ઓલપાડ સ્થિત હિન્દુસ્તાન કેમિકલ કંપનીમાં ટેન્કર અનલોડિંગ કરતી વેળાએ લિક્વિડ લાઈન વાલ્વ ગાસ્કેટમાં પંચર થવાથી એમોનિયા લિકેજ થતા નાસભાગ થઈ હતી. ૪૨ મિનિટની ભારે જહેમત બાદ એમોનિયા લિકેજ પર કાબુ મેળવવામાં ફાયર ફાયટરોને સફળતા મળી હતી. ખરેખર આવી કોઈ દુર્ઘટના બની ન હતી, પરંતુ ઓલપાડ-ચોર્યાસી લોકલ ક્રાઈસીસ ગ્રુપ દ્વારા ઓલપાડની હિન્દુસ્તાન કેમિકલ કંપનીમાં ઓફસાઈટ ઈમરજન્સી મોકડ્રીલ યોજાઈ હતી.
સુરત જિલ્લામાં આવેલી મોટી કેમિકલ ઈન્ડસ્ટ્રીઝમાં આગ જેવી દુર્ઘટના સમયે તકેદારીના ભાગરૂપે જાગૃતિ કેળવાય તથા અકસ્માતો ઘટાડવાના આશયથી ઓલપાડ સ્થિત હિન્દુસ્તાન કેમિકલ કંપનીમાં મોકડ્રીલ યોજાઈ હતી. કંપનીના અનલોડિંગ એરિયામાં સવારે ૧૦.૩૨ વાગે અચાનક એમોનિયા ભરેલી સિલિન્ડર ટ્રકમાંથી અનલોડિંગ કરતી વેળાએ લિક્વિડ લાઈન વાલ્વ ગાસ્કેટમાં પંચર થવાથી એમોનિયા ગેસ લિકેજ થયો હતો. કંપનીના ફાયર મોનિટર દ્વારા પાણીનો મારો કરી ફાયર અને સેફ્ટિ ઓફિસરોએ લિકેજ અટકાવવા પ્રયાસો કર્યા હતા પણ લિકેજ કાબુમાં ન આવતા ઓનસાઈટ ઈમરજન્સી જાહેર કરી હતી. તમામ કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. લિકેજ સાઈટ પર એક અસરગ્રસ્ત કર્મચારીને કંપનીના ઔદ્યોગિક હેલ્થ સેન્ટરમાં સારવાર માટે ખસેડાયા હતા. ત્યારબાદ ૧૦.૪૨ વાગ્યે એમોનિયા લિકેજનું પ્રમાણ વધતા અને સ્થિતિ કાબુ બહાર જતા સાઈટ મેન કંટ્રોલર દ્વારા લોકલ ક્રાઈસીસ ગ્રુપને જાણ કરાઈ હતી. જેથી લોકલ ક્રાઈસીસ ગ્રુપે ઓફસાઈટ ઈમરજન્સી જાહેર કરી હતી. ઈમરજન્સી કોલ મળતા હજીરાની ONGC, NTPC, AM/NS અને અદાણી કંપનીઓની ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો. તેવામાં વધુ એક કર્મચારીને ગેસની અસર થતા ઓલપાડ હેલ્થ સેન્ટરમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.
સતત પાણીના મારાને કારણે લિકેજ સાઈટ પર જીપીસીબીના અધિકારીઓએ લીધેલા ગેસ સેમ્પલના નમૂનામાં એમોનિયાનું પ્રમાણ શૂન્ય નોંધાતા વહીવટીતંત્ર અને લોકલ ક્રાઈસીસ ગ્રુપે રાહતનો શ્વાસ લીધો હતો.
ઓલપાડ મામલતદાર એચ.ડી.ચોપડા સહિત પોલીસ, ફાયર ટીમ, આરોગ્ય, જીપીસીબીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અને ઈમરજન્સી કંટ્રોલરૂમ શરૂ કરી એમોનિયા લિકેજ પર કાબુ મેળવવા, બચાવ અને માર્ગદર્શન માટે સંકલિત પ્રયાસો શરૂ કર્યા હતા. એમોનિયા લિકેજ થવાથી સાઈટ પર કાર્ય કરતા બે અસરગ્રસ્તોને સ્થળ પરથી રેસ્ક્યુ કરીને સારવાર અપાઈ હતી,
મોકડ્રીલ બાદ ડી બ્રિફીંગમાં મામલતદારશ્રી એચ.ડી.ચોપડાએ ઓછા ક્વિક રિસ્પોન્સ ટાઈમમાં બચાવ-રેસ્ક્યુ વર્ક શરૂ થવા પર ભાર મૂકી દરેક કેમિકલ ઈન્ડસ્ટ્રીઝમાં મેનેજમેન્ટ તેમજ મોકડ્રીલમાં રહી ગયેલી ક્ષતિઓનું પુનરાવર્તન ન થાય તે માટેની તકેદારી લેવા તેમણે જણાવ્યું હતું.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login