ભારતમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી ફરી રોજના ૩૦૦થી વધુ કેસ ભારતમાં કોરોનાના નોંધાઇ રહ્યા છે. માત્ર કેસ જ નહીં, મૃત્યુઆંક પણ સામે આવી રહ્યા છે. સૌથી વધુ ચિંતા કેરળે વધારી છે. દૈનિક કુલ કેસમાંથી ૮૫ ટકા કેસ માત્ર કેરળમાં નોંધાય છે. તો મૃત્યુઆંકમાં પણ કેરળ અગ્રેસર છે.
કેરળ ઉપરાંત કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, પંજાબમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે. ગુજરાતમાં દૈનિક ધોરણે કોરોનાના ૫-૬ કેસ આવી રહ્યા છે. રોજ નોંધાતા નવા કોરોના કેસને કારણે દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા પણ ફરી ૪ આંકડામાં થઇ ગઇ છે.
કોરોનાના જે દર્દીઓ પોઝિટિવ આવે છે તેમાંથી કોરોનાના નવા વેરિએન્ટ JN.1થી કેટલા લોકો સંક્રમિત થયા છે તે ચકાસવા માટે તેમના સેમ્પલ્સ જિનોમ સિક્વન્સિંગમાં મોકલવામાં આવે છે. ગુરુવાર સાંજ સુધી ૨૧ દર્દીઓ કોરોનાના નવા વેરિએન્ટ JN.1 થી સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. તેમાં ગોવામાં જ ૧૯ દર્દીઓ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં એક એક દર્દીઓનો સમાવેશ થાય છે. નવો વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે અને તે રસી લીધેલા દર્દીઓને પણ પોતાની ઝપેટમાં લઇ રહ્યો છે. કોરોનાના વધતા કેસ અને નવા વેરિએન્ટના ખતરાને જોતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યના આરોગ્યમંત્રીઓ અને આરોગ્ય અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગથી એક બેઠક યોજી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યારબાદ રાજ્યોને સતર્ક રહેવા, ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર આપવા, દર ૩ મહિને હોસ્પિટલ્સમાં મોક ડ્રિલ્સ યોજવા સૂચના આપી છે.
આ તરફ વધતા કેસને જોતા રાજ્યો પણ પોતાની રીતે પગલાં લઇ રહ્યાં છે. કર્ણાટકમાં વડીલો માટે માસ્ક ફરજિયાત કરી દેવાયા છે. તો ચંદીગઢમાં પણ હોસ્પિટલમાં માસ્ક પહેરીને જ પ્રવેશવાની અને જાહેર સ્થળો પર શક્ય હોય તો માસ્ક સાથે જ પ્રવેશ કરવાની સૂચના અપાઇ છે. તો બેંગાલુરુમાં ટેસ્ટિંગ અને RT PCR ટેસ્ટ વધારી દેવાયા છે. ગુજરાતમાં હોસ્પિટલ્સ બેડ, ઓક્સિજન અને દવાઓનો પર્યાપ્ત જથ્થો ઉભો કરવામાં લાગી ગઇ છે. કેન્દ્ર સરકારે તમામ લોકોને સતર્ક રહેવાની સૂચના આપી છે.
જો કે, નિષ્ણાતો કહે છે કે કોરોનાનો આ નવો વેરિએન્ટ એટલો ઘાતક નથી. તેનાથી હોસ્પિટલાઇઝ થવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થવાની શક્યતા ઓછી છે. તેના લક્ષણો પણ કોરોનાના અન્ય વેરિએન્ટના લક્ષણો જેવા જ છે. પણ લક્ષણો દેખાય તો તરત ટેસ્ટ કરાવી લેવાની અને ડોક્ટર્સની સલાહ મુજબ સારવાર કરાવવાની સલાહ અપાઇ રહી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ પણ આ વાયરસને ‘વાયરસ ઓફ ઇન્ટરેસ્ટ’ની શ્રેણીમાં મૂક્યો છે. અગાઉ WHOએ આ વાયરસને ઓમિક્રોનના સબ વાયરસ તરીકે જ વર્ગીકૃત કર્યો હતો પણ હવે તેના વધતા કેસને જોતાં WHOએ પણ તેને અલગથી વર્ગીકૃત કર્યો છે. જો કે, હાલ તેને વાયરસ ઓફ ઇન્ટરેસ્ટની શ્રેણીમાં મૂક્યો હોવાથી તે વધારે ગંભીર કે ઘાતક નથી તે સમજી શકાય છે. તેમ છતાં ગાફેલ ન રહેતાં સતર્કતા વર્તવાની અને કોરોનાના પ્રોટોકોલ્સ ફરી એકવાર અમલમાં મૂકવાની જરૂર છે. જેથી સંક્રમણ વધુ ન ફેલાય.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login