ADVERTISEMENTs

Artificial Intelligence in Financial Frauds: વિષય પર ચેમ્બર દ્વારા જાગૃતિ સેમિનાર યોજાયો.

બેંકોએ સાયબર ફ્રોડને અટકાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ બેઇઝડ ફ્રોડ ડિટેકશન સિસ્ટમનો અમલ કરી તુરંત રિસ્પોન્સ કરી શકે એવી ટેકનિકલ ટીમ ઉભી કરવી પડશે : ડો. ચિંતન પાઠક

ચેમ્બર ઓફ કોમર્સ ખાતે યોજાયેલ સેમિનાર / SGCCI

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા Artificial Intelligence in Financial Frauds : The Growing Threat for Indian Banking System વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટેકલોયર તેમજ સાયબર સિકયુરિટી એન્ડ ડેટા પ્રોટેકશનના કન્સલ્ટન્ટ એડવોકેટ ડો. ચિંતન પાઠકે સાયબર ફ્રોડથી બચવા માટેના ઉપાયો વિશે માર્ગદર્શન આપ્યું હતું.

SGCCIના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ સેમિનારમાં સર્વેને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સને કારણે વિશ્વ ખૂબ જ ઝડપી ગતિએ આગળ વધી રહયું છે. નાણાંકીય પ્રણાલીઓની કાર્યક્ષમતા અને અસરકારકતા વધારવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અસંખ્ય તકો રજૂ કરે જ છે પણ તેની સાથે સાથે નવા પડકારો પણ ઉભા થયા છે. કારણ કે, આ અદ્યતન ટેકનોલોજીનો દુરૂપયોગ પણ વધી રહયો છે. નાણાંકીય છેતરપિંડી બેન્કીંગ ક્ષેત્ર માટે હંમેશા ચિંતાનો વિષય રહી છે ત્યારે આ અદ્યતન ટેકનોલોજીનો લાભ લઇને આપણી બેન્કીંગ સિસ્ટમને વધુ સુરક્ષિત કરી શકીએ છીએ અને બધા માટે સુરક્ષિત નાણાંકીય ભવિષ્યની ખાતરી કરી શકીએ છીએ.

એડવોકેટ ડો. ચિંતન પાઠકે જણાવ્યું હતું કે, છેલ્લા ૧૦ વર્ષમાં સાયબર ફ્રોડને કારણે થતા આર્થિક નુકસાનમાં બેંકોએ રૂપિયા પ.૩ લાખ કરોડ ગુમાવ્યા હતા. હાલ બધી જ સર્વિસિસ આઉટસોર્સ થવા લાગી છે ત્યારે વર્ષ ર૦રપ સુધીમાં ફાયનાન્શીયલ ક્રાઇમનો રેશિયો ૧પ ટકા વધી જશે અને આર્થિક નુકસાનીનો આંકડો રૂપિયા ૧૦.પ ટ્રિલિયન યુએસ ડોલર સુધી પહોંચી જવાની સંભાવના છે. આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સને કારણે કામોની ઝડપ વધી છે પણ તેનો દુરૂપયોગ કરીને સાયબર ફ્રોડ આચરનારા વ્યકિતઓ આ ટેકનોલોજીનો ઉપયોગ કરનારાઓ કરતા છ સ્ટેપ આગળ હોય છે. જો કે, સરકાર તરફથી આઇટી ક્ષેત્રે નવા કાયદામાં આ બધી બાબતોનો સમાવેશ કરવાની કોશિષ કરાઇ રહી છે.

તેમણે જણાવ્યું હતું કે, જે રીતે સોફટવેર અને હાર્ડવેરની સર્વિસિસ આપવામાં આવે છે એવી રીતે સાયબર ફ્રોડ કરનારા ગુનેગારો સાયબર ક્રાઇમને પણ સર્વિસ તરીકે અપનાવી રહયા છે. સાયબર ક્રાઇમની દૃષ્ટિએ ભારત વિશ્વમાં ૧૦મા ક્રમે છે. ગત વર્ષે ભારતમાં ર૦ લાખ લોકો સાથે કુલ રૂપિયા રપ૩૭ કરોડની નાણાંકીય છેતરપિંડી થઇ હતી. દેશમાં સૌથી વધુ સાયબર ક્રાઇમના ગુના ઉત્તર પ્રદેશમાં નોંધાય છે. ત્યારબાદ અનુક્રમે રાજસ્થાન, કર્ણાટક, મધ્ય પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, આંધ્રપ્રદેશ અને વેસ્ટ બંગાલનો સમાવેશ થાય છે. ગુજરાતમાં સાયબર ક્રાઇમ માટે સુરત અને અમદાવાદ એપીક સેન્ટર બની ગયા છે.

ટેકલોયર તેમજ સાયબર સિકયુરિટી એન્ડ ડેટા પ્રોટેકશનના કન્સલ્ટન્ટ એડવોકેટ ડો. ચિંતન પાઠક / SGCCI

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દરરોજ અસંખ્ય લોકો સાથે રૂપિયા ર૦૦૦થી પ૦૦૦ સુધીની નાણાંકીય છેતરપિંડી હવે સામાન્ય બની ગઇ છે અને લોકો એના માટે પોલીસ ફરિયાદ પણ કરતા નથી. મોટા ભાગના લોકોને તેની ફરિયાદ કયાં કરવી ? તેની પણ જાણકારી હોતી નથી. તેમણે જણાવ્યું હતું કે, રૂપિયા પ લાખથી વધુની નાણાંકીય છેતરપિંડીના કેસમાં સાયબર સેલ સીધી તપાસ કરે છે. જ્યારે એનાથી ઓછી રકમની ફરિયાદમાં જે તે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે છે. 

સાયબર ક્રાઇમ આચરનારા ગુનેગારો દ્વારા બ્લેક મેઇલીંગના કેસમાં મોટા ભાગે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સ, વકીલો અને પ્રતિષ્ઠિત વ્યકિતઓને ટારગેટ કરવામાં આવે છે. લોકોને વોટ્‌સએપ અને ઇ–મેલ કરીને વિડિયો ડાઉનલોડ કરવાનું જણાવવામાં આવે છે અને વિડિયો ડાઉનલોડ કરતાની સાથે જ અસભ્ય વિડિયોને કારણે તેઓને બ્લેકમેલ કરવામાં આવે છે, આથી તેમણે કહયું હતું કે apk વાળા વિડિયો ભૂલથી પણ ડાઉનલોડ કરવા જોઇએ નહીં. મોટા ભાગના મેસેજમાં બેંક ખાતું બંધ થઇ જશે, પેનલ્ટી લાગી જશે તેમ જણાવીને લોકોને ગભરાવવામાં આવે છે અને ઇમરજન્સી ઉભી કરવામાં આવે છે. આવા સંજોગોમાં ગભરાઇને કોઇની સાથે પણ કોઇ બાબત ઓનલાઇન શેર કરવી જોઇએ નહીં અને ખોટા મેસેજીસનો પણ જવાબ આપવો જોઇએ નહીં. તેમણે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર પણ પોતાની બધી માહિતી મુકવી જોઇએ નહીં તેમ જણાવ્યું હતું.

ડો. ચિંતન પાઠકે બેંકોમાં થતી નાણાંકીય છેતરપિંડીથી બચવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ બેઇઝડ ફ્રોડ ડિટેકશન સિસ્ટમનો અમલ કરવાનુ સૂચન કર્યું હતું. નિયમિત ધોરણે ફાયનાન્શીયલ એકાઉન્ટને મોનીટર કરવામાં આવવા જોઇએ. ફ્રોડુલન્ટ એકટીવિટીનો રિપોર્ટ રાખવો જોઇએ. બેંકોએ ખાતેદારોને તુરંત રિસ્પોન્સ કરી શકે એવી ટેકનિકલ ટીમ ઉભી કરવી જોઇએ. બેંકો તથા અન્ય પ્લેટફોર્મ પર ઓનલાઇન માહિતી આપતી વખતે સાવચેતી રાખવી જોઇએ. ડીપફેક વિડિયો બનાવીને અને કોઇપણ વ્યકિતના અવાજને કોપી કરીને વોઇસ કલોનીંગથી નાણાંકીય છેતરપિંડી થાય છે. આવા સંજોગોમાં બેન્કોએ વોઇસ કલોનીંગ પર હવે ઓથેન્ટીસિટી ચકાસવી જોઇએ અને એના માટે સિસ્ટમ ડેવલપ કરવી પડશે.

ચેમ્બરના માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા, ગૃપ ચેરમેન ડો. અનિલ સરાવગી અને આઇટી ક્ષેત્રના લોકો સેમિનારમાં ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરની કો–ઓપરેટીવ સેકટર્સ બેન્કીંગ કમિટીના ચેરપર્સન ડો. જયનાબેન ભકતાએ સેમિનારનું સંચાલન કર્યું હતું અને સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરની નેશનલાઇઝ, પ્રાઇવેટ બેન્કીંગ કમિટીના કો–ચેરમેન શ્રી રાજીવ કપાસિયાવાલાએ વકતાશ્રીનો પરિચય આપ્યો હતો. ડો. ચિંતન પાઠકે સાયબર ફ્રોડ સંબંધિત વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સેમિનારનું સમાપન થયું હતું.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related