મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ એમ હિન્દી હાર્ટલેન્ડના ત્રણ મોટા રાજ્યોમાં ભવ્ય જીતના એક સપ્તાહ બાદ આખરે ભાજપે ત્રણેય રાજ્યોમાં લોકસભાની ચૂંટણીના ગણિતને ધ્યાને રાખીને મુખ્યમંત્રી તથા ઉપમુખ્યમંત્રીઓની પસંદગી અને તેમની શપથવિધિ પણ પૂર્ણ કરી દીધી છે. ત્યારે ભાજપની ત્રણ રાજ્યોમાં ભવ્ય જીત અને નવા સીએમની નિયુક્તિની ઉજવણી અમેરિકામાં પણ ભાજપના સમર્થકોએ કરી હતી. ઓવરસીસ ફેન્સ ઓફ બીજેપી (OFBJP) અને અમેરિકામાં વસતા ભારતીય ડાયસ્પોરાએ આ રાજ્યોમાં અદભૂત જીત માટે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા. OFBJP પ્રમુખ: ડૉ. અડાપા પ્રસાદે જણાવ્યું કે, OFBJP સ્વયંસેવકોએ ચાય પે ચર્ચા, ફોન કૉલ ઝુંબેશ અને વ્યક્તિગત રીતે ઝુંબેશનું આયોજન કર્યું હતું. OFBJP અને NRIs હવે 2024ની લોકસભાની ચૂંટણી માટે ઝુંબેશ શરૂ કરવા માટે તૈયાર થઈ રહ્યા છે. તેઓ PM મોદીની ત્રીજી ટર્મ જોવા માગે છે.
છત્તીસગઢને વિષ્ણુદેવ સાયના રૂપમાં પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી મળ્યા છે. ૧૩ ડિસેમ્બરના રોજ તેમણે મુખ્યમંત્રી પદે શપથ લઇ લીધા છે. તેમની સાથે ડેપ્યુટી સીએમ તરીકે અરુણ સાઓ જેઓ ઓબીસી તેલી સમુદાયના છે જ્યારે બીજા ડેપ્યુટી સીએમ તરીકે વિજય શર્મા જેઓ બ્રાહ્મણ સમુદાયમાંથી આવે છે, તેમણે પણ શપથ લીધા. વિજય શર્માએ કોંગ્રેસ પાર્ટીના મોહમ્મદ અકબરને હરાવ્યા.
મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવ ઓબીસી સમુદાયના છે. રાજ્યના ડેપ્યુટી સીએમમાંથી એક જગદીશ દેવરા દલિત અને બીજા રાજેન્દ્ર શુક્લા બ્રાહ્મણ સમુદાયમાંથી આવે છે. રાજસ્થાનમાં ભાજપે ભજનલાલ શર્માને સીએમ તરીકે પસંદ કર્યા છે. પ્રેમચંદ બૈરવા (દલિત ચહેરો) અહીં ડેપ્યુટી સીએમ પદ સંભાળશે. રાજ્યની બીજી ડેપ્યુટી સીએમ દિયા કુમારી રાજપૂત સમુદાયની છે.
નવા મુખ્યમંત્રીઓ અને ડેપ્યુટી સીએમના નામ દર્શાવે છે કે ભાજપ સમાજની નીચલી જાતિઓને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ અને તમામ વિપક્ષી દળો દ્વારા જાતિ ગણતરીની માંગ વચ્ચે ભાજપને OBC, SC અને ST વર્ગોને વધુ પ્રતિનિધિત્વ આપવાની તક મળી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login