ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, તત્કાલીન નિવૃત્ત પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, માનદ્ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા અને માનદ્ ખજાનચી શ્રી મૃણાલ શુક્લએ સિલોન ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ શ્રીલંકાના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘ભારત હવે વિશ્વની ચોથી મહાસત્તા બનવા તરફ આગળ વધી રહી છે અને તેથી સમગ્ર વિશ્વને ભારતમાં વેપારની અપ્રતિમ તકો ઉપલબ્ધ છે. તેમણે વિસ્તારપૂર્વક ભારતના ઉદ્યોગપતિઓને શ્રીલંકામાં અને શ્રીલંકાના ઉદ્યોગપતિઓને ભારતમાં કેટલી વિશાળ તકો ઉપલબ્ધ છે તેનો ચિતાર આપ્યો હતો.’
ટૂંક સમયમાં આ અગાઉ બંને સંસ્થાઓ વચ્ચે થયેલા મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ (MoU)ના આધારે વેપાર-વિકાસની તકો ઉભી કરવામાં આવશે.
ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ શ્રીલંકાના ઉદ્યોગપતિઓને ભારતના ક્યા-ક્યા ઉદ્યોગોમાં વધુ રસ પડશે અથવા તો અત્યાર સુધી વણખેડાયેલી નવી ક્ષિતિજો આંબવા માટે કેટલી વિશાળ તકો છે તેનો ખ્યાલ આપ્યો હતો.
તત્કાલિન નિવૃત્ત પ્રમુખ શ્રી રમેશ વઘાસિયાએ ચેમ્બર કઈ રીતે સમગ્ર વિશ્વના વિવિધ દેશોને એક મંચ પર લાવી રહી છે અને તે માટે ચેમ્બર દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો.
સિલોન ચેમ્બર ઓફ કોમર્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મિ.બુવાનેકાબાહુ પેરેરાએ શ્રીલંકાના બિઝનેસ લેન્ડસ્કેપ વિશે માહિતી આપી હતી. સાથે જ તેમણે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને સહયોગની સંભાવનાઓ પર ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં મુખ્યત્વે ચર્ચા ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધોને મજબૂત કરવા અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપી શકે તેવી આશાસ્પદ વેપારી તકો શોધવા પર કેન્દ્રિત હતી.
માનદ્ મંત્રી શ્રી નિરવ માંડલેવાલાએ સભાનું સંચાલન કર્યું હતું અને આ મુલાકાતથી બંને દેશોને શું લાભ થશે તેની વિગતવાર માહિતી આપી હતી અને આજની આ મુલાકાત બંને દેશો માટે સિમાચિન્હ રૂપ બની રહેશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે ચેમ્બરના માનદ્ ખજાનચી શ્રી મૃણાલ શુક્લએ ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો, ત્યાર બાદ બેઠકનું સમાપન થયું હતું.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login