500 વર્ષની પ્રતિક્ષાનો બસ ટૂંક જ સમયમાં અંત આવવાનો છે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની રહ્યું છે અને બસ 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે ત્યારે આ સમારોહમાં ગુજરાતમાંથી 370 જેટલા લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યા છે.
આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીના ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવા જઈ રહ્યો છે. ત્યારે માત્ર અયોધ્યા જ નહીં પરંતુ દેશભરમાં તેની ધામધૂમપૂર્વક ઉજવણી થવાની છે. આ ઐતિહાસિક ઘટનાનાને લઈને ગુજરાતમાં અમદાવાદમાં પણ તૈયારીઓ ચાલી રહી છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રિત મહેમાનોને આમંત્રણ પત્રિકા આપવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ગુજરાતમાંથી 370 જેટલા લોકોને રામ મંદિર માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં 270 જેટલા સાધુ-સંતો છે, 100 ઉદ્યોગપતિ અને અલગ-અલગ સમાજ અથવા તો જે તે ક્ષેત્રના શ્રેષ્ઠીઓનો સમાવેશ થાય છે.
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મંદિર ટ્રસ્ટને એક યાદી મોકલવામાં આવી હતી, જેના આધારે આમંત્રણ પત્રિકાઓ પરિષદને સોંપવામાં આવી હતી, અને તેના વિતરણની કામગીરી પૂર્ણ કરાઈ છે. 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં આમંત્રિત મહેમાનો સિવાય અન્ય કોઈને ન આવવા માટે પણ આગ્રહ કરવામાં આવ્યો છે. તેવામાં યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આમંત્રિત મહેમાનોને પત્રિકા પર ખાસ કૉડ આપવામાં આવ્યા છે, જેના આધારે અયોધ્યામાં તેઓ પ્રવેશ મેળવી શકશે. જે આમંત્રિત મહેમાનો પોતાના વાહન લઈને જવાના હશે તેમને પાર્કિંગ માટેનો પાસ પણ ઇસ્યૂ કરવામાં આવ્યો છે. એરપોર્ટ પર અને રેલવે સ્ટેશન પર આમંત્રિતોને આવકારવા માટે ખાસ ટીમ તૈનાત રહેશે. ગુજરાતના સાધુ-સંતો અને શ્રેષ્ઠીઓની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગુજરાતમાંથી 30 જેટલા સ્વયંસેવકોની ટીમ પણ અયોધ્યામાં કાર્યરત રહેવાની છે.
સુરક્ષાના કારણે માત્ર નિમંત્રણ સાથે આપવામાં આવેલા વિશિષ્ટ નંબર કોડ ધરાવતા લોકોને જ સમારોહમાં પ્રવેશની પરવાનગી આપવામાં આવશે. આમંત્રિત અતિથિઓએ પોતાના આધારકાર્ડ દ્વારા વેરિફિકેશન કરાવવું પડશે અને આ પછી જ પ્રવેશ મળશે. નિમંત્રણમાં બે કાર્ડ અને એક પુસ્તિકા છે. આ પૈકી એક કાર્ડ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે અને એક કાર્ડ બીજા દિવસે ભગવાન રામના દર્શન કરવા માટે છે. નિમંત્રણમાં એવા લોકો માટે કાર પાસ પણ છે જેઓ પોતાના વાહનથી અયોધ્યા જઇ રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login