ADVERTISEMENTs

ચાંદીપુરા વાયરસના સંક્રમણ બાબતે તબીબી-નર્સિંગ સ્ટાફ માટે નવી સિવિલ હોસ્પિટલમાં વર્કશોપ યોજાયો.

વેન્ટિલેટર, ઓક્સિજન અને દવાઓની પૂરતી વ્યવસ્થા સાથે નવી સિવિલના ડોક્ટરોની ટીમ સંભવિત બાળદર્દીઓની સારવાર માટે સજ્જ.

નવી સિવિલ હોસ્પિટલના અધિક્ષકની કચેરીના સભા ખંડમાં નર્સિંગ સ્ટાફ માટે વર્કશોપ યોજાયો હતો / માહિતી વિભાગ, ગુજરાત

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ચાંદીપુરા (એન્કેફેલાઇટીસ) વાયરસના કેસો નોંધાયા છે, ત્યારે ચાંદીપુરા વાયરસના સંક્રમણ સામે તબીબી-નર્સિંગ સ્ટાફને સજ્જ કરવા નવી સિવિલ હોસ્પિટલના અધિક્ષકની કચેરીના સભા ખંડમાં નર્સિંગ સ્ટાફ માટે વર્કશોપ યોજાયો હતો.

આ વર્કશોપમાં સિવિલના બાળરોગ વિભાગના વડા ડો.જિગીષા પાટડીયાએ જણાવ્યું હતું કે, ચાંદીપુરા (એન્કેફેલાઇટીસ) એક RNA વાયરસ છે. તે ૯ માસ થી ૧૪ વર્ષ સુધીના બાળકોને પ્રભાવિત કરે છે. બાળકના મગજ પર વધુ અસર કરે છે. વાયરસના ફેલાવા માટે સેન્ડફલાય(માખી) જવાબદાર છે. બાળકને સખત તાવ આવવો, ઝાડા-ઉલટી થવા, માથા નો દુખાવો, ખેંચ આવવી, અર્ધબેભાન કે બેભાન થવું એ ચાંદીપુરાના લક્ષણો છે. જો લક્ષણો દેખાય તો નજીકના સરકારી દવાખાને દર્દીને તાત્કાલિક લઇ જઇ સારવાર કરાવવી આવશ્યક છે. 

સિવિલ તંત્રની તૈયારીઓ વિષે ડો.પાટડીયાએ જણાવ્યું હતું કે, સિવિલની કિડની બિલ્ડીંગના પ્રથમ માળે ૨૦ બેડનું પીડિયાટ્રીક ઇન્ટેન્સિવ કેર યુનિટ સિવિલ ખાતે કાયઁરત છે તે ઉપરાંત પરિસ્થિતિને પહોંચી વળવા બીજા ૧૦ બેડની તૈયારી તંત્રએ કરી દીધી છે, જેમાં ચાંદીપુરા વાયરસના કોઈ પણ શંકાસ્પદ કેસની સારવાર કરવામાં આવશે. અહીં વેન્ટિલેટર્સ, ઓક્સિજન અને દવાઓની પૂરતી વ્યવસ્થા સાથે ડોક્ટરોની ટીમ, નર્સિંગ અને સપોર્ટ સ્ટાફ શંકાસ્પદ ચાંદીપુરા સંભવિત બાળદર્દીઓની સારવાર માટે સજ્જ છે. આ યુનિટમાં છ થી સાત તબીબોની ડેડીકેટેડ ટીમ ૨૪X૭ ઉપલબ્ધ રહેશે. ખાસ કરીને ઈમરજન્સીની સ્થિતિમાં બાળકોના તબીબોની એક ખાસ ટીમ તૈનાત કરાઈ છે.

વાયરસ સામે કાળજી રાખવા અંગે વધુમાં તેમણે કહ્યું હતું કે, ચાંદીપુરા વાયરસના ચેપથી બચવા માટે બાળકોને શકય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં(ધૂળમાં) રમવા દેવા નહી. બાળકોને જંતુનાશક દવાયુકત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખવો. સેન્ડ ફલાયથી બચવા ઘરની અંદર તથા બહારની દિવાલોની તિરાડો, છિદ્રોને પુરાવી દેવા.મચ્છર-માખીઓનો ઉપદ્રવ અટકાવવા સમયસર જંતુનાશક દવાનો છંટકાવ કરાવવો. 

આ વર્કશોપમાં  સરકારી મેડિકલ કોલેજના ડીન ડો.જયેશ બ્રહ્મભટ્ટ, તબીબી અધિક્ષક ડો.ધારિત્રી પરમાર, આર.એમ.ઓ ડો.કેતન નાયક, ગાયનેક વિભાગના વડા ડો.રાગિણી વર્મા, ટીબી ચેસ્ટ વિભાગના વડા અને નર્મદ યુનિ.ના બોર્ડ મેમ્બર ડો.પારૂલ વડગામા, નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ સર્વશ્રી સિમંતી ગાવડે, વાંસતી નાયર, સિવિલ હોસ્પિટલના અશ્વિન પંડ્યા, નિલેશ લાઠીયા સહિત હેડનર્સ, સ્ટાફનર્સ ઉપસ્થિત રહ્યા હતા.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related