લોકસભા 2024 ની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તમામ પાર્ટીઓ પોતાના ઉમેદવારોને જીતાડવા માટે જોર લગાવી રહ્યા છે. ગુજરાત ભાજપની જ વાત કરીએ તો છેલ્લી બે ટર્મની જેમ આ ટર્મમાં પણ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા ગુજરાતની 26 એ 26 સીટ જીતીને નરેન્દ્ર મોદીને અર્પણ કરવાનો લક્ષ્યાંક ગુજરાત ભાજપના નેતાઓથી લઈને કાર્યકર્તાઓને આપવામાં આવ્યો છે. જેમાં એક અપવાદની વાત કરીએ તો શરૂઆત થઈ ચૂકી છે. તે રીતે ગુજરાતની સુરત બેઠક પરથી ભાજપના મુકેશ દલાલ બિનહરીફ રીતે ચૂંટાય આવ્યા છે અને તેમને વિજેતા પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. એટલે કહી શકાય કે, હવે ગુજરાત ભાજપે 25 સીટ જીતવાની બાકી છે. આ સુરત બેઠક પર બે દિવસ હાઇવ વોલ્ટેજ પોલિટિકલ ડ્રામા ચાલ્યો હતો અને અંતે ભાજપની જીત નક્કી થઈ હતી.
જોકે આ બાબતને સાઈડમાં રાખીને ગુજરાતની અન્ય સીટ પર નજર કરીએ તો લગભગ એક મહિનાથી રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા એ કરેલી ટિપ્પણીને કારણે ક્ષત્રિય સમાજ નારાજ થયો હતો અને તે નારાજગી ખાળવામાં એક મહિનો વીતી જવા છતાં ગુજરાત ભાજપ નિષ્ફળ રહ્યું છે. ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ને હટાવવાની માંગ કરી હતી. તેમનો પહેલાથી જ મુદ્દો નક્કી છે કે તેઓ ભાજપની વિરુદ્ધ નથી. પરંતુ માત્ર પુરુષોત્તમ રૂપાલા ને રાજકોટ બેઠકથી હટાવી લેવામાં આવે. પરંતુ ભાજપનું મોવડી મંડળ પણ રાજકોટ થી રૂપાલા ને ચૂંટણી લડાવવા માટે મન મક્કમ કરીને જ બેઠું છે અને જેને કારણે આ વિવાદનો અંત ન આવતા એક મહિનાથી આ વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે. પુરુષોત્તમ રૂપાલા એ ઉમેદવારી પત્ર ભરી દીધા બાદ પણ ક્ષત્રિય સમાજ દ્વારા ફોર્મ પાછું ખેંચી લેવા સુધીની મુદત આપવામાં આવી હતી. પરંતુ તે પણ ન થતા હવે ક્ષત્રિયોએ માત્ર રૂપાલા જ નહીં બોયકોટ ભાજપનું અભિયાન શરૂ કર્યું છે.
રૂપાલા વિરુદ્ધ ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલનને પગલે શરૂઆતમાં એવું હતું કે, કદાચ આ આંદોલન શમી જશે. પરંતુ પુરુષોત્તમ રૂપાલા દ્વારા વારંવાર માફી માંગવા છતાં પણ ક્ષત્રિયો ટસ ના મસ થયા નથી. ગાંધીનગર લોકસભા બેઠકથી ઉમેદવારી પત્રક ભરવા આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ આ બાબતે કહ્યું હતું કે, રૂપાલાજી માફી માંગી ચૂક્યા છે. ક્ષત્રિય માફ કરી દેવા જોઈએ પરંતુ ક્ષત્રિયો નો વિરોધ વધુ ને વધુ મજબૂત થઈ રહ્યો છે. એટલે હવે આ આંદોલનને ખાળવા માટે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર મેદાનમાં ઊતર્યા હોય તેવું લાગી રહ્યું છે.
છેલ્લા ત્રણ દિવસથી હર્ષ સંઘવી અને રત્નાકર એક બાદ એક ત્રણ લોકસભા સીટ પર ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી ચૂક્યા છે. 21 એપ્રિલના રોજ રાજકોટ ખાતે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કર્યા બાદ 22 એપ્રિલે તેઓ ભાવનગર અને જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા. આમ ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ ધરાવતી ધરાવતા વિસ્તારોની મુલાકાત લઈને હર્ષ સંઘવીએ ડેમેજ કંટ્રોલ કરવા માટે ઓપરેશન શરૂ કર્યું હોય તેવું સૂત્રો જણાવી રહ્યા છે.
સૂત્રોનું માનીએ તો રાજકોટ ખાતે થયેલી બેઠકમાં હર્ષ સંઘવી અને રત્નાકરે ક્ષત્રિય નેતાઓ જેઓ ભાજપમાં છે તેમને સમાજથી અળગા રહેવાને બદલે સમાજની વચ્ચે જવા માટે સૂચના આપી છે. તેમણે વધુમાં આગેવાનોને કહ્યું હતું કે, પુરુષોત્તમ રૂપાલા ના નિવેદન બાદ તેમણે ત્રણ વખત સમાજની માફી માંગી છે તો હવે ક્ષત્રિય સમાજને તમારે કોઈ પણ કાળે મનાવવો પડશે. તેમને ભાજપ સાથે ફરી જોડવાના પ્રયાસ કરવા જોઈએ. કારણ કે ક્ષત્રિય સમાજ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો છે.
રાજકોટ અને જામનગરમાં ક્ષત્રિયો સાથે બેઠક કર્યા બાદ હર્ષ સંઘવી અને મહામંત્રી રત્નાકર ભાવનગર પહોંચ્યા હતા. જ્યાં સંગઠનો ના હોદ્દેદારો સાથે તેમણે બેઠકજી હતી. જે બેઠક સતત બે કલાક સુધી ચાલી હતી. આ બેઠક બાદ હર્ષ સંઘવી અચાનક સુરેન્દ્રનગરની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યાં પણ ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો સાથે ખાસ બેઠક યોજવી હતી. આ બેઠકમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, આઈ કે જાડેજા સહિત ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બંધ બારણે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને રત્નાકર / X @sanghaviharshઅહીં બેઠક પત્યા બાદ હર્ષ સંઘવી અને રત્નાકર ભુજ ઉપડ્યા હતા. જ્યાં સેવન સ્કાય હોટલમાં કચ્છના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી હતી. જેમાં ક્ષત્રિય સમાજે શરૂ કરેલા બોય કોટ ભાજપ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
છેલ્લા એક મહિનાથી ચાલી રહેલ રૂપાલા વર્સીસ ક્ષત્રિયમાં હવે ભાજપની સામે ક્ષત્રિય આંદોલન શરૂ થઈ ગયું છે. જોકે છેલ્લા એક મહિનાથી કોઈકને કોઈક રીતે આ આંદોલનને ઠારવાના કે દબાવી દેવાના પ્રયાસો ભાજપ દ્વારા માફી માંગીને કે સમજાવટ કરીને કરવામાં આવ્યા છે. પરંતુ તેમાં નિષ્ફળતા જ મળી છે. હવે જ્યારે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જાતે આ આંદોલનને ઠારવા માટેનું ઓપરેશન શરૂ કર્યું છે. ત્યારે હવે આગામી દિવસોમાં એ જોવાનું રહેશે કે યુવા અને સ્માર્ટ ગણાતા હર્ષ સંઘવી શું ક્ષત્રિય આંદોલનને ખાળી શકશે, ક્ષત્રિયોને માનવી શકશે કે પછી ભાજપને તેનું પરિણામ લોકસભા ચૂંટણીમાં જોવા મળશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login