ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. રપ, ર૬ અને ર૭ જાન્યુઆરી, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ વાગ્યા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફૂડ એન્ડ બેવરેજીસ’, ‘હેલ્થ એન્ડ વેલનેસ’ અને ‘SGCCI ગ્લોબલ વિલેજ’ એકઝીબીશન ર૦રપનું સંયુકતપણે આયોજન કરવામાં આવ્યું હતું, જેને શહેરીજનોનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ‘SGCCI ગ્લોબલ વિલેજ’ માટે પ્રથમ વખત કરવામાં આવેલો પ્રયાસ પણ સફળ રહયો છે. ‘SGCCI ગ્લોબલ વિલેજ’માં કન્ટ્રી પેવેલિયનમાં ભારત ઉપરાંત શ્રીલંકા અને રશિયા દ્વારા આંતરરાષ્ટ્રીય કલાકારોના માધ્યમથી પોતપોતાના દેશોના સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ એકઝીબીશનની અમેરિકા, ભુતાન, સેશલ્સ, ઇરાન, રશિયા, શ્રીલંકા, સાઉદી અરેબિયા, માલાવી, થાઇલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને તાન્ઝાનિયા સહિત ૧પ દેશોમાંથી ૮પથી વધુ બિઝનેસ પ્રતિનિધિઓએ મુલાકાત લીધી હતી. આ એકઝીબીશન દરમ્યાન પોઇન્ટ ટુ પોઇન્ટ, ચેમ્બર ટુ ચેમ્બર અને ચેમ્બર ટુ પોઇન્ટ માટે દ્વિપક્ષીય વેપાર માટે સમજૂતિ કરાર થયા હતા.
ફૂડ એન્ડ બેવરેજીસ એકઝીબીશનમાં સ્ટોલધારકો દ્વારા બાય વન ગેટ વન ફ્રી તથા ૧૦ ટકાથી લઇને પ૦ ટકા સુધીના ડિસ્કાઉન્ટની ઓફર આપવામાં આવતા ત્રણ દિવસ દરમિયાન લોકોની ભારે ભીડ જામી હતી. નમકીન અને બેકરીની આઇટમોમાં ખાણીપીણીની ચીજવસ્તુઓની મોટા પાયે ખરીદી નીકળતા એકઝીબીટર્સને સારો બિઝનેસ મળ્યો હતો. આ એક્ષ્પોમાં ભાગ લેનારા એકઝીબીટર્સને રિટેઇલમાં સારી ઓફરને કારણે ઘણો લાભ થયો હતો. કંપનીઓને ફ્રેન્ચાઇજી અને ડીલર્સ માટેની ઇન્કવાયરી પણ જનરેટ થઈ હતી. સાથે જ ડિલરોને વિવિધ કંપનીઓ તરફથી સીધી ઓફર પણ મળી હતી.
આ ઉપરાંત બેકરી પ્રોડકટ બનાવવા માટે નાનો વ્યવસાય શરૂ કરવો હોય તો એના માટે યુવા ઉદ્યોગ સાહસિકોને રૂપિયા ૩ લાખથી લઇને રૂપિયા ૧૦–૧પ લાખ સુધીના પ્રોજેકટ સંબંધિત માહિતી પ્રદર્શનમાં મળી હતી. તદુપરાંત બેકરી પ્રોડકટ બનાવવા માટે મશીનરીની માહિતી યુ–ટયુબ ઉપર સર્ચ કરતા યુવાનોને આ પ્રદર્શનમાં રૂબરૂ પ્લાન્ટ નાંખવા માટે તથા બેકરીના વિવિધ પ્રોડકટ્સ સંબંધિત માહિતી મળી હતી.
બીજીતરફ, હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પોમાં બિન નિવાસી ભારતીયો તેમજ બિન નિવાસી ગુજરાતીઓ અને શહેરીજનોએ મુલાકાત લીધી હતી. મુલાકાતીઓને એકજ છત્ર નીચે સુરતમાં ઉપલબ્ધ સારામાં સારી તબીબી સારવાર તેમજ મેડીકલ સુવિધાઓની જાણકારી મળી હતી. ચેમ્બર દ્વારા આયોજિત એકઝીબીશનોમાં પ્રથમ દિવસે ૭૬પ૦, બીજા દિવસે ૧૩ર૬પ અને ત્રીજા દિવસે ૯૧૦૮ મળી કુલ ૩૦૦ર૩ જેટલા વિઝીટર્સે મુલાકાત લીધી હતી.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login