ADVERTISEMENTs

108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓની પ્રમાણિકતા.

નિયૉલ લોકેશનના કર્મચારીઓએ આઉટર રિંગરોડ પર અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત બાઈકસવારના રૂ.૧.૧૦ લાખની રોકડ, બે મોબાઈલ પરિવારજનોને સોંપી પ્રમાણિકતા અને માણસાઈનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

દર્દીના નાણા સહિતની કિંમતી ચીજવસ્તુઓ પરત સોંપાઈ / માહિતી વિભાગ, ગુજરાત

આકસ્મિક દુર્ઘટના, અકસ્માતોમાં દર્દીઓ, ઈજાગ્રસ્ત લોકોની દિવસરાત નિઃસ્વાર્થભાવે આરોગ્ય સેવા કરતા સુરત ૧૦૮ ઈમરજન્સી સેવાના કર્મચારીઓએ પ્રમાણિકતાની મિસાલ કાયમ કરી છે. EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ ૧૦૮- નિયૉલ લોકેશનના કર્મચારીઓએ આઉટર રિંગરોડ પર અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત બાઈકસવારના રૂ.૧.૧૦ લાખની રોકડ, બે મોબાઈલ પરિવારજનોને સોંપી પ્રમાણિકતા અને માણસાઈનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 

વાત એમ છે કે, ગત તા.૩૧મીએ રાત્રે ૮.૧૦ વાગ્યે ૧૦૮ ઈમરજન્સી સેવા નિયોલ લોકેશનને એક્સિડન્ટનો કોલ મળતા ૧૦૮ એમ્બ્યુલન્સ ૮.૧૪ વાગ્યે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, જ્યાં ૧૦૮ કર્મીઓને જણાયું કે, આઉટર રિંગરોડની નજીક એન્થમ સર્કલ ઉપર એક ટુ-વ્હીલર બાઈક લપસી ગયું હતું, અને ૩૮ વર્ષીય બાઈકચાલક લલિતભાઈ દોંગાને માથાના ભાગે તેમ જ બંને હાથે પગે ઇજા પહોંચી હતી. 

૧૦૮ કર્મીઓએ ઈજાગ્રસ્તને ૧૦૮ વાનમાં તાત્કાલિક નજીકની ડાયમંડ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. ગંભીર ઈજાગ્રસ્ત લલિતભાઈની પાસે રૂ.૧.૧૦ લાખની રોકડ, બે મોબાઈલ ફોન, બાઇકની ચાવી અને એક બેગ હતી. જે તમામ સુરક્ષિત રાખીને હોસ્પિટલ પહોંચેલા દર્દીના પરિવારજનોને ૧૦૮ના ઇએમટી વિપુલભાઈ જાની તેમજ પાઈલટ અનિલભાઈ બામણીયાએ તેમને સુપરત કર્યા હતા. આમ, ઈજાગ્રસ્તનો જીવ બચાવવા સાથે દર્દીના નાણા સહિતની કિંમતી ચીજવસ્તુઓ પરત સોંપીને માનવતા અને પ્રમાણિકતાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.

હાલમાં જ ૧૦૮ ઈમરજન્સી સેવાએ ગુજરાતમાં સફળતાપૂર્વક ૧૭ વર્ષ પૂર્ણ કર્યા છે, આ સમયગાળામાં અનેક લોકોના જીવ બચાવ્યા છે, સાથે ઘણા રોડ અકસ્માતમાં દર્દીને ઇમરજન્સી સારવાર આપી જીવ બચાવવાની સાથે સાથે તેમની કિંમતી જણસો સલામત રીતે પરત આપી સેવા સાથે પ્રમાણિકતાના દર્શન કરાવ્યા છે. જેનું જીવંત ઉદાહરણ સુરત ૧૦૮ આરોગ્ય કર્મચારીઓએ આપ્યું છે એમ ૧૦૮ ઈમરજન્સી સેવાના ટેરેટરી ઇન્ચાર્જ રોશન દેસાઈ તેમજ સુરત અને તાપી જિલ્લાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરે જણાવ્યું હતું. 

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related