ભારત અને માલદીવ વચ્ચે નવો રાજદ્વારી વિવાદ ઉભો થયો છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે અપમાનજનક ટિપ્પણી કર્યા પછી માલદીવ સરકારે તેમના ત્રણ પ્રધાનોને સસ્પેન્ડ કર્યા છે. ભારતે માલદીવના હાઈ કમિશનરને બોલાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. આ દરમિયાન હજારો ભારતીય પ્રવાસીઓએ માલદીવની તેમની યાત્રાઓ રદ કરી દીધી છે.
નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ભારતીય પ્રવાસીઓને માલદીવ જેવા દેશોને બદલે પોતાના દેશના લક્ષદ્વીપની મુલાકાત લેવાની અપીલ કરી હતી. તેમણે પોતાની ટ્રિપની ઘણી તસવીરો પણ પોસ્ટ કરી હતી. મોદીની આ અપીલ પર માલદીવના મંત્રીઓએ વાંધાજનક ટિપ્પણી કરી હતી. ભારતીય વડા પ્રધાનને 'જોકર' અને 'ઇઝરાયલની કઠપૂતળી' પણ કહ્યું હતું. જો કે, વિવાદ ઉગ્ર બનતા જ આ ટ્વીટ્સને હટાવી દેવામાં આવી હતી.
ભારત સરકારે આ મામલે માલદીવનો સત્તાવાર રીતે વિરોધ કર્યો હતો. કડક પગલાં લેતા માલદીવે તેના યુવા સશક્તિકરણ, માહિતી અને કલાના નાયબ મંત્રી મરિયમ શિઉના, પરિવહન અને નાગરિક ઉડ્ડયનના નાયબ મંત્રી હસન ઝિહાન અને યુવા સશક્તિકરણ, માહિતી અને કલાના નાયબ મંત્રી માલશાને સસ્પેન્ડ કર્યા છે.
માલદીવના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે આ સરકારી મંત્રીઓના અંગત મંતવ્યો છે અને તે માલદીવ સરકારના મંતવ્યોનું પ્રતિનિધિત્વ કરતા નથી. જો કે આ પછી પણ વિવાદ અટકતો નથી. માલદીવમાં મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓની બુકિંગ રદ કરી રહ્યા છે.
EaseMyTrip CEO નિશાંત પિટ્ટીએ ભારતથી માલદીવ સુધીની તમામ ફ્લાઈટ બુકિંગને સ્થગિત કરવાની જાહેરાત કરી છે અને લક્ષદ્વીપ જેવા સ્થાનિક પ્રવાસન સ્થળોને પ્રોત્સાહન આપવા પર કામ કરવાની જાહેરાત કરી છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય પ્રવાસીઓ દ્વારા માલદીવની 8,000થી વધુ હોટેલ બુકિંગ અને 2,500 ફ્લાઇટ ટિકિટો રદ કરવામાં આવી છે. ટૂર ઓપરેટર્સ એસોસિયેશનના અધિકારીઓનું કહેવું છે કે આગામી 20-25 દિવસમાં વધુ બુકિંગ કેન્સલ થવાની શક્યતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, માલદીવની અર્થવ્યવસ્થા મોટાભાગે પર્યટન પર નિર્ભર છે. જેમાં ભારતીયોનું મહત્ત્વનું યોગદાન છે. માલદીવની મુલાકાત લેનારા સૌથી વધુ પ્રવાસીઓ (2,09,198) ભારતના હતા. આ પછી રશિયા (2,09,146) અને ચીન (1,87,118) છે.
#BoycottMaldives અભિયાન સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. તેમાં અનેક ભારતીય સેલિબ્રિટીઓએ પણ ભાગ લીધો હતો. જેમાં બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમ, રણદીપ હુડ્ડા, અક્ષય કુમાર અને સલમાન ખાન જેવા જાણીતા સ્ટાર્સ પણ સામેલ છે.
એટલું જ નહીં માલદીવમાં પણ ત્યાંના મંત્રીઓ સામે વિરોધ થઈ રહ્યો છે. માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે નિવેદનમાં કહ્યું છે કે ભારત અમારો વર્ષો જૂનો મિત્ર છે. સરકારે ત્યાંના વડાપ્રધાન વિરુદ્ધ આવી આકરી ટિપ્પણી કરીને બંને દેશોની મિત્રતાને જોખમમાં ન નાખવી જોઈએ.
માલદીવના પૂર્વ વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે પણ મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીને નિંદનીય અને ઘૃણાસ્પદ ગણાવી છે. માલદીવના પૂર્વ મંત્રી અહેમદ મહલૂફે કહ્યું કે ભારતીયો દ્વારા માલદીવનો બહિષ્કાર કરવાથી આપણી અર્થવ્યવસ્થા પર ભારે અસર પડશે. આ સ્થિતિમાં આ સંકટનો શક્ય તેટલો જલ્દી ઉકેલ લાવવો જોઈએ.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login