ADVERTISEMENTs

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ભારતીય સમાજના મહાપુરૂષ સ્વ. શ્રી. રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

માત્ર એક બિઝનેસ લીડર તરીકે જ નહીં, પરંતુ સમાજની સુધારણા માટે પોતાના સંસાધનોનો ઉપયોગ કરવામાં માનતા એક દયાળુ માનવી તરીકે રતનજી ટાટાનો વારસો આપણને હંમેશા પ્રેરણા આપતો રહેશેઃ ચેમ્બરના પ્રમુખ શ્રી વિજય મેવાવાલા

ચેમ્બર ખાતે યોજાયેલ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ / SGCCI

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા બુધવાર, તા.૧૬ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે, સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે વૈશ્વિક કોર્પોરેટ જગતના અને ભારતીય સમાજના મુઠ્ઠી ઊંચેરા મહાપુરૂષ સ્વ. શ્રી. રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પારસી અગ્રણી અને જાણીતા નાટ્યકાર પદ્ય શ્રી યઝદીભાઈ કરંજિયા, સોલેક્ષ એનર્જીના ચેરમેન અને ચેમ્બરના પૂર્વ પ્રમુખ શ્રી ચેતન શાહ, તનિષ્ક ફ્રેન્ચાઈઝી અને ટાટા મોટર્સના ડીલર શ્રી જયંતિભાઈ પટેલ, શ્રી રામ ક્રિષ્ણા એક્સ્પોટર્સ પ્રા.લિ.ના ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, કોન્સેપ્ટ ઈન્વેસ્ટવેલ પ્રા.લિ.ના સિનિયર વીપી શ્રી સિદ્ધાર્થ માંડલેવાલા અને એસઆરકે નોલોજ ફાઉન્ડેશનના પ્રમુખ તેમજ ચેમ્બરના પૂર્વ પ્રમુખ શ્રી કમલેશ યાજ્ઞિક અને ઉપસ્થિતોએ સ્વ. શ્રી. રતન ટાટાના કાર્યોને યાદ કરીને તેમણે શ્રદ્ધાંજલિ, શબ્દાંજલિ અને સ્મરણાંજલિ અર્પણ કરી હતી. 

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે, ‘સ્વ.શ્રી રતન ટાટા પ્રામાણિકતા, દીર્ઘદૃષ્ટા અને સહાનુભૂતિના પ્રતિક છે. તેમણે એકવાર કહ્યું હતું કે, ‘હું સાચા નિર્ણય લેવામાં માનતો નથી પણ... હું નિર્ણયો લઉં છું અને પછી તેને સાચા બનાવું છું.’ આ બોલ્ડ શબ્દો તેઓની દીર્ઘદૃષ્ટા ભાવનાને પ્રતિબિંબિત કરે છે. ટાટા ટ્રસ્ટ દ્વારા, તેમણે ટાટા ગૃપનો નફાનો મોટો હિસ્સો લોકોની આરોગ્ય સંભાળ, શિક્ષણ અને ગ્રામીણ વિકાસ માટે લગાવ્યો હતો, જેની લાખો લોકોના જીવન પર ઊંડી અસર પડી હતી.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘માત્ર એક બિઝનેસ લીડર તરીકે જ નહીં, પરંતુ સમાજની સુધારણા માટે પોતાના સંસાધનોનો ઉપયોગ કરવામાં માનતા એક દયાળુ માનવી તરીકે રતનજી ટાટાનો વારસો આપણને હંમેશા પ્રેરણા આપતો રહેશે. તેમનું જીવન એક રીમાઇન્ડર છે કે સાચી સફળતા સંપત્તિ દ્વારા માપવામાં આવતી નથી, પરંતુ આપણે વિશ્વ પર જે હકારાત્મક અસર છોડીએ છીએ તેના દ્વારા માપવામાં આવે છે.’

Govind Dholakiya / SGCCI

શ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે, ‘રતન ટાટાજીને મળવાની તક ડાયમંડ ઉદ્યોગના કારણે થઈ હતી. તેમનો સરળ સ્વભાવ મનમોહી લે તેવો હતો. તેમનો સુરતમાં માસ્ટર્સ પૂર્ણ થયેલા વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમનું આયોજન કરવા અંગે ચર્ચા-વિચારણા થઈ હતી.’ તેમણે સ્વ. શ્રી રતન ટાટા સાથેના સંસ્મરણોને ઉપસ્થિતો સમક્ષ પ્રસ્તુત કર્યા હતા.

શ્રી યઝદીભાઈ કરંજિયાએ સ્વ. શ્રી રતન ટાટાને યાદ કરતા જણાવ્યું હતું કે, ‘સિદ્ધાંત તેમનું જીવન, સંસ્કાર તેમનું સિંચન, કર્મ તેમની ભક્તિ અને સેવા તેમની શક્તિ હતી. બંદગી વખતે જરૂરી નથી કે ભગવાનનું જ નામ આવે, એ દરેક ક્ષણ પણ બંદગી જ કહેવાય, જ્યારે માણસ માણસના કામ આવે. સામાજિક ક્ષેત્રે, સેવા ક્ષેત્રે તેમજ ઉદ્યોગ ક્ષેત્રે તેમને અદભૂત સફળતા પ્રાપ્ત કરી છે. તેમની એ કારકિર્દી આપણે ક્યારેય ભૂલી ન શકીએ. માત્ર માનવીય જ નહીં પણ તેમનો પ્રાણી પ્રત્યેનો પ્રેમ પણ ઘણો હતો.’

શ્રી ચેતન શાહે જણાવ્યું હતું કે, ‘વર્ષ ૧૯૯૦માં મારા કરિયરના પ્રથમ વર્ષમાં જ જેઆરડી ટાટા સાથે મુલાકાત થવાની તક મળી હતી, તે મુલાકાતથી કરિયરમાં કઈ દિશામાં પગલું લેવું તે જાણ્યું. ટાટા બ્રાન્ડની પ્રોડક્ટમાં કોડ ઓફ કન્ડક્ટ અને વેલ્યુઝમાં ક્યારેય કમ્પ્રોમાઈઝ કરવાની જરૂર નથી પડી. તેઓ હંમેશા કહેતા હતા કે, હું વેલ્થ ક્રિએશનમાં નહીં પણ એમ્પ્લોયમેન્ટ ક્રિએશનમાં માનું છું. તેમને દેશમાં અનેક રતન બનાવ્યા છે, જે દેશને આગળ લઈ જશે.’

Yazdi Karanjia / SGCCI

શ્રી જયંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે, ‘દેશપ્રેમી, દાનવીર, મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપતા, પ્રોવિડન્ટ ફંડના પ્રણેતા, હંમેશા કર્મચારીઓ પ્રત્યે લાગણીશીલ વ્યક્તિ એટલે સ્વ. શ્રી રતન ટાટા. તેમની કંપનીઓ સાથે જોડાયેલા તમામ કર્મચારીઓની જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવે છે. તેમને કર્મચારીઓમાં પણ તેવી સરળતા લાવવાના પ્રયત્નો કર્યા છે.’

શ્રી સિદ્ધાર્થ માંડલેવાલાએ સ્વ.શ્રી રતન ટાટાજીને યાદ કરતા કહ્યું હતું કે, ‘ટાટા ગ્રૃપ શેર માર્કેટમાં સૌથી વધુ વિશ્વાસુ કંપની રહી છે. રતન ટાટાએ જ્યારે ગ્રૃપની કમાન સંભાળી હતી, ત્યારથી અત્યાર સુધીમાં હંમેશા વૃદ્ધિ થઈ છે. ટાટા ગ્રૃપમાં ઈન્વેસ્ટ કરનારના ક્યારેય પૈસા ડિફોલ્ટ નથી થયા. ટાટા શેરર્સ લેવા હંમેશા જ હિતાવહ છે. વિશ્વમાં સૌથી વધુ દાન કરે છે.’

શ્રી કમલેશ યાજ્ઞિકે જણાવ્યું હતું કે, ‘સ્વ. શ્રી રતન ટાટાએ અનેક નિષ્ફળતાઓ પછી સફળતા મેળવી હતી. ભારતના બિલિયનર્સમાં ભલે રતન ટાટાનું નામ પાછળ હોય પણ તેઓ માનવતામાં પ્રથમ ક્રમાંકે હતા. નાનામાં-નાનો માણસ પણ રતન ટાટાનું નામ ઓળખે છે. શહેર કેવી રીતે રહેવા જોઈએ? તેના પર રતન ટાટાજીએ વર્કશોપ રાખી હતી. જેમાં જમશેદપુર, પૂણે અને સુરત પર ચર્ચા કરાઈ હતી. જ્યારે સંતોકબા માનક એવોર્ડ આપવામાં આવ્યો હતો, ત્યારે તેમને એવોર્ડ મળ્યા બાદ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. તેઓ તેમના વચનના ખૂબ પાક્કા હતા. એક વાર તેમણે જીવન પછી લોકો મને દેશમાં સ્ત્રી-પુરૂષ તમામ લોકો માટે સમાન તક મળે તે માટે પ્રયત્નશીલ રહ્યો હોય તેવો વ્યક્તિ તરીકે યાદ રાખે તેવી ઈચ્છા હોવાનું જણાવ્યું હતું.’

આ ઉપરાંત, ચેમ્બરના પૂર્વ પ્રમુખ શ્રી રજનીકાંત મારફતિયા, ગ્રૃપ ચેરમેન શ્રી સંજય પંજાબી અને કાર્યક્રમમાં ઉપસ્થિતોએ સ્વ.શ્રી રતન ટાટાજીના કાર્યોને અને સંસ્મરણોને યાદ કર્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી. કાર્યક્રમમાં રતન ટાટાજીના જીવનના કેટલાક પ્રસંગો અને ઈન્ટરવ્યુના વીડિયો બતાવવામાં આવ્યા હતા. 

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related