ADVERTISEMENTs

એટલાન્ટા ખાતે સંગીતમય ગુજરાતી ગઝલ અને કવિતાની મહેફિલ યોજાઈ.

શનિવાર, ૨૯મી માર્ચ, ૨૦૨૫ના રોજ “ઈન્ટરનેશનલ ગુજરાતી કલ્ચરલ સોસાયટી, એટલાન્ટા”એ “પગલાં વસંતના” કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

“પગલાં વસંતના” કાર્યક્રમની ઝલક / સંજય પંડયા

By સંજય પંડયા

સૂર્યગ્રહણ જેવી માનવ જીવનને સ્પર્શતી ખગોળીય ઘટનાની સાથે સાથે એટલાન્ટાના ગુજરાતી સંગીત અને કવિતાને માણનારાઓ માટે એક આશ્ચર્યજનક ઘટના બની! એટલાન્ટામાં સ્થાનિક સંગીતપ્રેમીઓએ “પગલાં વસંતના” નામની છેલ્લાં ૧૦૦ વર્ષની ગુજરાતી કવિતા અને ગઝલ ભરેલી એક સાંજનું આયોજન કર્યું હતું.

આપણે ગુજરાતીઓ આપણી ધંધાકીય કુનેહ માટે સમગ્ર વિશ્વમાં જાણીતા છીએ. અને આપણે એ બાબતમાં આપણા કોલર પણ ઊંચા કરતા હોઈએ છીએ! જયારે સંગીત કલાની બાબતમાં આપણે મહારાષ્ટ્ર, બંગાલ, તામિલનાડુ, કે ભારતના બીજા રાજય તરફ જોવું પડે તે જાણીતી બાબત છે. આપણે આપણી ભાષા કે સંગીતને ઝાઝુ મહત્વ આપતા નથી. આમ છતાં આ કાર્યક્રમ આપણા આ ચીલાચાલુ મતનું સંપૂર્ણપણે ખંડન કરે તે વો સુંદર હતો! તેથી વિશેષ તો દરેક ગુજરાતીએ ગૌરવ લેવા જેવો રહ્યો હતો.

શનિવાર, ૨૯મી માર્ચ, ૨૦૨૫ના રોજ “ઈન્ટરનેશનલ ગુજરાતી કલ્ચરલ સોસાયટી, એટલાન્ટા”એ “પગલાં વસંતના” જેવો સ્થાનિક કલાકારોએ (ગાયક અને સાજિંદાઓ કુલ મળીને ૮ કલાકારના કાફલા) સાથે બાનાવેલ ગુલદસ્તો શ્રી ગઢપુરધામ સ્વમિનારાયણ સંસ્થાના હોલમાં સફળતાપૂર્વક રજુ કર્યો. શ્રી દિલીપ ધોળકીયા, અવિનાશ વ્યાસ અને પુરૂષોત્તમ ઉપાધ્યાયના ખુબ જાણીતા અને કર્ણપ્રિય કંપોઝીશન થી લઈને આજના સંગીતકારોએ બનાવેલી ધુનો ગાઈને પ્રેક્ષકોને જકડી રાખયા હતા. ત્રણ કલાકનો આ કાર્યક્રમ સાજે ચાર વાગે શરૂ થયો અને લગભગ પોણા સાતે સૌ ગુજરાતીઓના પ્રિય રાસ-ગરબાની રમઝટ જમાવી અંતે મંદિરે તૈયાર કરેલ સ્વાદિષ્ટ ભોજનની મઝા સૌએ માણી હતી.

પ્રિયકાંત મણિયારના સુંદર રાધા-કૃષ્ણના ગીત “આ નભ ઝુકયું તે…”થી શરૂ કરી આ કાર્યક્રમમાં ગુજરાતી ગઝલસમ્રાટ મરીઝ, ગની દહીંવાલાની ગઝલો રજુ કરાઈ. બાલમુકુંદ દવેનું અમર પ્રેમગીત “કેવા રે મળેલા મનના મેળ”થી શરૂ કરી આજના ગીતકાર પદ્મશ્રી તુષાર શુકલના “પુછીને થાય નહિ પ્રેમ”ને આવરી લેવાયા હતાં. શ્રી અંકુર દવેએ સુંદર ગઝલો ઉપરાંત શ્રીમતી પારૂલ સેવક સાથે યુગલ ગીતો ગાયા. ડો. મોના શાહે ખુબ સુંદર કવિતાઓમાં પ્રાણ પુર્યા અને શ્રીમતી મીતા મહેતાએ આપણા બેનમૂન ગીતો ગાઈ સૌ શ્રૌતાજનોના મન જીતી લીધા હતા.

“પગલાં વસંતના” કાર્યક્રમની ઝલક / સંજય પંડયા

શ્રી કવિશ ગાંધી તબલા પર, શ્રી તેજસ ચૌહાણ સીન્થેસાઈઝર પર, શ્રી પઉલોઝ ગીટાર પર અને શ્રી જયુર શાહે રીધમ પર શ્રોતા-ઓના મન જીતી લીધા હતા. ખાસ નોધવું રહ્યુ કે અમેરિકામાં જન્મેલ અને ગુજરાતી લીપિ પણ વાંચી નથી તેવા ત્રણ યુવા કલાકારોએ સૌને તેમના ગુજરાતી સંગીતથી મંત્રમુગ્ધ કરી દીધા હતા. હા, આ ત્રણે યુવા કલાકારો શ્રી અંકુર દવેની સંગીતશાળાનું યોગદાન હતું. શ્રી નિમિષ સેવકે આ સમગ્ર કાર્યક્રમનું સુંદર, ભાવવાહી સાહિત્યિક સંચાલન કર્યુ હતું.

ભારતીય સાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન કરનાર સાહિત્યકારોની હરોળમાં ઊભા રહીશકે તેવા ઊંચા દરજ્જાના સાહિત્યકારો ગુજરાત પાસે પણ છે. ઈન્ટરનેશનલ ગુજરાતી કલ્ચરલ સોસાયટી, એટલાન્ટા આ હકકીકતથી માહિતગાર છે અને તેને સ્થાનિક કલાકારોની મદદથી આપણી સમક્ષ કલાત્મકરીતે રજુ કરવા કટિબદ્ધ છે. બે વર્ષ પહેલા તેમણે આંતરરાષ્ટ્રિય ગુજરાતી ફિલ્મ ફેસ્ટીવલનું સફળ આયોજન કર્યુ હતું. ગયા વર્ષે આ સંસ્થાએ ગુજરાતના જાણીતા લેખક શ્રી મધુ રાય અને ગઝલકાર શ્રી શોભિત દેસાઈ એક સાંજનો કાર્યક્રમ રાઝવેલ ખાતેની બેસ્ટ વેસ્ટર્નમાં યોજ્યો હતો.

આ કાર્યક્રમમાં જ્યોર્જીયા કલીનીકના ડો. નરેશ અને આશા પરીખ, પીચ કલીનીકના ડો. ધવલ શાહ, ડો. સંજય અને અમીતા પરીખ, ડો. જયપ્રકાશ દેસાઈ, શ્રી જતીન અને ચૌલા શાહ, શ્રી પરેશ દેસાઈ અને ફીઝીશ્યનસ પ્રોટેકશન ગ્રુપ અને એટલાન્ટા સાંસ્કૃતિક એલચી શ્રી મુસ્તફા અજમેરીએ હાજરી આપી કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related