વરસાદના પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરીને ભૂગર્ભ જળ ઉંચા લાવવાના હેતુથી 'જળસંચય જનભાગીદારી અભિયાન' અંતર્ગત માંડવી તાલુકાના તડકેશ્વર ખાતેથી કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના હસ્તે સુરત જિલ્લાના ૫૮૭ ગામોમાં રૂા.૧૦.૪૩ કરોડના ખર્ચે ૨૦૩૧ જેટલા જળસંચયના કાર્યોનો પ્રારંભ કરાયો હતો. મંત્રીશ્રીએ રેઈન વોટર હાર્વેસ્ટિગના ડિજીટલ મોનિટરીંગ ડેશ બોર્ડનું લોન્ચિંગ પણ કર્યું હતું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ તથા સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. જળસંચય અભિયાન હેઠળ બોર-કુવા રિચાર્જ અને રિચાર્જ પીટ હેઠળના રેઈન વોટર હાર્વેસ્ટિંગના કામો હાથ ધરવામાં આવશે.
આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રીએ જળસંચય અભિયાન હેઠળ પાણીરૂપી પારસમણિને સંગ્રહ કરવાના કાર્યનો પ્રારંભ પ્રથમ સુરત જિલ્લામાંથી થઇ રહ્યો છે જે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં મોટુ જનઅભિયાન બનશે એમ જણાવી 'જળસંચય અને જનભાગીદારી' હેઠળ જિલ્લાના બિનઉપયોગી અને બંધ ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરી ફરી તે જ પાણીનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો.
વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, અત્યાર સુધી આપણે પાણી મેળવવા બોર કરતા હતા, પરંતુ સમય અને સંજોગોને ધ્યાને લઇને વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટે અભિયાન ઉપાડયું છે. સમગ્ર રાજ્યમાં ૨,૪૮,૦૦થી વધુ બોરના કામો હાથ ધરાશે. જિલ્લામાં ૧૫૦૦ બોરનું કામ ૨૦ દિવસમાં પૂર્ણ થશે. આ કાર્યમાં સુમુલ ડેરી પણ ૧૨૦૦ બોર રિચાર્જ કરીને અભિયાનમાં જોડાશે. આ ઉપરાંત કડોદરાની ઈન્ડસ્ટ્રીઝ પણ મોટી સંખ્યામાં રિચાર્જિગના કાર્યમાં જોડાશે તેનો પણ મંત્રીએ ઉલ્લેખ કર્યો હતો.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ૧૦૦ એમ એમ વરસાદ પડે તો પણ ૧૪/૪૫ ના મકાન દ્વારા એક લાખ લીટર પાણી ભૂગર્ભમાં ઉતારી શકાય છે. દરેક પદાધિકારીઓને પોતાના ઘરથી જળસંચયના અભિયાનની શરૂઆત કરવાની અપીલ મંત્રીએ કરી હતી.
આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સિંચાઈ, ઔદ્યોગિક તેમજ ઘરવપરાશ સહિત વિવિધ ઉપયોગ માટે ભૂગર્ભ જળને ઉંચુ લાવવાનું આ અભિયાન આગામી દિવસોમાં સાર્વત્રિક જનઅભિયાન બનશે. જેમાં જોડાઈને સૌએ ઘરે-ઘર બોર રિચાર્જિગ કરવાનો અનુરોધ કર્યો હતો.
વધુમાં તેમણે કહ્યું કે, કુદરત તરફથી મળતા ભેટસ્વરૂપ વરસાદી પાણીનો યોગ્ય પદ્ધતિથી સંગ્રહ કરી તેને ભૂગર્ભમાં ઉતારી માવજત કરવામાં આવે તો જળસંકટનો પ્રશ્ન હલ કરી શકાય તેમ છે. 'જળસંચય ઝુંબેશ' અંતર્ગત વરસાદી પાણીના સંગ્રહ માટે સરકારે અનેક યોજનાઓ અમલી બનાવી છે, જેનો લાભ લેવાનો અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, પાણીની વૈશ્વિક સમસ્યા નિવારવા 'જળસંચય જનભાગીદારી અભિયાન' એક નવી રાહ ચીંધશે. પાણી એ સૌનો આધાર છે. 'જળ હી જીવન હૈ, જીવન હી સબકા આધાર હૈ' એમ જણાવતાં કહ્યું કે, ‘ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં અને ખેતરનું પાણી ખેતરમાં’ જ રહે અને ભૂગર્ભ જળ રિચાર્જ થાય તે માટે ‘જળસંચય અભિયાન’ આશીર્વાદરૂપ નીવડશે.
જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ જિલ્લામાં રેઈન વોટર હાર્વેસ્ટિગના ડિજીટલ મોનિટરીંગની વિગતો આપતા જણાવ્યું હતું કે, ડેશબોર્ડના માધ્યમથી જળસંચયની કામગીરીનો રિયલ ટાઈમ ડેટા મળશે. જેમાં કયા સ્થળે, કયા ગામે, કંઈ ગ્રાંટમાંથી કામ કેટલું થયું તેની વિગતો ઓનલાઈન મળી રહેશે. તમામ કામગીરીના ફોટો અપડેટ કરવામાં આવશે. સાથે તેમાં અક્ષાંશ, રેખાંશ તેમજ જેમ જેમ કામોની પ્રગતિ થતી જાય તેની વિગતો અપડેટ થશે.
આ પ્રસંગે મંત્રીગણ અને મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login