ગ્રામિણ ક્ષેત્રની અસંગઠીત અને ગરીબ મહિલાઓને પગભર કરવાની, મહિલા ઉત્કર્ષ અને સશક્તિકરણ માટેની એક પહેલ એટલે સખી મંડળ. આવા જ સપના સાથે સુરતના ઔધોગિક વિસ્તાર એવા હજીરા નજીકના વાંસવા ગામે હર્ષા સખી મંડળની સ્થાપના ૨૦૦૯માં થઈ હતી. આ સખી મંડળની બહેનો પૈકી કેટલીકને તો બે ટંક જમવામાં પણ તકલીફ પડતી હતી. એવી મહિલાઓને એક વર્ષ અગાઉ અદાણી હજીરા પોર્ટ ઉપર એક કેન્ટીન શરૂ કરવાની તક મળી અદાણી ફાઉન્ડેશન, હજીરાના સહયોગથી અને એમના જીવનમાં એક મોટો બદલાવ આવ્યો. એ બદલાવ એવો આવ્યો કે, ૨૦૦૯ થી ૨૦૨૩ સુધી માત્ર નાની બચત કરતું હર્ષા સખી મંડળ હવે મહિને એક લાખથી વધુનો વેપાર કરીને લખપતિ દીદી બન્યા છે.
મહિલાઓ આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બને તેવા ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકાર દ્વારા “લખપતિ દીદી યોજના” ૨૦૨૩માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ મહિલાઓને રોજગારલક્ષી તાલીમ અને સ્વરોજગાર માટે રૂા.૫ લાખ સુધીની વ્યાજમુક્ત લોન આપવામાં આવે છે.
હર્ષા સખી મંડળના પ્રમુખ નિમિષાબેન પટેલ પોતાની સંધર્ષ ગાથા વર્ણવતા કહે છે કે, મિશન મંગલમ (એન.આર.એલ.એમ.) હેઠળ ૨૦૦૯માં અમારા સખીમંડળની નોંધણી કરવામાં આવી હતી. નાની બચત સિવાય અમે કોઈ પ્રવૃત્તિ કરતા ન હતા. એક દિવસ અદાણી ફાઉન્ડેશન હજીરાની ટીમ સાથે એમની મુલાકાત થઈ. અમારી બહેનોએ કશુંક કરવું હતું જેથી એમની આવક વધે, કુટુંબને ટેકો આપી શકાય. લાંબી ચર્ચા અને વિમર્શ પછી એવા નિષ્કર્ષ પર આવ્યા કે, મને સારી રસોઈ બનાવતા આવડતી હતી. કેટલાક સરકારી કાર્યક્રમોમાં કેટરિંગનો અને ગામની શાળાની નાનકડી કેન્ટીન ચલાવવાનો અનુભવ પણ હતો. જો રસોઈ સંબંધિત જ કોઈ કામ મળે તો બહેનો ભેગા મળીને વધુ સારું કામ કરી શકવાની તત્પરતા દાખવી.
વધુમાં નિમિષાબેને કહ્યું કે, અમારા ગામમાં અદાણી ફાઉન્ડેશનની ટીમે અદાણી હજીરા પોર્ટ ઉપર આવેલી કેન્ટીન ચલાવવાનો પ્રસ્તાવ મુક્યો. અમે તે સહર્ષ સ્વીકારી લીધો. સામે કેન્ટીન ચલાવવા માટે માટે જરૂરી વાસણ, ફ્રીજ, લાઇટબીલ તેમજ ભાડા મુક્ત જગ્યા બધુ જ અદાણી હજીરા પોર્ટ દ્વારા આપવામાં આવ્યું. અમો માત્ર કરિયાણાની જ વ્યવસ્થા કરીએ છીએ. નિમિષાબેન કહે છે કે, ઓગષ્ટ-૨૦૨૩માં રૂા.૧૦ હજારના રોકાણથી શરૂ કરેલી કેન્ટીંગ આજે એક વર્ષ પુર્ણ થઈ ચુકયું છે. દર મહિને એક લાખથી વધુનો વેપાર થતો હોવાથી કેન્દ્ર સરકારે અમારા સખીમંડળને લખપતી દીદીનું બિરૂદ આપ્યું છે. અમારા સખીમંડળને રૂા.પાંચ લાખની વ્યાજ મુકત લોન સહાય પણ મળી હોવાનું તેઓ જણાવે છે. સાથે અમારા સખીમંડળને રીવોલ્વીંગ ફંડ, કેશ ક્રેડિટ લોન જેવા સરકારી લાભો પણ મળ્યા છે. હર્ષા સખી મંડળ સાથે કોળી અને હળપતિ સમુદાયની બહેનો જોડાયેલી છે. કેટલીક બહેનોની સ્થિતિ તો એવી છે કે, પતિની લાંબી બીમારી બાદ અવસાનના કારણે ઘર ચલાવવામાં અને બાળકોનું ભણતર જેવી અનેક જવાબદારી સાથે આ બહેનો સંઘર્ષ કરતી હતી.
તેઓ કહે છે કે, શરૂઆતમાં કેન્ટીન ચલાવવામાં કેટલીક મુશ્કેલી સામે આવી હતી, એક તો પોર્ટ ઉપર મહિલાઓની સંખ્યા બહુ ઓછી સાથે જ કેન્ટીનનો સમય, પોર્ટના નિયમો. આ બધામાં ઘરના સભ્યોનો વિરોધ પણ ખરો એ બધાને વળોટીને અમે બહેનોએ કેન્ટીન ચલાવી અને હવે એવી સ્થિતિએ પહોંચ્યા છીએ કે, સવાર સાંજ નો નાસ્તો, બપોરનું ભોજન બધુ જ અદાણી હજીરા પોર્ટના કર્મીઓને ખૂબ ભાવ્યું છે. સાથે જ વેફર, બિસ્કિટ અને ડેરી પ્રોડક્ટનું વેચાણ કરી કરિયાણા અને માનદ વેતન માટેના ખર્ચને આવરી લીધા પછી, સખી મંડળ દર મહિને લગભગ એક થી દોઢ લાખનો વેપાર કરે છે. હર્ષા સખીમંડળના બહેનો ખૂબ જ ખંતથી કેન્ટીન ચલાવી રહ્યા છે, આ કેન્ટીન સાથે જોડાયેલી હળપતિ સમાજની ત્રણ વિધવા બહેનો પણ છે. જ્યારથી આ કામ શરૂ કર્યું છે ત્યારથી તેમને માસિક નિશ્ચિત આવક મળે છે જેથી તે પોતાનું ગુજરાન તો સારી રીતે ચલાવે છે. સાથે બાળકોના અભ્યાસને પણ મહત્વ આપતી થઈ છે. ઘરમાં આવતી આવક તથા અદાણી ફાઉન્ડેશનના સાથ અને સહકારથી ધીરે-ધીરે તેમના કુટુંબના સભ્યોનો દ્રષ્ટિકોણ બદલાયો છે. જે પરિવારના સભ્યો વિરોધ કરતાં હતા તેજ હવે ટેકો આપે છે.
હર્ષા સખી મંડળને નાણાકીય સ્થિરતા અને વૃદ્ધિ હાંસલ કરવામાં અદાણી ફાઉન્ડેશનની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. હર્ષા સખી મંડળની આ સફળતાને ધ્યાનમાં લઈ નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશન (NRLM) દ્વારા એમની ગણના “લખપતિ દીદી”માં કરવામાં આવી છે.
અદાણી ફાઉન્ડેશનના પ્રોજેકટ ડાયરેકટર ફાલ્ગુની દેસાઈએ જણાવ્યું કે, ફાઉન્ડેશન દ્વારા હજીરા આસપાસની બહેનોને પગભર બનાવવા માટે કાર્ય કરી રહ્યું છે. છેલ્લા એક વર્ષથી હર્ષા સખીમંડળને ફાઉન્ડેશને પ્રોત્સાહન આપતા સખીમંડળની ૧૦ બહેનો આજે આત્મનિર્ભર બની છે.
અદાણી કંપનીમાં ઓપરેટર તરીકે કાર્ય કરતા કિશન રાઠોડે જણાવ્યું કે, છેલ્લા ૧૦ મહિનાથી કેન્ટીંગમાં દરરોજ જમવા માટે આવું છે. અહી જમતા મને ઘર જેવો ટેસ્ટ આવે છે. ડ્રાઇવર તરીકે કાર્ય કરતા ઉમેશ વસાવાએ કહ્યું કે, બહેનો દ્વારા સંચાલિત કેન્ટીંગ સ્વચ્છ અને સુધડ છે. જમવાનો સ્વાદ પણ ધણો સારો હોવાથી દરરોજ જમવા માટે આવતો હોવાનું તેણે જણાવ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login