સુરત જિલ્લા ડિઝાસ્ટર ઓથોરિટી અને સુરત એરપોર્ટ ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે સુરત એરપોર્ટ ખાતે સવારે એન્ટી હાઈજેકીંગ મોકડ્રીલ યોજાઈ હતી. ત્રણ આતંકવાદીઓએ હૈદરાબાદથી શારજાહ જઈ રહેલી ફ્લાઈટને હાઈજેક કરતા વિમાનનું સુરત એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતું. આતંકીઓએ ફ્લાઈટના મુસાફરોને બંધક બનાવ્યા હતા, પરંતુ ચેતક કમાન્ડો તેમજ CISFના જવાનોએ મક્કમ મુકાબલો કરી આતંકીઓને જીવતા પકડ્યા હતા. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કમિટીના અધ્યક્ષ અને કલેકટરશ્રી ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ આયોજિત મોકડ્રીલમાં એરપોર્ટ અથોરિટી દ્વારા મોકડ્રીલનું આયોજન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.
સવારે ૧૧.૦૮ વાગે સુરત એરપોર્ટ પર વિમાન હાઈજેક થયું હોવાની જાણકારી સુરત એરપોર્ટ ઓથોરિટીને થતા તત્કાલ આ અંગે સુરત શહેર પોલીસ, જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારીને જાણ કરવામાં આવી હતી. સુરત પોલીસ તથા CISF દ્વારા સમગ્ર એરપોર્ટને કોર્ડન કરવામાં આવ્યો હતો.
પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલોતે તત્કાલ એરપોર્ટ આવીને એન્ટી હાઇજેક કંટ્રોલરૂમમાંથી આંતકીઓ સાથે વાતચીત કરી હતી. જેમાં આંતકીઓએ એ.ટી.એસ. દ્વારા ધરપકડ કરાયેલા અને જેલમાં બંધ આતંકીઓને મુક્ત કરવાની, એક હેલિકોપ્ટર તેમજ રૂા.૨૦૦ કરોડની ડિમાન્ડ કરી હતી. આખરે ચેતક કમાન્ડોએ તકનો લાભ લઈ આતંકીઓને ઝબ્બે કર્યા હતા અને તેમની પાસેથી એ.કે. ૪૭ રાઈફલ સહિતના હથિયારો કબ્જે કરવામાં આવ્યા હતા.
સર્ચ ઓપરેશન દરમિયાન તમામ બંધક મુસાફરોને સુરક્ષિત મુક્ત કરાવવામાં સફળતા મળી હતી. ભયના ઓથાર રહેલા બંધક મુસાફરોને જરૂરી સારવાર અને મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ માટે મેડિકલ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. કોઈ જાનહાનિ વિના ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.
મોકડ્રીલ દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર, સિટી પોલીસ દ્વારા એરપોર્ટથી સિવિલ સુધી ગ્રીન કોરિડોર, એરપોર્ટની ફરતે પૂરતો પોલીસ બંદોબસ્ત, મેડિકલ ટીમની તૈનાતી, એરપોર્ટ પાસે ટ્રાફિક મેનેજમેન્ટ સરળતાથી કરીને મોકડ્રીલને સફળ બનાવી હતી.
મોકડ્રીલમાં જોઈન્ટ પોલીસ કમિશનરશ્રી કે.એન.ડામોર, એસ.ઓ.જી.ના ડી.સી.પી. શ્રી રાજદિપસિંહ નકુમ, સ્પેશ્યલ બ્રાંચના ડી.સી.પી. શ્રી હેતલ પટેલ, CISFના કમાન્ડન્ટશ્રી અભિષેક, સુરત એરપોર્ટ જનરલ મેનેજર, ફાયર, સિટી પોલીસ અને રાજ્યની સંબંધિત ઓથોરિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login