નિયમિત યોગના કારણે ૭૪ વર્ષની ઉંમરે પણ તંદુરસ્ત છુંઃ યોગપ્રેમી હસુમતી ઉનાલિયા
સમગ્ર દેશ સાથે બારડોલીમાં પણ આંતરરાષ્ટ્રીય યોગદિનના કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાના યોગદિન કાર્યક્રમમાં યોગપ્રેમી દંપતિ ૭૪ વર્ષિય હસુમતી ઉનાલિયા અને ૭૭ વર્ષિય પ્રહલાદભાઈ ઉનાલિયાએ અનેરી ઉર્જા યોગાભ્યાસ કર્યો હતો. તેઓ પોતાની તંદુરસ્તીનો શ્રેય યોગને આપે છે.
મૂળ અમદાવાદ જિલ્લાના માંડલ ગામનાં વતની અને વર્ષ ૧૯૭૭થી બારડોલીના મિલન પાર્કમાં રહેતા વામદૂત સ્કૂલના નિવૃત્ત પ્રિન્સિપાલ પ્રહલાદભાઈ અને તેમના ધર્મપત્ની હસુમતી ઉનાલિયાએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા ૧૨ વર્ષથી નિયમિત યોગ, પ્રાણાયામ અને કસરત કરીએ છીએ. દરરોજ સવારે ૬ થી ૭ વાગ્યા સુધી એક કલાક પોતાના માટે આપીએ છીએ એટલે જ આ જૈફ ઉંમરે નિરોગી છીએ. આજે ૭૪ વર્ષની ઉંમરે પણ શરીરમાં પ્રસન્નતા અને તંદરુસ્તી અનુભવીએ છીએ. છેલ્લા ૧૨ વર્ષથી એક રૂપિયાની પણ દવા નથી લીધી. જેના મૂળમાં યોગ છે.
કોરોનામાં પણ કોઈ તકલીફ નથી પડી. યોગના કારણે સમગ્ર દિવસ શક્તિથી ભરપુર રહીએ છીએ. આ ઉંમરે અનેક લોકો આજે કેન્સર, બ્લડ પ્રેસર, ડાયાબિટીસ જેવી બીમારીથી પીડાઈ રહ્યા છે, ત્યારે તેઓને નિયમિત યોગ કરવાની સલાહ તેમણે આપી હતી. આ ઉપરાંત નશાકારક ટેવોથી દૂર રહીને નિયમિત યોગ કરી સ્વસ્થ અને ચુસ્ત દુરસ્ત રહેવાનો આ દંપતિએ અનુરોધ કર્યો હતો.
યોગ થકી પીઠ અને ખભાની ઇજાઓમાં રાહત મેળવી:- હર્ષભાઈ મારૂ
શહેરના ચોક બજાર ખાતે આયોજીત યોગદિન કાર્યક્રમની ઉજવણીમાં સહભાગી બનેલા સુરત રાંદેરના તાડવાડી વિસ્તારમાં રહેતા ૩૫ વર્ષના યોગપ્રેમી હર્ષભાઈ મારુ તંદુરસ્ત રહેવા પાછળનો શ્રેય નિયમિત યોગને આપે છે. તેઓ છેલ્લા ચાર વર્ષથી નિયમિત યોગ કરે છે. ૧૮ વર્ષની ઉંમરથી વેટ લિફ્ટિંગ કરતા હતા, વેટ લિફ્ટિંગમાં ઇન્ટર કોલેજમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો, ૨૦૧૦માં સ્ટેટ લેવલે પ્રથમ આવ્યા હતા, ૨૦૧૧/૧૨માં બીજો ક્રમ મેળવ્યો હતો.
વધુમાં તેઓ જણાવે છે, ૧૬ વર્ષના વેટ લિફ્ટિંગમાં તેમણે ઘણી બધી ઇન્જરીઓ થઈ હતી. જેમાં કમર, ઘૂટણ અને સોલ્ડરમાં ઘણી ઈજાઓ થઈ હતી. ૨૦૨૦થી યોગની શરૂઆત કરી હતી. યોગ ટીચરનો કોર્ષ પણ તેમણે કર્યો હતો. છેલ્લા ચાર વર્ષથી નિયમિત યોગ કરવાના કારણે તેમણે થયેલ ઇન્જરીઓ સારી થઈ ગઈ છે.
યોગપ્રેમી હર્ષભાઈએ સૌ કોઈને યોગ કરવાનો અનુરોધ કરતા કહ્યું કે, દરરોજ ૧૦,૧૫ મિનિટથી શરૂઆત કરવી જોઈએ ત્યાર બાદ અનુકૂળતાએ સમય વધારતા રહેવું. દિવસ દરમિયાનના કામકાજમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે શરીર અને મનની શાંતિ માટે ખૂબ ફાયદા કારક છે એમ તેમણે ઉમેર્યું હતું.
વધતી ઉંમરે હેલ્ધી અને એક્ટિવ રહેવા યોગને રોજિંદા જીવનનો ભાગ બનાવવો આવશ્યક: યોગસાધક હિનાબેન પટેલ
યોગસાધક હિનાબેન પટેલ / માહિતી વિભાગ, ગુજરાત.છેલ્લા ઘણાં વર્ષોથી યોગ સાથે જોડાયેલા અને નિયમિત રીતે ગ્રૂપમાં યોગાભ્યાસ કરતાં સુરતના હિનાબેન પટેલ પોતાની તંદુરસ્તીનું રહસ્ય યોગને આપે છે. યોગને કારણે શરીરમાં ફ્લેક્સિબિલિટી વધવાની સાથે એનર્જી પણ વધે છે એમ જણાવતા હિનાબેન બદલાતી જીવનશૈલી સાથે શારીરિક સ્વસ્થતાનો તાલમેલ સાધવાનો શ્રેય નિયમિત યોગને આપે છે.
હિનાબેન જણાવે છે કે, અમે વર્ષોથી સાથે ગ્રૂપમાં યોગ કરી છીએ જેથી નિયમિત યોગ કરવાનો કંટાળો નથી આવતો. તેમજ જ્યારે પણ નવા આસનો કરવા હોય ત્યારે જરૂરી પ્રોત્સાહન મળી રહે છે. તેઓ કહે છે કે, વધતી ઉંમરે શારીરિક રીતે સ્વસ્થ અને એક્ટિવ રહેવા ‘માટે રોજિંદા જીવનમાં યોગને સ્થાન આપવું જરૂરી છે. સાથે જ તેમણે દરેકને ‘EVERYDAY IS YOGDAY’નાં સૂત્ર સાથે રોજ યોગાભ્યાસ દ્વારા સ્વસ્થ અને નિરોગી રહેવાનું આહ્વાન કર્યું હતું.
યોગ એ શરીર, મન અને આત્માની સંવાદિતા સાધનારી સાધના છે. એ જીવનને પરમ ઉન્નતિના માર્ગે વાળતી સોગાદ છે: યોગસાધક ડો.અમૃતા રજવાડી
યોગસાધક ડો.અમૃતા રજવાડી / માહિતી વિભાગ, ગુજરાત.૨૧ જૂન- વિશ્વ યોગ દિવસે જિલ્લા કક્ષાના બારડોલી સ્વરાજ આશ્રમના મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં બારડોલી અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર- બારડોલીના મેડિકલ ઓફિસર ડો.અમૃતા રજવાડી સાથે તબીબી સ્ટાફગણે ભાગ લીધો હતો.
મેડિકલ ઓફિસર ડો.અમૃતા રજવાડીએ જણાવ્યું હતું કે, બારડોલી અર્બન હેલ્થ સેન્ટર ખાતે ૪૦ થી વધુ સ્ટાફગણ દર મંગળવારે અને શુક્રવારે યોગ કરીએ છીએ. યંગસ્ટર્સ સાથે બારડોલીના નગરજનો પણ અમારી સાથે જોડાય છે. નિયમિત યોગ કરવાથી માનસિક અને સારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે એ અમે જાતે અનુભવ્યું છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, યોગ એ શરીર, મન અને આત્માની સંવાદિતા સાધનારી સાધના છે. યોગ જીવનને પરમ ઉન્નતિના માર્ગે વાળતી સોગાદ છે. નિયમિત યોગથી સ્વસ્થ રહેતા ડો.અમૃતાબેને વધુમાં જણાવ્યુ હતું કે, યોગસાધના માટે ઉંમરની કોઈ બાઉન્ડ્રી નથી. મનની શાંતિ માટે પણ યોગ અતિ આવશ્યક છે. યોગ એ મન અને શરીરની એકતા, વિચાર, ક્રિયા અને સંયમની પરિપૂર્ણતાનુ સિંચન કરે છે.
પ્રાણાયમના ફાયદાઓ વિષે વાત કરતા કહ્યું કે, અનુલોમ વિલોમ અને ભસ્ત્રીકા પ્રાણાયામ કરવાથી એકાગ્રતા વધે છે, તેમજ મગજ શાંત રહે છે. જીમમાં શારીરિક કરસત કરીએ છીએ, તેનાથી આપણું બોડી સ્ટ્રક્ચર મેઈન્ટેઈન રહે છે, જ્યારે યોગ કરવાથી પ્રાણાયામની ક્રિયાથી માનસિક સ્વાસ્થ્ય સારૂ રહે છે અને સ્ફૂર્તિનો સંચાર થાય છે.
શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું સંતુલન જાળવવા યોગની ભૂમિકા મહત્વની: યોગસાધક હની પ્રજાપતિ
યોગસાધક હની પ્રજાપતિ / માહિતી વિભાગ, ગુજરાત.સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય હની પ્રજાપતિ છેલ્લા ૫ વર્ષથી સ્વિમિંગ કરે છે. જેમાં તેઓ ખેલ મહાકુંભ, શી સ્વિમિંગ(નેશનલ), એજ ગ્રુપ, ખેલો ઈન્ડિયા વુમન સિરીઝ(નેશનલ), એકવેટિક એસોસિયેશન સહિતની અનેક સ્પર્ધાઓમાં ભાગ લઈ વિવિધ મેડલ્સ જીતી ચૂક્યા છે.
રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ સ્વિમિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા માટે હની ખાન-પાનની સાથે વ્યાયામ પણ નિયમિત કરે છે. જે અંગે તેઓ જણાવે છે કે, હું છેલ્લા ૩-૪ વર્ષોથી યોગ સાથે સંકળાયેલી છું. અને મારી ફિટનેસ મેન્ટેઈન રાખવા નિયમિત રીતે યોગના વિવિધ આસનો કરું છું. સ્પોર્ટસ સાથે સંકળાયેલા હોવાને કારણે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું સંતુલન જાળવવા યોગની ભૂમિકા મહત્વની છે. વધુમાં હની દરેક યુવાઓને આજના તણાવમુક્ત અને ફાસ્ટફૂડના જમાનામાં ફરજિયાત યોગ કરવા પ્રોત્સાહન આપે છે. જેથી એકંદરે આખો સમાજ તંદુરસ્ત અને નીરોગી થઈ શકે.
દરરોજ સવારે એક કલાક યોગ કરવાથી શરીરમાં તાજગી અનુભવાય છે: યોગપ્રેમી દિનેશભાઈ ભાવસાર
યોગપ્રેમી દિનેશભાઈ ભાવસાર / માહિતી વિભાગ, ગુજરાત.આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે યોગસાધનામાં સહભાગી બનતા ૬૬ વર્ષીય દિનેશભાઈ ભાવસારે જણાવ્યું કે, મારી સાથે બારડોલીના સિનિયર સિટીઝન ગ્રુપમાં ૫૦થી ૬૦ વડીલો દરરોજ યોગાભ્યાસ કરે છે. હાલ પરિવાર સાથે નિવૃત્ત જીવન જીવી રહ્યા છું. ઉંમર સાથે વધુ વજન પણ દરરોજ ચિંતાનું કારણ બની રહેતું હતું. છેલ્લા ૮ વર્ષથી યોગ કરુ છુ. પરિણામે વજન પણ ખાસ્સું ઘટ્યું છે અને શારીરિક અને માનસિક તંદુરસ્તીનો આનંદ માણી રહ્યો છું. જ્યારથી યોગ કરવાનું શરૂ કર્યું છે ત્યારથી સમગ્ર દિવસ દરમિયાન મન પ્રફુલ્લિત રહે છે. દરરોજ સવારે એક કલાક યોગ કરીને આત્મા સાથેના મિલનની અનુભૂતિ કરી રહ્યો છું. બની શકે એટલા કામો જાતે કરવાનો આગ્રહ રાખું છું. સાથે પરિવારજનોને ઘરના નાના-મોટા કામમાં મદદરૂપ થાઉ છું.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login