ADVERTISEMENTs

નવી સિવિલમાં અમરનાથ અને હજ યાત્રીઓને ફિટનેસ સર્ટિફિકેટ માટે એક જ છત નીચે વ્યવસ્થા

નવી સિવિલમાં ૧૦ દિવસમાં ૨૭૦૦ અમરનાથ યાત્રીઓ અને એક જ દિવસમાં ૩૫૦ હજ યાત્રીઓને ફિટનેસ સર્ટિફિકેટ ઈસ્યુ કરાયા

હોસ્પિટલ તંત્ર દ્વારા સૌ પ્રથમવાર એક જ સ્થળે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી. / માહિતી વિભાગ, ગુજરાત

ધર્મ અને આરોગ્ય સેવાનો સુમેળ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં જીવંત થયો છે. પવિત્ર અમરનાથ યાત્રા અને હજ યાત્રા પર જનાર યાત્રીઓને અનુકૂળતા રહે અને ફિટનેસ ચેકઅપ માટે દોડધામ ન કરવી પડે તે માટે હોસ્પિટલ તંત્ર દ્વારા સૌ પ્રથમવાર એક જ સ્થળે એક છત્ર હેઠળ સ્વાસ્થ્ય ચકાસણીઓની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. CBC, RBS, બ્લડ પ્રેશર, ઈસીજી સહિતના તમામ જરૂરી રિપોર્ટ હવે યાત્રીઓને એક જ જગ્યાએ મેળવી શકાય છે.

સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ ગત ૧૦ દિવસમાં અમરનાથ યાત્રા માટે ૨૭૦૦થી વધુ યાત્રીઓને અને માત્ર એક જ દિવસમાં હજ યાત્રા માટે ૩૫૦ યાત્રીઓને ફિટનેસ સર્ટિફિકેટ ઈસ્યુ કરાયા છે. સુરત શહેર-જિલ્લાના અંદાજે ૬,૫૦૦ યાત્રીઓ અમરનાથ યાત્રા માટે અને ૧,૬૯૮ યાત્રીઓ હજ યાત્રાએ જશે. 

નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ અને ટ્રોમાના ઈન્ચાર્જ ઈકબાલ કડીવાલાએ સિવિલ તંત્રની વ્યવસ્થાની વિગતો આપી જણાવ્યું કે, રાષ્ટ્રનો વિકાસ સામાજિક સમરસતાથી થતો હોય છે. હજ અને અમરનાથ યાત્રીઓ એક છત્ર નીચે પ્રમાણપત્રો મેળવી રહ્યા છે, ત્યારે બંને વર્ગના યાત્રિકોને સુગમ અને સરળ યાત્રાની શુભકામનાઓ પાઠવી હતી.

આર.એમ.ઓ. ડો.કેતન નાયકે જણાવ્યું હતું કે, છેલ્લા ૧૦ વર્ષથી હજ અને અમરનાથ યાત્રીઓ માટે ફિટનેસ ચેકઅપની કામગીરી થઈ રહી છે, પરંતુ આ વર્ષે બંને યાત્રાઓ માટે એકસાથે વ્યવસ્થા કરવામાં આવી છે. આ પહેલ માત્ર આરોગ્ય માટે નહીં, પણ સામાજિક કાર્ય માટે પણ મજબૂત પાયો પૂરો પાડે છે. હિન્દુ અને મુસ્લિમ યાત્રીઓ એક જ સ્થળેથી ચકાસણી કરાવી ધાર્મિક યાત્રા માટે તૈયાર થઈ રહ્યા છે, આ સમગ્ર પ્રક્રિયામાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ ઉભું થયું છે.

રાજ્ય વકફ બોર્ડના ચેરમેન મોહસીન લોખંડવાલાએ બંને સમાજના લોકોને પવિત્ર યાત્રા બદલ શુભેચ્છા પાઠવી હતી. 

આ યાત્રા વ્યવસ્થામાં, હજ કમિટીના સભ્ય અકરમ શાહ, મેડિકલ ઓફિસર ડો. લક્ષ્મણ ટેહલાની, અમરનાથયાત્રા કમિટિના જગદીશ મેર, હજયાત્રા કમિટિના ઝહીરભાઇ હકીમસિંહ, જાવેદ ઝંઝા, જુનેદભાઇ, સલીમ મેમન, અલીભાઇ અને હમજી જરીવાલા સહિત હોસ્પિટલના અનેક કર્મચારીઓ સેવા આપી રહ્યા છે.

નવી સિવિલ તંત્ર માત્ર આરોગ્ય સેવા પૂરતી સીમિત ન રહેતા એકતા અને ભાઈચારાનો સંદેશ પણ આપી રહ્યું છે. સર્વધર્મ સમભાવ અને સમરસતાના સિદ્ધાંતને સાકાર કરતી આ સેવાઓ ખરા અર્થમાં સુરત શહેરના ગૌરવમાં ઉમેરો કરે છે સાથોસાથ આસ્થાને પ્રવાહને વહેતો રાખે છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related