ADVERTISEMENTs

અમેરિકાના એટલાન્ટા ખાતે ‘ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર’ વિશે ઇન્ટરેકટીવ સેશન યોજાયું.

SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ને સફળ બનાવવાની દિશામાં નવું પગલું, ચેમ્બર પ્રમુખની આગેવાનીમાં વિદેશની ધરતી પર ઇન્ટરેકટીવ સેશન યોજાયું

એટલાન્ટા ખાતે ‘ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર’ વિશે ઇન્ટરેકટીવ સેશન. / SGCCI

ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાએ એટલાન્ટાના બિઝનેસમેનોને ભારતીયો સાથે વેપારની ઉજળી તકો તથા મિશન ૮૪ અંતર્ગત ઓનલાઇન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ સાથે જોડાઇને કેવી રીતે લાભ લઇ શકાય તેનું મહત્વ સમજાવી તેની સાથે જોડાવા અપીલ કરી

મિશન ૮૪થી પ્રભાવિત થયેલા એટલાન્ટા સ્થિત ભારતના કોન્સુલ જનરલ એલ. રમેશ બાબુએ સ્થાનિક બિઝનેસમેનોને ભારતીયો સાથે જોડાવાનો આ યોગ્ય સમય છે તેમ જણાવી તેમની પાસેની માહિતી અને માર્કેટ ઇન્ટેલીજન્સ ચેમ્બરની સાથે શેર કરવા ખાત્રી આપી

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત રવિવાર, તા. ૭ એપ્રિલ ર૦ર૪ના રોજ સાંજે ૪:૦૦થી ૬:૦૦ કલાકે અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં એટલાન્ટા શહેર ખાતે ગોકુલધામ કેમ્પસના ઓડિટોરિયમમાં ‘ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર’ વિષય પર ઇન્ટરેકટીવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે એટલાન્ટા સ્થિત ભારતના કોન્સુલ જનરલ એલ. રમેશ બાબુ પધાર્યા હતા અને એમની સાથે એટર્ની એટ લો શ્રી મેટ પણ ઉપસ્થિત રહયા હતા.

આ ઇન્ટરેકટીવ સેશનમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયા, માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મર, પૂર્વ માનદ્ ખજાનચી ભાવેશ ગઢીયા, એટલાન્ટાના પ્રવાસી ભારતીય બોબીભાઇ પટેલ, આર.સી. પટેલ, અશોકભાઇ પટેલ, ચતુરભાઇ છભાયા ઉપરાંત ૧૦૦થી વધુ ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

ચેમ્બર પ્રમુખની આગેવાનીમાં વિદેશની ધરતી પર ઇન્ટરેકટીવ સેશનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હોય અને તેમાં વિદેશમાં વસતા ભારતીયોને અને ત્યાંના બિઝનેસમેનોને ચેમ્બર ઓફ કોમર્સની સાથે જોડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું ચેમ્બર ઓફ કોમર્સના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ અમેરિકાના એટલાન્ટા શહેરમાં ઉદ્યોગ અગ્રણીઓ સમક્ષ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪નું પ્રેઝન્ટેશન કર્યું હતું. તેમણે ભારતીય ઉદ્યોગ સાહસિકો સાથે જોડાઇને અમેરિકામાં વસતા ભારતીયો તેમજ ત્યાંના બિઝનેસમેનો કેવી રીતે વેપાર વધારી શકે તે માટે પ્રેઝન્ટેશન આપ્યું હતું. તેમણે એટલાન્ટાના બિઝનેસમેનોને ભારતીયો સાથે વેપારની ઉજળી તકો અને મિશન ૮૪ અંતર્ગત ઓનલાઇન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર કેવી રીતે લાભ લઇ શકાય તેનું મહત્વ સમજાવ્યું હતું અને તેનો લાભ લેવા તેઓને મિશન ૮૪ની સાથે જોડાવા અપીલ કરી હતી. વધુમાં, તેમણે એટલાન્ટા ખાતે વસતા ભારતીયો તેમજ બિઝનેસમેનોને સાથે મળીને કેવી રીતે કામ કરી શકાય તેની વિસ્તૃત જાણકારી આપી હતી.

એટલાન્ટા ખાતે ‘ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર’ વિશે ઇન્ટરેકટીવ સેશન. / SGCCI

તેમણે SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ની વિગતો આપતા જણાવ્યું હતું કે, ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન યુએસ ડોલર ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે અને એના માટે ભારતના ઉદ્યોગકારોને ૧ ટ્રિલિયન યુએસ ડોલરનો એક્ષ્પોર્ટ કરવા માટેનો ટારગેટ આપ્યો છે. વડાપ્રધાનના આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે તેમજ ભારતને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવાના હેતુથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ વિઝન હાથ ધર્યું છે અને તેના અંતર્ગત ઓનલાઇન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. 

મિશન ૮૪ અંતર્ગત ઓનલાઇન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મની સાથે ભારતના ૮૪,૦૦૦ ઉદ્યોગકારો – વેપારીઓ અને એક્ષ્પોર્ટર્સને તથા વિશ્વના જુદા–જુદા દેશોમાં બિઝનેસ કરતા ૮૪,૦૦૦ બિઝનેસમેનોને ઓનબોર્ડ કરવામાં આવી રહયા છે. અત્યાર સુધીમાં આ પ્લેટફોર્મની સાથે ૧ર હજારથી વધુ બિઝનેસમેનો જોડાઇ ગયા છે. મિશન ૮૪ અંતર્ગત સુરત ઉપરાંત ગુજરાત અને ભારતથી વિશ્વના વિવિધ દેશોમાં રૂપિયા ૮૪,૦૦૦ કરોડનું એક્ષ્પોર્ટ થાય તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહયા છે. એવી જ રીતે ભારતની ૮૪ ચેમ્બર ઓફ કોમર્સને તથા વિશ્વના જુદા–જુદા ૮૪ દેશોની ચેમ્બર ઓફ કોમર્સને પણ આ ઓનલાઈન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર લાવવા મિટીંગો થઇ રહી છે.

મિશન ૮૪ અંતર્ગત ભારતમાં કાર્યરત ૮૪ દેશોના કોન્સુલ જનરલ, હાઇ કમિશ્નર અને એમ્બેસેડર તેમજ વિશ્વના ૮૪ દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા વિવિધ એમ્બેસેડર્સને પણ આ પોર્ટલ પર ઓનબોર્ડ કરવા મિટીંગો થઇ રહી છે. જેના ભાગ રૂપે અત્યાર સુધીમાં ૪પથી વધુ દેશોના કોન્સુલ જનરલ, એમ્બેસેડર તથા ઓશિયલ્સ સુરત ખાતે ચેમ્બર ઓફ કોમર્સની મુલાકાતે આવ્યા હતા અને સુરતના ઉદ્યોગકારોને સાથે વન ટુ વન બિઝનેસ મિટીંગો કરી ઉદ્યોગકારોને એક્ષ્પોર્ટ માટેની તકો વિશે જાણકારી આપી હતી.

અમેરિકામાં એટલાન્ટા સ્થિત ભારતના કોન્સુલ જનરલ એલ. રમેશ બાબુ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪થી ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમણે મિશન ૮૪ને આવકારતા જણાવ્યું હતું કે, તેઓએ અગાઉથી જ મિશન ૮૪ વિશે વેબસાઇટ પર જાણકારી પ્રાપ્ત કરી લીધી હતી. તેમણે એટલાન્ટાના બિઝનેસમેનોને સંબોધતા જણાવ્યું હતું કે, ભારતીય ઉદ્યોગ સાહસિકો સાથે જોડાવાનો આ યોગ્ય સમય છે. સાથે જ આખું વિશ્વ જ્યારે ભારતની સાથે જોડાવા માટે પ્રયાસ કરી રહયું છે ત્યારે ભારતના ઉદ્યોગકારો માટે પણ એક્ષ્પોર્ટને વધારવા માટે આ યોગ્ય સમય છે.

તેમણે ભારતીય ઉદ્યોગકારો અને એટલાન્ટાના બિઝનેસમેનો માટે બે દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર વધારવા માટે ઘણા સૂચનો આપ્યા હતા અને આખા કાર્યક્રમને આવકાર્યો હતો. વધુમાં, તેમણે SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ને સહયોગી થવા સંપૂર્ણ પ્રકારે સહયોગ આપવાની ખાત્રી આપી હતી. એના માટે તેમણે તેમની પાસેની માહિતી, ડેટા, માર્કેટ ઇન્ટેલીજન્સ અને બિઝનેસમેનોનું કનેકટ ચેમ્બર ઓફ કોમર્સની સાથે શેર કરવા ખાત્રી આપી હતી. આ ઉપરાંત અહીંની (અમેરિકા, એટલાન્ટાની) સ્થાનિક ચેમ્બર ઓફ કોમર્સ સાથે સુરતના ચેમ્બર ઓફ કોમર્સનું કનેકશન કરાવવા સહકારની ખાત્રી આપી હતી.

બોબીભાઇ પટેલે ચેમ્બર ઓફ કોમર્સની સાથે જોડાઇને તેમના સભ્યોને લાભ લેવા અને ચેમ્બરના મિશન ૮૪ પ્રોજેકટને સહયોગ અને સહકાર આપવા માટે સૌને વિનંતી કરી હતી. જ્યારે આર.સી. પટેલે પણ ચેમ્બર ઓફ કોમર્સના પ્રિમાઇસિસની અને એસ્ટાબ્લિશની પ્રશંસા કરી તેનો લાભ લેવા માટે ચેમ્બરની સાથે જોડાવા એટલાન્ટાના બિઝનેસમેનોને અપીલ કરી હતી.

ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાએ આ સેશનમાં ચેમ્બર ઓફ કોમર્સની ઓવરસિસ મેમ્બરશિપ અંગે પણ માહિતી આપી હતી. ભારતની બહાર વસતા ભારતીયો ચેમ્બરના સભ્ય બની ચેમ્બરની સુવિધાઓનો લાભ અનેક રીતે લઇ શકે તે અંગેની તેમણે સમજ આપી હતી. આ વાતથી આખા સેશનમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.

ચતુરભાઇ છભાયાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઘણા લોકોએ મદદ કરી હતી. બે દિવસમાં આખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇન્ટરેકટીવ સેશનમાં પ્રશ્નોત્તરી સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત, ગુજરાત અને સુરતમાં રોકાણ માટે શું પ્રક્રિયા છે ? તે અંગેના સવાલોના સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા અને એ દ્વારા ઉપસ્થિત તમામ બિઝનેસમેનોએ ભારતથી ચીજવસ્તુઓ ઇમ્પોર્ટ કરવા માટે રસ દાખવ્યો હતો. સાથે જ તેઓએ ભારતમાં રોકાણ કરવા માટે પણ ઉત્સુકતા દર્શાવી હતી. એટલાન્ટાના બિઝનેસમેનોએ SGCCIની સાથે ઓવરસિસ મેમ્બર તરીકે જોડાવા પણ ઉત્સાહ બતાવ્યો હતો અને ત્યારબાદ કાર્યક્રમનું સમાપન થયું હતું

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related