સુરત શહેરના પરવટ ગામ વિસ્તારમાં રહેતા રાઘુભાઈ ચૌહાણની ૧૫ વર્ષીય દીકરી આસ્થાને થયેલી ગુલીયન બારી સિન્ડ્રોમ નામની ગંભીર બિમારીની સફળ સારવાર કરીને સ્મીમેર હોસ્પિટલના તબીબોએ આસ્થાને નવજીવન આપ્યું છે. એક લાખમાં એકથી બે બાળકોમાં જોવા મળતી ગૂલીયન બારી સિન્ડ્રોમ (જીબીએસ) નામના રોગથી પીડિત આસ્થાને સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં સતત ૬૩ દિવસ સારવાર કરવામાં આવી હતી. આ દીકરીને ૩૦ દિવસ તો વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. પુત્રીને સ્વસ્થ થયેલી જોઈ માતા-પિતા પાસે સ્મીમેરના તબીબોનો આભાર માનવા શબ્દો ન હતા.
પીડિયાટ્રીક વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડો. દેવાંગ ગાંધીએ વિગતો આપતા કહ્યું કે, તા.૧૫મી એપ્રિલે આસ્થા ચૌહાણને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. શરૂઆતમાં ચાલવાની સાથે શ્વાસ લેવામાં તકલીફ તથા લકવાની અસર જોવા મળી હતી. તાત્કાલિક પિડિયાટ્રિક આઈસીયુમાં દાખલ કરી સતત એક મહિના સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. જરૂરી ટેસ્ટ કરવામાં આવતા આસ્થાને ગૂલીયન બાર સિન્ડ્રોમ નામની બીમારી હોવાનું નિદાન થતા તબીબોએ શરૂઆતમાં વેન્ટિલેટર પર બાદમાં સરળતાથી શ્વાસ લઈ શકે તે માટે ગળામાં પાઈપ નાંખીને ૩૦ દિવસ સુધી સારવાર આપી હતી. આસ્થા સ્વસ્થ થતા તા.૧૮મી જુનના રોજ રજા આપવામાં આવી. હાલ નિયમિત ચેકઅપ કરવામાં આવે છે. આ કાર્યમાં પિડિયાટ્રીક વિભાગના વડા ડો.પૂનમ સિંગ, ડો.અંકુર ચૌધરી, ડો. ફાલ્ગુની ચૌધરી, ડો.મિત્તલ તથા રેસિડેન્ટ ડોક્ટરો, નર્સિગ સ્ટાફ, ઈ.એન.ટીના તબીબો તથા ફિઝીયોથેરાપીના ડોકટરોના સંયુક્ત પ્રયાસોના પરિણામે દીકરીની સફળ સારવાર થઈ હતી.
ડો.દેવાંગે વધુમાં કહ્યું કે, આ ગૂલીયન બારી સિન્ડ્રોમ બિમારીની સારવાર માટે ૧૫ થી ૨૦ હજારની કિંમતના આઈ.વી.આઈ.જી. ઈન્જેકશનો એવા કુલ ૩.૫૦ લાખના ઈન્જેકશનો વિનામુલ્યે આપવામાં આવ્યા હતા. આ સારવાર જો ખાનગી હોસ્પિટલમાં કરાવી હોત તો સમગ્ર સારવારનો ખર્ચ રૂ.૧૦ થી ૧૨ લાખ જેટલો માતબર થયો હોત. જે સારવાર મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વિનામૂલ્યે થઈ છે.
ગૂલીયન બારી સિન્ડ્રોમ એટલે શું?
ડો.દેવાગે કહ્યું કે, જીબીએસ બિમારી વાયરસના કારણે થતી ઑટૉઇમ્યૂન ડિસઑર્ડરની બિમારી છે. જેમાં આખા શરીરના સ્નાયુઓ નબળા પડી જાય છે. સ્વચ્છતા નહીં રાખતા કે સતત ઝાડા-ઊલટી થતી હોય તેવા સંજોગોમાં થઈ શકે છે. આ રોગમાં દર્દીને ચાલવામાં તકલીફ, શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ ઉપરાંત શરીરની રોગપ્રતિકારક શક્તિ તંદુરસ્ત ચેતા પર હુમલો કરે છે, જેથી લકવાની અસર પણ થઈ શકે છે. જો, સમયસર સારવાર કરવામાં ન આવે તો દર્દીના જીવ સામે જોખમ ઉભુ થાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login