ગુજરાતમાં જાડા ધાન્ય અને બરછટ અનાજના ઉપયોગ તથા વપરાશને પ્રોત્સાહન આપવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગત તા. ૮ અને ૯ ફેબ્રુઆરી દરમિયાન ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૫’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આયોજિત આ કાર્યક્રમને નાગરિકોએ બહોળો પ્રતિસાદ આપીને સફળ બનાવ્યો છે.
મિલેટ મહોત્સવ અંગે રસપ્રદ માહિતી આપતા કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં આયોજિત બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટની આશરે ૨.૯૩ લાખથી વધુ નાગરિકોએ મુલાકાત લઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રાજ્યભરના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો, ખેડૂત ઉત્પાદક સંગઠનો, કૃષિ ઉદ્યોગ સાહસિકો, નિકાસકાર તેમજ સ્વસહાય જૂથો દ્વારા આ મહોત્સવમાં કુલ ૬૦૬ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. આ ૬૦૬ સ્ટોલ મારફત બે દિવસમાં કુલ રૂ. ૧.૬૨ કરોડનું વેચાણ કરવામાં આવ્યું છે.
મંત્રી શ્રી પટેલે કહ્યું હતું કે, આ મહોત્સવ દરમિયાન મિલેટ અને મિલેટ વાનગીના સ્ટોલે અનેરું આકર્ષણ જમાવ્યું હતું. રાજ્યના હજારો સ્વાદરસિકોએ મિલેટથી બનેલી વિવિધ વાનગીઓનો આસ્વાદ માણ્યો હતો. રાજ્યના લાખો શહેરીજનોએ આ મહોત્સવમાં ભાગ લીધો, એ જ શ્રીઅન્ન અને પ્રાકૃતિક ખેત પેદાશના અનન્ય મહત્વ પ્રત્યે નાગરિકોની જાગરૂકતા દર્શાવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી ઉજવાયેલા ‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’ના પરિણામે સમગ્ર વિશ્વના નાગરીકો સુપરફૂડ મિલેટના ફાયદાઓથી પરિચિત થયા છે.
અમદાવાદ ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવમાં માત્ર બે જ દિવસમાં રૂ. ૩૮ લાખથી વધુનું વેચાણ કરવામાં આવ્યું હતું. જ્યારે, સુરતમાં રૂ. ૨૮.૨૮ લાખ, રાજકોટમાં રૂ. ૨૭ લાખ, વડોદરામાં રૂ. ૨૦.૬૦ લાખ, ભાવનગરમાં રૂ. ૧૮.૮૦ લાખ, જામનગરમાં રૂ. ૧૪.૭૫ લાખ તેમજ ગાંધીનગરમાં રૂ. ૧૪.૫૦ લાખથી વધુનું વેચાણ કરવામાં આવ્યુ હતું.
આ ઉપરાંત ભાવનગર ખાતે યોજાયેલા મિલેટ મહોત્સવની બે દિવસમાં સૌથી વધુ ૮૧,૩૦૦ નાગરીકોએ મુલાકાત લીધી હતી. ત્યારબાદ સુરતમાં ૫૮,૨૦૦ નાગરિકોએ, અમદાવાદમાં ૪૫,૫૦૦ નાગરિકોએ, વડોદરામાં ૩૯,૦૦૦ નાગરીકોએ, રાજકોટમાં ૨૫,૭૦૦ નાગરિકોએ, જામનગરમાં ૨૬,૨૦૦ નાગરિકોએ તેમજ ગાંધીનગરમાં ૨૧,૮૦૦ નાગરિકોએ મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટની મુલાકાત લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, મિલેટ્સ ઉત્પાદનોના વેચાણ માટે કુલ ૧૮૦ સ્ટોલ, પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે કુલ ૧૬૯ સ્ટોલ, મિલેટ અને પ્રાકૃતિક પેદાશોની વાનગીઓના વેચાણ માટે ૧૧૭ લાઈવ ફૂડ સ્ટોલ, રાજ્ય સરકારની વિવિધ સંસ્થાઓના ૪૨ સ્ટોલ, મધના વેચાણ માટે ૨૫ સ્ટોલ, હેન્ડીક્રાફ્ટ વેચાણ અને મનોરંજન માટે ૨૪ સ્ટોલ, ખેત ઉત્પાદનોના નિકાસ માટે ૨૨ સ્ટોલ, છોડ અને બિયારણના વેચાણ માટે ૧૫ સ્ટોલ તેમજ પ્રાકૃતિક કૃષિ ઇનપુટ્સના વેચાણ માટેના ૧૨ સ્ટોલ મળીને કુલ ૬૦૬ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login