કેનેડા અને ઓસ્ટ્રેલિયા બાદ હવે અમેરિકામાં પણ ખાલિસ્તાનીઓએ ફરી એકવાર હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું છે. કેલિફોર્નિયાના નેવાર્કમાં ખાલિસ્તાનીઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે. હિન્દુ-અમેરિકન ફાઉન્ડેશને સોશિયલ મીડિયા પર ઘટનાની તસવીરો શેર કરતા લખ્યું છે કે ખાલિસ્તાનીઓએ કેલિફોર્નિયાના નેવાર્કમાં સ્વામિનારાયણ મંદિર વાસણ સંસ્થાનને નિશાન બનાવ્યું છે. સ્વામિનારાયણ મંદિરની બહારની દિવાલો પર ભારત વિરોધી અને ખાલિસ્તાન તરફી સૂત્રો લખ્યા છે અને તેમને નુકસાન પણ પહોંચાડ્યું છે. દિવાલો પર કાળા રંગથી વાંધાજનક વસ્તુઓ લખવામાં આવી છે. હિંદુ-અમેરિકન ફાઉન્ડેશનની માહિતી અનુસાર, ખાલિસ્તાનીઓએ મંદિરની દિવાલો પર ખાલિસ્તાની સ્લોગન લખ્યા છે. ઘટના અંગેની માહિતી નેવાર્ક પોલીસ અને નાગરિક અધિકાર અધિકારીઓને આપવામાં આવી છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ નેવાર્ક પોલીસે મામલાની તપાસ શરૂ કરી હતી.
હિંદુ મંદિરોની બહાર લખાયેલા આ લખાણોમાં ખાલિસ્તાની આતંકવાદી ભિંદરાનવાલેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેણે હિંદુઓને હત્યા માટે નિશાન બનાવ્યા છે, હવે મંદિરને નિશાન બનાવવામાં આવી રહ્યું છે જેથી લોકો ડરી શકે. ફાઉન્ડેશનનું કહેવું છે કે આ વાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે કે પોલીસ તેને હેટ ક્રાઈમ ગણીને તપાસ કરે.
સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે આ મામલે સખત વાંધો વ્યક્ત કર્યો છે. દૂતાવાસે સ્વામિનારાયણ મંદિર પર ભારત વિરોધી સૂત્રો લખવાની સખત નિંદા કરી છે અને કહ્યું છે કે આ ઘટનાથી ભારતીય સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી છે.
ઘટના બની એ જ દિવસે ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર ગુજરાતની મુલાકાતે હતા. અહીં એક કાર્યક્રમ દરમ્યાન પત્રકારોની સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે આ ઘટના ખૂબ જ ખેદજનક છે. અમેરિકાના ભારતીય દુતાવાસે પણ તેની નિંદા કરી છે. અને ભારત આ મુદ્દે યોગ્ય તપાસની અને આવા અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવાની માગ કરે છે.
‘નફરત મીટાઓ અભિયાન’
ભારતીય મૂળના અમેરિકન સાંસદ થાનેદાર સહિત અનેક સંગઠનોએ આ ઘટનાની નિદા કરી છે અને નફરત મીટાઓ અભિયાન શરૂ કર્યું છે. કોંગ્રેસ સદસ્ય થાનેદારે સોશ્યલ મીડિયા પરની એક પોસ્ટમાં લખ્યું કે, હિંદુ, બૌદ્ધ, શીખ અને જૈનના સંસદીય કોકસના સંસ્થાપક હોવાની રુહે હું નેવાર્કમાં સ્વામીનારાયણ મંદિરને નિશાનો બનાવવાની શરમજનક ઘટનાની આકરી ટિકા કરું છું. મંદિર પર લખેલા ભારત વિરોધી લખાણો આપણા વૈવિધ્યપૂર્ણ અને એકતા દર્શાવતા સમાજ પર પ્રહાર છે.
કોઅલિશન ઓફ હિંદુઝ ઓફ નોર્થ અમેરિકા (CoHNA)ના સભ્યોએ મંદિર પર લખેલા લખાણો દૂર કરવાના અભિયાનમાં ભાગ લાધો. સંગઠને સોશ્યલ મીડિયા પર જણાવ્યું કે નફરતની આ ઘટનાના વિરોધમાં સમાજનાં વિવિધ વર્ગના લોકો એકજૂથ થઇને આગળ આવે અને મંદિર પર હુમલો કરવાના આ ધર્માંધ કૃત્યને અંજામ આપનારાઓ સામે એક મજબૂત સંદેશ આપે.
અમેરિકાની બહાર પણ ઘટનાની નિંદા
અમેરિકા જ નહીં, બ્રિટનમાં પણ આ હુમલા સામે વિરોધ થયો. ભારતીય મૂળના બ્રિટિશ નાગરિકોએ અને સંગઠન ઇનસાઇટ યુકેએ પણ આ કાયરતાપૂર્ણ ઘટનાની નિંદા કરી અને ભારત વિરોધી તથા હિંદુ વિરોધી ઘટનાઓની સખત શબ્દોમાં ટિકા કરી.
આવી ઘટના અમેરિકાની સાથે સાથે કેનેડામાં પણ ઘણી વખત બની છે. હાલમાં જ કેનેડામાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ મધરાતે સરે શહેરમાં સ્થિત એક મંદિરમાં તોડફોડ કરી હતી અને મંદિરના મુખ્ય દરવાજા પર ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરના મોતના જનમતના પોસ્ટરો ચોંટાડ્યા હતા. ઓગસ્ટમાં ખાલિસ્તાની સમર્થકોએ કેનેડાના બ્રિટિશ કોલંબિયા શહેરમાં એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરી હતી. તેમજ મંદિરના દરવાજા પર ખાલિસ્તાની પોસ્ટર ચોંટાડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના પરિસરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં પણ ૧૨ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ ખાલિસ્તાનીઓએ સ્વામિનારાયણ મંદિર પર હુમલો કરી સ્લોગન્સ લખ્યા હતા. ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં જ્યાં હિંદુઓ લઘુમતિમાં છે ત્યાં પણ કરાચીમાં ૯ જૂન ૨૦૨૨ના રોજ હિંદુ મંદિર એવા શ્રી મારી માતા મંદિર પર હુમલો થયો હતો. મૂર્તિઓ ખંડિત કરાઇ હતી અને પુજારી પર પણ હુમલો થયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login