ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી રમેશ વઘાસિયાની આગેવાનીમાં ચેમ્બર ઓફ કોમર્સનું એક પ્રતિનિધિ મંડળ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત સુરતના ઉદ્યોગકારો માટે બિઝનેસની વધુ તકો ઉપલબ્ધ થાય તે માટે જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે હતું.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે બુધવાર, તા. ૧ મે, ર૦ર૪ના રોજ સાંજે પઃ૦૦ કલાકે કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની મુલાકાત લીધી હતી. જ્યાં કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી જાવિદ અહેમદ ટેન્ગા, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અશાક હુસેન શાન્ગલુ, જુનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ફયાઝ અહેમદ પંજાબી, સેક્રેટરી જનરલ શ્રી ફૈઝ અહેમદ બક્ષી, જુનિયર સેક્રેટરી શ્રી ઉમર નાઝીર ટિબેટબાકલ અને ટ્રેઝરર ઝુબેર મહાજન તેમજ તેમના બિઝનેસમેન સભ્યો સાથે મિટીંગ કરી હતી.
ચેમ્બર પ્રમુખ શ્રી રમેશ વઘાસિયાએ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા હાથ ધરાયેલા મહત્વાકાંક્ષી પ્રોજેકટ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪થી કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સના ઓફિસ બેરર્સ તેમજ ત્યાંના બિઝનેસમેન સભ્યોને વાકેફ કર્યા હતા. મિશન ૮૪ અંતર્ગત સુરત, ગુજરાત અને ભારતથી રૂપિયા ૮૪,૦૦૦ કરોડનું વધારાનું એક્ષ્પોર્ટ કરવાનો જે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે અને તેના માટે કરવામાં આવી રહેલા પ્રયાસો અંગે તેઓને વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ધંધા – વ્યવસાયમાં રહેલી તકો વિશે પણ માહિતી આપી હતી. ગુજરાતના ઉદ્યોગકારો અને વેપારીઓ જમ્મુ અને કાશ્મીરમાં કેવી રીતે રોકાણ કરી શકે છે, તેઓની સ્કીલ એબિલિટી અને સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ ખાતે જે ઇન્ફ્રાસ્ટ્રકચર છે તેનાથી તેઓને વાકેફ કરવામાં આવ્યા હતા.
કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી જાવિદ અહેમદ ટેન્ગાએ પણ મિટીંગમાં કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સની માહિતી આપી હતી. વર્ષ ૧૯ર૪માં સ્થપાયેલી કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને વર્ષ ર૦ર૪માં ૧૦૦ વર્ષ પૂર્ણ થયા છે. તેમણે જણાવ્યું હતું કે, કલમ ૩૭૦ને હટાવ્યા બાદ હવે જમ્મુ અને કાશ્મીરમાં ધંધા – વ્યવસાયના દરવાજા ખૂલી રહયા છે. દેશના અન્ય રાજ્યોના લોકો પણ હવે કાશ્મીરમાં ધંધા – વ્યવસાય કરવા માટે તેમજ તેમાં રોકાણ કરવા માટે ઉત્સાહ બતાવી રહયા છે. આ મિટીંગમાં કાશ્મીરના બિઝનેસમેનો, સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓ સાથે સંપર્કમાં આવી એકબીજાના વ્યાપાર – ધંધામાં સહકાર સાધીને કેવી રીતે લાભ લઇ શકે તે માટે સામ–સામે પ્રશ્નોત્તરી પણ થઇ હતી.
ધંધા – વ્યવસાયની વાત કરીએ તો કેટલીક બાબતોમાં સુરત સહિત દક્ષિણ ગુજરાત અને આખા ગુજરાત રાજ્યની સ્પેશ્યાલિટી છે, જ્યારે કેટલીક બાબતોમાં જમ્મુ અને કાશ્મીરની સ્પેશ્યાલિટી છે તે બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બે રાજ્યોના ઉદ્યોગકારો અને વેપારીઓ બિઝનેસ એક્ષ્ચેન્જ કરીને એકબીજાને કેવી રીતે મદદરૂપ થઇ શકે છે તે માટે ઉપયોગી માહિતીની આપ–લે કરવામાં આવી હતી. કાશ્મીરમાં ટુરીઝમ વ્યવસાય ખૂબ જ વિકસ્યો છે. કાશ્મીર ટુરીઝમની આવકમાં પ૦ ટકા ફાળો ગુજરાતનો છે, આથી તેઓ ગુજરાતીઓનો વિશેષ આદર કરે છે તેમ કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે જણાવ્યું હતું.
૧લી મેના રોજ મિટીંગ થયા બાદ બીજી મેના રોજ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) અને કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (KCCI) વચ્ચે મિશન ૮૪ અંતર્ગત સમજૂતિ કરાર થયા હતા. જમ્મુ અને કાશ્મીરના ઇન્ડસ્ટ્રીઝ સેક્રેટરી/કમિશ્નર શ્રી વિક્રમજીત સિંઘ અને બંને ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓની હાજરીમાં સમજૂતિ કરાર થયા હતા. સમજૂતિ કરાર પર SGCCIના પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા અને KCCIના પ્રમુખ શ્રી જાવિદ અહેમદ ટેન્ગાએ હસ્તાક્ષર કર્યા હતા.
સમજૂતિ કરાર મુજબ, કાશ્મીરમાં ધંધા – વ્યવસાય માટે ઉપસ્થિત થયેલા સાનુકુળ વાતાવરણમાં સુરત સહિત આખા ગુજરાતના ઉદ્યોગકારો અને વેપારીઓ જુદા–જુદા ક્ષેત્રે ત્યાં રોકાણ કરે તે માટે પ્રયત્નો કરવામાં આવશે. તદુપરાંત કાશ્મીરમાં પડતી મુશ્કેલીઓના નિવારણ માટે ચેમ્બર ઓફ કોમર્સ કેવી રીતે મદદરૂપ થઇ શકે તે અંગે પણ ચર્ચા થઇ હતી.
SGCCIના પ્રમુખ રમેશ વઘાસિયાએ જમ્મુ અને કાશ્મીરના ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી/કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓ, કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓ અને બિઝનેસમેનોના એક પ્રતિનિધિ મંડળને સુરતમાં SGCCI તથા વિવિધ ઉદ્યોગ – ધંધાની મુલાકાત માટે તેમજ સુરતના ઉદ્યોગકારો સાથે વન ટુ વન બિઝનેસ મિટીંગ કરવા માટે સુરત આવવા આમંત્રણ આપ્યું હતું. ચેમ્બર પ્રમુખના અનુરોધને કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓએ સહર્ષ સ્વીકાર્યું હતું અને સુરત ખાતે આવવાની ખાત્રી આપી હતી.
કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સનું પ્રતિનિધિ મંડળ જ્યારે સુરત આવશે ત્યારે સુરતના ઉદ્યોગકારો સાથે તેઓ વન ટુ વન બિઝનેસ મિટીંગ કરશે ત્યારે સુરતના ઉદ્યોગકારો કાશ્મીરમાં ધંધા – વ્યવસાયમાં રોકાણ કરવાની દિશામાં આગળ વિચારી શકશે અને ત્યારબાદ કાશ્મીરમાં રોકાણ કરવા ઉત્સુક ઉદ્યોગકારોનું પ્રતિનિધિ મંડળ SGCCIના નેતૃત્વ હેઠળ કાશ્મીરની મુલાકાતે આવશે તે અંગે વિસ્તૃત ચર્ચા થઇ હતી.
જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને હટાવ્યા બાદ હવે જમ્મુ અને કાશ્મીરમાં ધંધા – વ્યવસાય માટે જે સાનુકુળ વાતાવરણ ઉભું થયું છે અને ઉદ્યોગ – ધંધાઓમાં રોકાણ કરવા હેતુ જે મોકળું મેદાન ઉભું થયું છે તેનો લાભ લેવા માટે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી રમેશ વઘાસિયાએ સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો, વેપારીઓ અને રોકાણકારોને આહ્વાન કર્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login