સુરત એક પ્રાચીન અને ઐતિહાસિક શહેર છે, સુરતમાં મુઘલોથી લઈને અંગ્રેજોએ શાસન કર્યું છે, પરંતુ ખૂબ ઓછા લોકોને ખબર હશે કે સુરતની પોતાની એક જન્મ તારીખ છે અને પોતાની એક કુંડળી પણ છે. સુરત શહેર 1096 વર્ષ જૂનું શહેર છે.અને તેની જન્મ તારીખ 31 મી મે વર્ષ ઈ.સ. 0927 છે. આમ સુરત પોતે જ એક હેરિટેજ શહેર છે.
18મી એપ્રિલને આપણી સમગ્ર વિશ્વમાં વિશ્વ હેરીટેજ દિવસ તરીકેની ઉજવણી કરતા હોઈએ છીએ. હેરિટેજ દિવસની ઉજવણી ખાસ કરીને આપણો જે અમૂલ્ય ઐતિહાસિક વારસો છે તેને સાચવવા માટે હોય છે અને લોકો સુધી આપણા ઐતિહાસિક વારસાની માહિતી પહોંચે તે માટે અને તેની જાળવણી કરવા માટેની ઉજવણી કરવામાં આવતી હોય છે. જો કે સુરતની વાત કરવામાં આવે તો સુરત પોતે જ એક ઐતિહાસિક શહેર છે. કારણ કે સુરત જ 1096 વર્ષ જૂનું શહેર છે.અત્યાર સુધી આપણે સાંભળ્યું છે કે માણસોની કુંડળી હોય છે માણસ જ્યારે જન્મે ત્યારે તેના ગ્રહ નક્ષત્રો પ્રમાણે તેની કુંડળી બનતી હોય છે.પરંતુ કુંડળી જન્મતારીખ થી બનતી હોય છે. આ અંગે સુરતના ઇતિહાસકાર સંજયભાઈ ચોકસીએ કહ્યું કે સુરત અંગેનું સુરતની સહેલ નામનું એક પુસ્તક 1945 આસપાસ બંસીલાલ વકીલ એ લખ્યું હતી અને તેનું પ્રકાશન ગુજરાત સમાચારએ કર્યું હતું .આ પુસ્તકમાં જ સુરતની કુંડળી પણ છાપવામાં આવી હતી અને આ કુંડળીના આધારે જ સુરતના જ્યોતિષાચાર્ય સ્વ.ચંદ્રકાંતભાઈ એ સુરતની જન્મતારીખ શોધી કાઢી હતી, તે પ્રમાણે સુરતની જન્મ તારીખ 31મી મે વર્ષ 927 છે. સુરતની કુંડળી પ્રમાણે બંસીલાલભાઈ લેખકે સુરતનું વર્ણન પણ કર્યું છે. બંસીલાલ વકીલ દ્વારા લખાયેલું અને ઈ.સ. 1945 ની આસપાસ ગુજરાત સમાચાર દ્વારા પ્રકાશિત પુસ્તક ‘સુરતની સહેલ’માં લેખક ને મળેલા ‘ગજેન્દ્રસંહિતા' નામક સંસ્કૃત કાવ્યના અંશમાં સુરતની કુંડળી અને તેનું સુંદર ભવિષ્યકથન વર્ણવામાં આવ્યું છે તે પ્રમાણે મોજશોખ ને ખાણીપીણી સુરતની જન્મકુંડળીમાં જ લખાયા છે.
કુંડળી મુજબ સુરત નું વર્ણન
થોડા જ અંશ અત્રે પ્રસ્તુત છે. કુંડળી મુજબ જાતકના લગ્ન સ્થાનમાં શુક્ર બુધની સાથે રહ્યો છે એટલે જાતકનું શરીર સુંદર હોય, સ્વભાવ રસિક અને વિલાસી હોય, સાહિત્ય, સંગીત, કલા, નૃત્ય અને સંસારના વૈભવોનો શોખ હોય, કવિની કલ્પના જગાડે અને કાવ્યને પ્રેરે તેવી રમણીઓનો ત્યાં વાસ હોય. શુક્ર બુધથી ત્રિકોણમાં એટલે કે પાંચમે ગુરૂ અને નવમે ચંદ્ર એમ શુભ ગ્રહો રહ્યા છે એટલે કે ત્રિકોણયોગ પુરાણી જાહોજલાલી, આનંદીપણુ, વ્યવહારીકપણુ, જળમાર્ગે વેપાર, વાણીવિલાસ, વિનોદવૃત્તિ અને સદભાવના બતાવે છે. ત્રિકોણમાં ગુરૂ, ચંદ્ર અને કેન્દ્રમાં બુધ, શુક્ર એ ઉચ્ચ ધર્મભાવના, દેવાલયોની સ્થાપના, ધર્મસભા અને ભક્તિભાવના દર્શાવે છે. બીજા સ્થાનમાં વરૂણ રહેલો છે અને તેનો માલિક ચંદ્ર નવમાં ભાગ્યસ્થાનમાં છે તેથી શહેરની મુખ્ય પ્રવૃત્તિ વ્યાપાર હોઈ શકે, પરંતુ વરૂણ પર રાજસત્તાકારક હર્ષલ આઠમાં સ્થાનમાં રહ્યો છે અને તેની સંપુર્ણ દ્રષ્ટિ હોવાથી આ નગરી એક વખત ઉધોગનું કેન્દ્ર હોય અને સત્તાશીલ પરદેશીઓના હાથે એનો વેપાર તણાય એવું બને. હર્ષલ અને વરૂણના પ્રતિયોગના વિરોધાભાસથી વિપ્લવ, અકસ્માત, આફત અને કુદરતી પ્રકોપનો યોગ રહેલો છે. થોડે થોડે વર્ષે રેલ આવે, નૌકા ડુબે, શહેરની સમૃદ્ધિનો નાશ થાય અને શેરસટ્ટામાં ધન ખેંચાય જાય.
વિધા અને બુદ્ધિનો કારક ગુરૂ પાંચમાં સ્થાનમાં હોવાથી વિધાભ્યાસની સંસ્થા વિશાળ ક્ષેત્ર ઉત્પન્ન કરે. સાતમા સ્થાનનો માલિક ગુરૂ છે અને તે પાંચમાં સ્થાનમાં પડ્યો છે એટલે શહેરની સ્ત્રીઓ સદ્દગુણી અને સારા સ્વભાવવાળી હોય. સાતમાં સ્થાન પર બુધ અને શુક્રની સંપુર્ણ દ્રષ્ટિ છે, એટલે કે શહેરમાં રમણીઓ સુંદર, ચપળ, રસિક અને સુકોમળ હોય, સંગીત, વાઘ, ગરબા, નૃત્ય, વિગેરેમાં પ્રવિણ હોય. નવમું સ્થાન ભાગ્યધર્મનું છે. તેનો સ્વામિ શનિ જો કે છઠ્ઠ રહેલો છે છતાં તે સ્થાનમાં ચંદ્ર રહેલો છે, તે ચંદ્રથી ત્રિકોણમાં ગુરૂ અને શુક્ર આવેલા છે એટલે આ શહેરમાં જુદા જુદા ધર્મ, પંથના જુદા જુદા દેવદેવીઓના મંદિરો સંખ્યાબંધ હોય, લોકો ધર્મના વ્રતો અને ઉપવાસ કરે, જાતજાતના સ્વાદિષ્ટ ફરાળ અને ફળાહાર કરે. મંદિરોમાં અન્નકુટ, ઓચ્છવ અને કથાવાંચન થાય, શોભાયાત્રા નીકળે અને ભજનસંધ્યા પણ થાય. અગિયારમું સ્થાન લાભનું છે અને તેનો માલિક મંગળ ચોથા સ્થાનમાં રહેલો હોવાથી લાભ સારો રહેશે. આ જાતકે પોતાના પૈસા સ્થાવર મિલ્કતમાં રોકવા જેથી સારો લાભ થાય. બારમાં સ્થાનનો માલિક શુક્ર લગ્ન રહેલો હોવાથી મોજશોખ, ખાણીપીણી, પહેરવા ઓઢવા અને વાહન- મોટરગાડી પાછળ પુષ્કળ ખર્ચ થાય. આમ એકંદરે જાતકનું જીવન સુંદર, રસિક, કલામય, આનંદી, મોજશોખ અને સુખસાધનોથી ભરેલું તેમજ ધર્મનિષ્ઠ તથા ભક્તિભાવવાળું હોય છે.
વર્ષ 1945 માં એટલે કે 78 વર્ષ પહેલા "સુરતની સહેલ "કરીને પુસ્તક પ્રકાશિત કરવામા આવ્યું હતું.અને તેમાં જ પ્રથમવાર સુરત શહેર ની કુંડલી પ્રકાશિત થઈ હતી.જે તે સમયે સુરત વિશે આ પુસ્તક માં કુંડળી પ્રમાણે સુરત નું વર્ણન પણ કરવામાં આવ્યું હતું.આ પુસ્તક માં ગજેન્દ્રસંહિતા નામનું સંસ્કૃત કાવ્ય પણ છે જેમાં સુરતની કુંડળી અનુસાર સુરત નાં સ્વભાવ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login