / માહિતી વિભાગ, ગુજરાત

સુરત શહેર-જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ઉત્તમ શૈક્ષણિક સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણના પરિણામે વાલીઓ સરકારી શાળાઓમાં બાળકોના પ્રવેશ માટે પડાપડી કરી રહ્યા છે. આ વાતની સાબિતી આપતા સુરત શહેર-જિલ્લાના ૭,૧૫૯ બાળકોએ ખાનગી સ્કુલોના બદલે સરકારી પ્રાથમિક શાળાઓમાં ધો.૧ થી ૮ માં પ્રવેશ મેળવ્યો છે. ખાનગી શાળાઓ છોડી સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ૬,૨૦૫ અને સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની શાળાઓમાં ૯૫૪ બાળકો એમ કુલ ૭૧૫૯ વિદ્યાર્થીઓએ ધો.૧ થી ૮ માં પ્રવેશ મેળવી સરકારી શાળાઓ પર પસંદગી ઉતારી છે.

આ વર્ષે સુરત શહેરની નગર પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકામાં ૧૧,૫૫૩ અને ધો.૧ ના ૮૩૮૭ મળી કુલ ૧૯,૯૪૦ બાળકોએ પ્રવેશ મેળવ્યો છે. શહેરીકરણના કારણે સુરત મહાનગરપાલિકાની શાળાઓમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા દર વર્ષે ઉત્તરોત્તર વધી રહી છે. ખાસ કરીને પી.એમ.શ્રી અને સ્કૂલ ઓફ એક્સેલન્સ યોજના થકી સ્માર્ટ ક્લાસના માધ્યમથી ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા અપાઈ રહેલા ગુણાત્મક શિક્ષણ તેમજ શૈક્ષણિક સુવિધાઓમાં થઈ રહેલા વધારાના કારણે વિદ્યાર્થીઓમાં સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવવા પડાપડી થઇ રહી છે.

રાજ્યવ્યાપી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ પૂર્ણ થયો છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૩થી શાળા પ્રવેશોત્સવની પહેલ શરૂ કરી હતી. જે પરંપરાને ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળની રાજ્ય સરકારે જીવંત રાખી છે. રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના સાર્થક પરિણામો જોવા મળી રહ્યા છે, સાથોસાથ વાલીઓ સરકારી શાળાઓમાં અપાતા ગુણવત્તાસભર શિક્ષણથી પ્રભાવિત થઈ સરકારી શાળાઓ પર પસંદગીનો કળશ ઢોળી રહ્યા છે. સરકારી શાળાઓમાં બાળકોને  સ્કુલ બેગ, યુનિફોર્મ, શૈક્ષણિક કીટ અને બુટ-મોજા વિનામૂલ્યે આપવામાં આવે છે.

સરકારી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવતા બાળકો. / માહિતી વિભાગ, ગુજરાત.

જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી જે.એમ. પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ નવી શિક્ષણનીતિ હેઠળ પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા (PM-SHRI) યોજના શરૂ કરી  શોધલક્ષી, જ્ઞાન આધારિત શિક્ષણ પર ભાર મૂક્યો છે, જેમાં અદ્યતન ટેકનોલોજી, સ્માર્ટ વર્ગખંડો, રમતગમત પર અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કર્યું છે. સરકારે પ્રાથમિક શાળાઓને સ્કૂલ ઓફ એક્સેલન્સના રૂપમાં તબક્કાવાર બિલ્ડીંગ અને વર્ગખંડોનું અપગ્રેડેશન, તમામ ગ્રેડ માટે સ્માર્ટ ક્લાસરૂમ, સ્ટીમ લેબ, કમ્પ્યુટર લેબ, ભાષા લેબ, રમત ગમતના સાધનો, ખાસ જરૂરિયાત ધરાવતા બાળકો માટે રિસોર્સ રૂમ અને પર્યાવરણ લેબ વિકસાવવાનું કાર્ય હાથ ધરાયું છે. જેના કારણે સરકારી શાળાઓ પ્રત્યે બાળકોનો લગાવ વધી રહ્યો છે.

નગર પ્રા. શિક્ષણ સમિતિ-સુરતના શાસનાધિકારીશ્રી મેહુલ પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં હાલ ૩૩૫ નગર પ્રાથમિક શાળાઓ કાર્યરત છે, જેમાં ૩,૮૫૯ શિક્ષકો ૧,૫૮,૬૨૧ બાળકોને શિક્ષણ આપી રહ્યા છે.  રાજ્ય સરકાર દ્વારા સુરત કોર્પોરેશન અને સર્વ શિક્ષા અભિયાનની સહિયારી ગ્રાન્ટ થકી વિદ્યાર્થીઓને વધુમાં વધુ સુવિધાઓ મળી રહી છે, અને શિક્ષણમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે.

સરકારી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવતા બાળકો. / માહિતી વિભાગ, ગુજરાત.

તેમણે ઉમેર્યું કે, સુરત મહાનગરપાલિકા એકમાત્ર એવી પાલિકા છે કે, જેમાં સાતથી વધુ ભાષામાં બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ગતવર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં ૧૫ હજારથી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા બાદ આ વખતે બાલવાટિકામાં ૧૧,૫૫૩ અને ધો.૧ ના ૮૩૮૭ અને ખાનગી સ્કૂલોમાંથી નગર પ્રા. સ્કૂલોમાં ૬,૨૦૫ જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી શાળાપ્રવેશોત્સવના હાર્દને સાર્થક કર્યું છે.

નોંધનીય છે કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ તેમજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષણ ગુણવત્તામાં થતો વધારો અને બીજી તરફ ખાનગી સ્કૂલોમાં શિક્ષણ મોંઘુ થયું હોવાને કારણે વાલીઓની સરકારી શાળાઓને પસંદ કરી રહ્યા છે. ઘણી સરકારી શાળાઓમાં વાલીઓ પોતાના બાળકોને પ્રવેશ અપાવવા માટે ખાનગી સ્કૂલની માફક એડમિશન પ્રક્રિયામાં અગાઉથી જ સક્રિય થઈ જાય છે, જેથી એડમિશન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઇંગ્લીશ મિડિયમ હોય કે ગુજરાતી માધ્યમની સ્કુલ હોય તમામમાં હવે હાઉસફૂલની સ્થિતિ જોવા મળી રહી છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related