ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મિશન 84 અંતર્ગત ફેબ્રુઆરી– 2024 દરમ્યાન પેરુ સ્થિત ભારતીય રાજદૂત શ્રી વિશ્વાસ સપકાલે સાથે ઓનલાઇન મિટીંગ યોજાઇ હતી, જેમાં શ્રી વિશ્વાસ સપકાલેએ ચેમ્બર ઓફ કોમર્સને ગુજરાતના ડેરી ઉદ્યોગના માંધાતાઓ સાથે મિટીંગ કરાવવા માટે અનુરોધ કર્યો હતો. જેને પગલે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ ઓનલાઇન મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના ડેરી ઉદ્યોગના માંધાતાઓ તેમજ ગર્વમેન્ટ ઓફિશિયલ્સને જોડવામાં આવ્યા હતા.
ઓનલાઇન મિટીંગમાં પેરુ અને બોલિવિયા દેશોના ભારતીય રાજદૂત હિઝ એકસલન્સી શ્રી વિશ્વાસ સપકાલ, પેરુમાં લીમાના સંસદ સભ્ય સુશ્રી સગરેટ બઝાનના સલાહકાર તેમજ મિનિસ્ટ્રીના ડિપ્લોમેટ્સ શ્રી કાર્લોસ વાલવેર્ડે, ડાયરેકટોરેટ જનરલ ઓફ લાઇવસ્ટોક ડેવલપમેન્ટના ડાયરેકટર જનરલ સુશ્રી બેલેન મોન્ટોયા, કો–ઓપરેશન એન્ડ ઇન્ટરનેશનલ અફેર્સના એનાલિસ્ટ શ્રી સરગિયો કેબ્રેરા, પેરુના અગ્રણી બિઝનેસમેન શ્રી માર્ગારીના રોમેરો, પેરુના કૃષિ મંત્રાલયના શ્રી માર્કો એ. એન્સીકો તથા તેમની ટીમ, ભારતના ડેરી મંત્રાલય હેઠળ આવતા નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન ડો. મીનેષ શાહ અને પાલનપુરના બનાસ ડેરીના સીઇઓ શ્રી અક્ષાંશ કોચર જોડાયા હતા.
ચેમ્બર પ્રમુખે પેરુ સ્થિત ભારતીય રાજદૂત શ્રી વિશ્વાસ સપકાલને સુરતથી વિવિધ પ્રોડકટને પેરુ ખાતે એક્ષ્પોર્ટ કરી શકાય તે માટે પેરુમાં કઇ કઇ પ્રોડકટની જરૂરિયાત છે તેની વિગતો આપવા માટે વિનંતી કરી હતી. તેમણે પેરુમાં ગર્વમેન્ટ ઓફિશિયલ્સ તેમજ ત્યાંના બિઝનેસમેનો સાથે રૂબરૂ મિટીંગ ગોઠવી શકાય તો તેના માટે પણ ભારતીય રાજદૂતને નમ્ર અનુરોધ કર્યો હતો. પેરુ સ્થિત ભારતીય રાજદૂત શ્રી વિશ્વાસ સપકાલે મિશન 84 જેવા મહત્વાકાંક્ષી પ્રોજેકટ માટે ચેમ્બર પ્રમુખને અભિનંદન આપ્યા હતા. ત્યારબાદ તેમણે ભારતથી પેરુમાં થતા ઇમ્પોર્ટ અને પેરુથી ભારતમાં થતા એક્ષ્પોર્ટ વિશે આંકડાકીય માહિતી આપી હતી.
ભારત અને પેરુ વચ્ચે 3.62 બિલિયન યુએસ ડોલરનો વેપાર
પેરુ સ્થિત ભારતીય રાજદૂત શ્રી વિશ્વાસ સપકાલે જણાવ્યું હતું કે, ભારત અને પેરુ વચ્ચે 3.62 બિલિયન યુએસ ડોલરનો વેપાર થાય છે. બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વેપારીક સંબંધો દર વર્ષે સ્થિર ગતિએ વધી રહયા છે, જેને વધારવા માટે બંને દેશો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહયો છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી બંને દેશો વચ્ચેના વેપારને બેથી ત્રણ ગણા વધારવા માટે મદદરૂપ થશે. વર્ષ 2022માં, પેરુએ ભારતમાં 2.22 બિલિયન યુએસ ડોલરના માલની નિકાસ કરી હતી. પેરુથી ભારતમાં નિકાસ કરાયેલા મુખ્ય ઉત્પાદનોમાં ગોલ્ડ અને કોપર હતા. વેપારના અંદાજ મુજબ, પેરુની ભારતમાં નિકાસ બાસ્કેટ વાર્ષિક 25.5 ટકાના દરે વધી છે, જે વર્ષ 1995માં 4.84 મિલિયન યુએસ ડોલરથી વધીને વર્ષ 2022માં 2.22 બિલિયન યુએસ ડોલર થઇ ગઇ છે. જ્યારે ભારતથી પેરુમાં મિનરલ્સ, બાસમતિ રાઇસ અને એગ્રીકલ્ચર પ્રોડકટની નિકાસ થાય છે.
તેમણે જણાવ્યું હતું કે, પેરુમાં સૌથી વધુ માંગ દુધ અને તેના સંબંધિત વિવિધ પ્રોડકટની છે. માઉન્ટેન એરિયાથી મિલ્ક આવે છે પણ તેનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, આથી પેરુ મિલ્ક પાવડર ન્યુઝીલેન્ડ, યુએસએ અને નેધરલેન્ડથી ઇમ્પોર્ટ કરે છે. તેમણે કહયું હતું કે, પેરુમાં મિલ્ક તથા તેના સંબંધિત વસ્તુઓના ઉત્પાદન માટે ભારતથી અમુલ તથા અન્ય સહકારી સંસ્થાઓના મદદથી પાયલટ પ્રોજેકટ શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે અને તેના માટે તેમણે ભારતથી નિષ્ણાંતોની ટીમને પેરુ ખાતે આમંત્રિત કરી હતી. જ્યારે પેરુથી નિષ્ણાંતોની ટીમ ભારત આવીને અભ્યાસ કરે તે માટે અનુરોધ કર્યો હતો.
પેરુ ખાતે દુધ તથા મિલ્ક પ્રોડકટના ઉત્પાદન માટે ગર્વમેન્ટ ડેરી પ્રોડકટ પ્લાન્ટ નાંખી શકાય
નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન ડો. મીનેષ શાહે જણાવ્યું હતું કે, ભારત એ આખા વિશ્વમાં સૌથી વધુ દુધ ઉત્પાદક દેશ છે અને આખા વિશ્વને દુધ આપી શકે તે દિશામાં પ્રયાસ કરી રહયો છે. ભારતમાં સ્મોલહોલ્ડર ડેરી સિસ્ટમ યુનિક10 કરોડ પરિવાર ડેરી પ્રોડકટની સાથે સંકળાયેલા છે. બનાસકાંઠામાં સ્થાનિક ખેડૂતો માટે દુધ જ તેઓની આવક માટેનું પ્રાથમિક સ્ત્રોત છે. દુધ અને ડેરી પ્રોડકટનું નેશનલ જીડીપીમાં 3 ટકા જેટલું યોગદાન છે. ભારત સરકાર દ્વારા દુધ આપતા પશુઓ માટે નેશનલ ડિસીઝ કન્ટ્રોલ પ્રોગ્રામ લોન્ચ કરાયો છે. હવે કાઉ ટુ કન્ઝયુમર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહયું છે.
તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં જે રીતે અમુલ દ્વારા પ્લાન્ટ નાંખવામાં આવ્યો હતો એવી રીતે વિદેશી કંપનીઓ પણ ભારતમાં પ્લાન્ટ નાંખવા માગે છે. દુધ તથા તેના સંબંધિત પ્રોડકટના ઉત્પાદન માટે ભારત દ્વારા શ્રીલંકા ખાતે ગર્વમેન્ટ ડેરી પ્રોડકટ પ્લાન્ટ નાંખી જોઇન્ટ વેન્ચર કંપની શરૂ કરી છે. એવી જ રીતે હવે કેન્યા ખાતે પણ દુધાળા પશુઓ માટે વેકસીન મેન્યુફેકચરીંગ અને ડેરી ઇકવીપમેન્ટના ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપવાની તૈયારી ચાલી રહી છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને અમુલની ટીમે કેન્યા ખાતે વિઝીટ પણ કરી હતી. આ દિશામાં તેમણે પેરુ ખાતે પણ દુધ તથા મિલ્ક પ્રોડકટના ઉત્પાદન માટે ગર્વમેન્ટ ડેરી પ્રોડકટ પ્લાન્ટ નાંખી જોઇન્ટ વેન્ચર કંપની શરૂ કરી શકાય છે તેમ જણાવ્યું હતું.
ભારતની મદદથી પેરુમાં મિલ્ક પ્રોડકશન કરવા પેરુ ગર્વમેન્ટના ઓફિશિયલ્સ તત્પર
પેરુમાં લીમાના સંસદ સભ્ય સુશ્રી સગરેટ બઝાનના સલાહકાર તેમજ મિનિસ્ટ્રીના ડિપ્લોમેટ્સ શ્રી કાર્લોસ વાલવેર્ડે જણાવ્યું હતું કે, ભારત પેરુ ખાતે દુધ તથા મિલ્ક પ્રોડકટના ઉત્પાદન માટે મદદ કરી શકે તેમ છે. આથી તેમણે ભારત અને પેરુ વચ્ચે કરાર કરવા માટે તૈયારી દર્શાવી હતી. જ્યારે પેરુના અગ્રણી બિઝનેસમેન શ્રી માર્ગારીના રોમેરોએ જણાવ્યું હતું કે, તેઓ ભારતની મદદથી પેરુમાં મિલ્ક પ્રોડકશન કરવા તત્પર છે. પેરુના કૃષિ મંત્રાલયના શ્રી માર્કો એ. એન્સીકોએ જણાવ્યું હતું કે, પેરુના કૃષિ મંત્રાલય અને ભારતીય દૂતાવાસની ટીમ સાથે મળીને ભારતની મદદથી પેરુમાં મિલ્ક પ્રોડકશન માટે કામ કરશે અને આ દિશામાં આગળ વધશે. પાલનપુરની બનાસ ડેરીના અક્ષાંશ કોચરે જણાવ્યું હતું કે, દુધ ઉત્પાદન માટે નાના ખેડૂતોની પ્રોડકટીવિટી વધારવી પડશે. સાથે જ દુધ આપતા પશુઓનું બ્રિડીંગ અને કેટલ ફીડ પ્લાન્ટ પણ વધારવા પડશે.
પેરુ સ્થિત ભારતીય રાજદૂતે સુરતના ઉદ્યોગકારો સાથે વન ટુ વન બિઝનેસ મીટ કરવા સુરત આવવા ચેમ્બર ઓફ કોમર્સનું આમંત્રણ સ્વીકાર્યું
ચેમ્બર ઓફ કોમર્સના મિશન 84ના કો–ઓર્ડિનેટર શ્રી સંજય પંજાબીએ પેરુ સ્થિત ભારતીય રાજદૂતને સુરતના ઉદ્યોગકારોને બિઝનેસની તકો પૂરી પાડવાના હેતુથી પેરુના ગર્વમેન્ટ ઓફિશિયલ્સ તેમજ ત્યાંના બિઝનેસમેનોના ડેલીગેશનને સુરત ખાતે ચેમ્બર ઓફ કોમર્સ તેમજ વિવિધ ઉદ્યોગ – ધંધાની મુલાકાતે તેમજ સુરતના ઉદ્યોગકારો સાથે વન ટુ વન બિઝનેસ મીટ કરવા માટે આમંત્રણ આપ્યું હતું, જેનું પેરુ સ્થિત ભારતીય રાજદૂતે સહર્ષ સ્વીકાર કર્યો હતો. મિશન 84ના સીઇઓ શ્રી પરેશ ભટ્ટે સમગ્ર મિટીંગનું સંચાલન કર્યું હતું અને અંતે સર્વેનો આભાર માની મિટીંગનું સમાપન પણ કર્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login