સુરત મહાનગરપાલિકાના યુસીડી વિભાગ દ્વારા શહેરી ગરીબ મહિલાઓને આજીવિકા પૂરી પાડવા માટે અનેક પ્રોજેક્ટ્સનો અમલ કરાયો છે.તેમાંથી એક મહત્વાકાંક્ષી "પિંક ઓટો પ્રોજેક્ટ"ની શરૂઆત વર્ષ ૨૦૧૭માં કરવામાં આવી હતી.આ યોજનાના અંતર્ગત, સુરતમાં પિંક ઇ-ઓટો રિક્ષા સફળતાપૂર્વક સાત વર્ષથી ચાલી રહી છે,ત્યારે સુરત મહાનગરપાલિકા કમિશ્નર શ્રીમતી શાલિનીબેન અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ૪૭ મહિલાઓ આત્મનિર્ભર બની રોજગારી મેળવી રહી છે. આ યોજના માત્ર સુરક્ષિત મુસાફરી પૂરતી જ સીમિત નથી રહી, પરંતુ મહિલાઓ માટે સ્થિર રોજગારનો મજબૂત આધાર પણ બની છે. ૨૦૧૭માં મુખ્યમંત્રી દ્વારા લોન્ચ કરાયેલી આ યોજનામાં આજે ૪૭ મહિલાઓ પિંક રિક્ષા ચલાવી સુરક્ષા, રોજગાર અને સ્વાભિમાન સાથે પોતાના પરિવારોને આર્થિક સહારો આપી રહી છે. આ પ્રોજેક્ટને કારણે મહિલાઓના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે, જે તેમને આત્મવિશ્વાસ અને ઉદ્દીપક શક્તિ સાથે આગળ વધવા માટે પ્રેરણા આપે છે. ત્યારે, સુરત શહેરમાં ઓટો રિક્ષા ચલાવતી એક સશક્ત નારીની પ્રેરણાદાયી કહાની પર નજર કરીએ.
લિંબાયત વિસ્તારના અને હાલ ભેસ્તાન શિવ રેસિડન્સીમાં રહેતા સવિતાબેન સાલુકેની જીવનકથામાં જીવનનો ખરો સંઘર્ષ અને સત્ય સૌભાગ્ય છુપાયેલું છે. કોવિડ કાળ દરમિયાન પતિના અવસાન પછી, ઘરના બધો જ ભાર સવિતાબેનના ખભા પર આવી પડ્યા. આ મુશ્કેલ સમયે, તેમણે ૧૨ કલાકની ડાયમંડ ઉદ્યોગની નોકરી શરૂ કરી, પણ તેમાં ન તો યોગ્ય વળતર મળતું અને ન તો બાળકોની સંભાળ માટે પૂરતો સમય મળતો. ત્યારે તેમનાં જીવનને "પિંક ઇ-ઓટો પ્રોજેક્ટ"થી નવી દિશા મળી. સુરત મહાનગરપાલિકાના યુસીડી વિભાગના સહકાર અને માર્ગદર્શનથી સવિતાબેનને પિંક ઇ-ઓટો રિક્ષા ચલાવવાની તક મળી. ટ્રેનિંગ અને લાયસન્સ મેળવીને તેમણે પોતાની સફર નવીન ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે શરૂ કરી. આજે, સવિતાબેન રિક્ષા ચલાવી ઓછા સમયમાં વધુ વળતર મેળવી રહ્યા છે, જેનાથી માત્ર તેમની આર્થિક સ્થિતિ મજબૂત બની છે, પણ તેઓ તેમના બાળકોની કાળજી પણ સારી રીતે લઈ રહ્યા છે.
સવિતાબેનની આ સફળતા એ દર્શાવે છે કે સાચા માર્ગદર્શન અને પ્રેરણાથી કોઈપણ સંજોગોમાં જીત મેળવી શકાય છે. આ કહાની દરેક નારી માટે એક પ્રેરણાનો સ્તોત્ર છે, જે ઘરના ગહન બોજને માતૃત્વની મમતાભરી કાળજી સાથે સરસ રીતે સંભાળી રહી છે.
ગોડાદરા વિસ્તારમાં રહેતી 39 વર્ષીય ઇ-ઓટો રિક્ષાચાલક વૈશાલીબેન શિંદેની કહાની સાબિત કરે છે કે મુશ્કેલીઓ સામે ડટીને લડવું કેટલું મહત્વનું છે. તેઓએ એક સમયે પરિવાર ચલાવવા માટે આસપાસના ઘરોમાં કામ કર્યું, પણ કામ કરી-કરીને દરરોજ ૧૦૦-૧૫૦ રૂપિયાની મુશ્કેલીથી કમાણી થતી હતી, જેના કારણે તેઓને ઘણી કરકસર કરવી પડતી. એક દિવસ, વૈશાલીબેને આસપાસની ગલીઓમાં એક પિંક ઇ-ઓટો ચલાવતી મહિલા જોયી. આ દૃશ્યે તેમને પ્રેરણા આપી, અને તે દિવસે જ તેમણે નક્કી કર્યું કે પોતે કોઈના ઘરે કામ કરવા કરતાં રિક્ષા ચલાવી પોતાનું અને પરિવારનું ભવિષ્ય બદલી શકે છે. તેમણે રિક્ષાચાલક મહિલાઓ પાસે જાણકારી મેળવી અને સુરત મહાનગરપાલિકાના યુસીડી વિભાગનો સંપર્ક કર્યો, જ્યાં તેમને ઇ-ઓટો રિક્ષા પ્રોજેક્ટ વિશે સમજ આપી અને આગળ વધવા પ્રોત્સાહિત કર્યાં. ટ્રેનિંગ અને લાયસન્સ મેળવ્યા પછી, વૈશાલીબેને રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું. છેલ્લા બે વર્ષથી તેઓ દરરોજ માત્ર ચાર-પાંચ કલાક રિક્ષા ચલાવીને ૮૦૦ થી ૧૦૦૦ રૂપિયાની કમાણી કરે છે, જેનાથી તેમના પરિવારનું હવે સારી રીતે ગુજરાન ચાલી રહ્યું છે.
"આજે, હું ઘર કામ છોડી મારી રિક્ષા ચલાવું છું અને આત્મનિર્ભર છું. મારા બાળકોનું ભવિષ્ય હવે ઉજ્જ્વળ છે, અને હું જીવનમાં વધુ સુખી છું. આ બદલ હું હંમેશા સરકારની આભારી રહીશ," એમ વૈશાલીબેન ગર્વથી કહે છે. વૈશાલીબેનની આ કહાની એ દરેક માટે પ્રેરણાસ્ત્રોત છે કે ક્યારેક નાનકડો નિર્ણય, મોટું પરિવર્તન લાવી શકે છે.
લિંબાયત નિલગરી સર્કલની બબીતાબેન રામપાલ ગુપ્તા, જે છેલ્લા આઠ વર્ષથી પિંક ઓટો રિક્ષા ચલાવી રહી છે, તેમની સફર એક સચોટ ઉદાહરણ છે કે કેવી રીતે મહેનત અને સંકલ્પ જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. ૨૦૧૭માં જ્યારે તેમણે રિક્ષાની ટ્રેનિંગ લીધી, ત્યારે તેમના મનમાં અકસ્માતનો ડર હતો, પરંતુ આજે તેઓ આત્મવિશ્વાસ સાથે અને નિડરતાથી આ કાર્ય કરી રહ્યાં છે.અગાઉના સમયમાં, ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી, અને તેમને ૧૦ કલાક કારખાનામાં કામ કરવું પડતું હતું, જેમા કામ વઘુ અને વળતર ઓછું મળતું હતું. આ સ્થિતિને બદલવા માટે, બબીતાબેનને પોતાનું નાનકડું વ્યવસાય શરૂ કરવાની વિચારણા થઈ.જ્યારે તેમને પિંક ઓટો વિશે માહિતી મળી, ત્યારે તેમણે સુરત મહાનગરપાલિકાના યુસીડી વિભાગમાં તપાસ કરી. ત્યાં તેમને પિંક ઇ-ઓટો અંગેની માહિતી અને ટ્રેનિંગ મળી, જેનાથી તેમને લાયસન્સ મળ્યું અને પિંક ઇ-ઓટો રિક્ષા પ્રદાન કરવામાં આવી. બબીતાબેન કહે છે, "જ્યારે હું રિક્ષા ચલાવું છું, ત્યારે મને લાગે છે કે મારી જિંદગીનું દ્રષ્ટિકોણ જ બદલાઈ ગયું છે." આજે, તેઓ રોજ રૂ.૮૦૦ની કમાણી કરી રહ્યા છે, જેમાંથી તેઓ ૩૦૦ થી ૪૦૦ રૂપિયા બચાવી લે છે.
આ સફળતા માત્ર બબીતાબેન માટે જ નહીં, પરંતુ તેમના પરિવારે પણ એક નવું ઉજ્જ્વલ ભવિષ્ય પ્રાપ્ત કર્યું છે. તેમની પ્રેરણાદાયી કહાણી દરેકને જણાવે છે કે મહેનત, વિશ્વાસ, અને સંકલ્પ સાથે જીવનમાં કોઈપણ મર્યાદાઓને પાર કરી શકાય છે.
સુરત મહાનગરપાલિકાના યુસીડી વિભાગ / માહિતી વિભાગ, ગુજરાત.પ્રોજેક્ટનો પ્રભાવ: પરિવર્તન અને પર્યાવરણ બંનેમાં યોગદાન
પિંક ઈ-ઓટો પ્રોજેક્ટ માત્ર રોજગારી પૂરું પાડતો નથી, પણ તે પર્યાવરણના સંરક્ષણમાં પણ યોગદાન આપે છે. ઇલેક્ટ્રિક ઓટો દ્વારા શહેરના ટ્રાફિક અને પ્રદૂષણના સ્તરને ઘટાડવામાં યોગદાન આપી રહેલી આ યોજનાને વધુને વધુ લોકપ્રિયતા મળી રહી છે. સુરત એસએમસી દ્વારા આપવામાં આવેલી તાલીમ અને ટેકનિકલ માર્ગદર્શનના કારણે મહિલાઓએ સશક્તિકરણની નવી ઉંચાઈઓ સર કરી છે.
"પિંક ઈ-ઓટો પ્રોજેક્ટ મહિલાઓના આત્મવિશ્વાસ અને સામાજિક પરિવર્તનનો મંચ છેઃ
સુરત મહાનગરપાલિકાના યુસીડી વિભાગ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર ૨૦૧૭માં મુખ્યમંત્રી દ્વારા લોન્ચ કરાયેલી આ યોજનામાં આજે ૪૭ મહિલાઓ પિંક રિક્ષા ચલાવી રોજગારી પ્રાપ્ત કરી રહી છે.પિંક ઈ-ઓટો પ્રોજેક્ટ માત્ર એક સ્વરોજગારીની યોજના નથી. આ એક મહત્વપૂર્ણ સામાજિક પરિવર્તનનું પ્રતિક છે, જે મહિલાઓના આત્મવિશ્વાસને વધારવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ દ્વારા સુરતની મહિલાઓ માત્ર પોતાના પરિવારોને આર્થિક મદદ પૂરી નથી પાડતી, પરંતુ સમગ્ર સમાજ માટે એક સશક્તિકરણ અને સમાનતાનું પ્રેરણાસ્ત્રોત બની રહી છે. યુસીડી વિભાગ કહે છે કે, અમને ગર્વ છે કે અમે વિમુક્ત ગરીબ વર્ગની મહિલાઓને આ પ્રકારની તક પૂરી પાડવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ."
આ પ્રોજેક્ટ મહિલાઓને નવી જાગૃતિ, મજબૂતી અને આત્મનિર્ભરતા તરફ આગળ વધારવામાં સહાય કરે છે, જે તેઓને માત્ર એક સફળ ઉદ્યોગપતિ બનાવતી નથી, પરંતુ સમાજમાં સામાજિક ન્યાય અને સમાનતાની વિધિ માટે પણ આગળ આવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login