ADVERTISEMENTs

નિશાકુમારી શરૂ કરશે નવું મહાસાહસ: એવરેસ્ટ વિજય પછી હવે ભારત થી લંડન સુધીનો કરશે સાયકલ પ્રવાસ

લગભગ ૨૦૦ દિવસમાં ૧૫૦૦૦ કિમી સાયકલ ચલાવશે: એશિયા અને યુરોપ ખંડોના વિવિધ દેશોમાં થઈને લંડન પહોંચશે: આ રૂટ પર સાયકલ પ્રવાસનું વિશ્વનું આ પહેલું સાહસ બનશે

નિશાકુમારી ભારત થી લંડન સુધીનો કરશે સાયકલ પ્રવાસ / Courtesy photo

૨૩ મી જૂનની વહેલી સવારે વડોદરા થી શરૂ થશે મહા સાયકલ પ્રવાસ.
   
અંતરમાં ઝલકતો ઉત્સાહ અને અજાણ્યા લક્ષ્યો સર કરવાની અદમ્ય ઈચ્છા વ્યક્તિને જંપવા દેતી નથી.ગયા વર્ષે મે મહિનામાં વિશ્વનું સૌ થી ઊંચું એવરેસ્ટ શિખર સર કર્યું.આ સિદ્ધિના બદલામાં હિમ દંશની ચામડી પર તેજાબ પડ્યો હોય એવી વેદના,લાંબી સારવાર અને બંને હાથની આંગળીઓના ટેરવા બુઠ્ઠી કરી દેતી ઈજાઓ સહન કરવા છતાં આ છોકરી હિંમત હારી નથી.અને હવે પૃથ્વીના બે ખંડો અને ચીન સહિતના વિવિધ ૧૭ દેશો,ક્યાંક આકરી ગરમી તો ક્યાંક ઢગલો બરફ વાળું વાતાવરણ, આ બધાનો સામનો કરીને ભારત ( વડોદરા) થી લંડનનો મહા સાયકલ પ્રવાસ આદરવાનો મક્કમ સંકલ્પ કર્યો છે.માત્ર સંકલ્પ નથી કર્યો પણ વિગતવાર આયોજન કરી કાઢ્યું છે અને હવે તા.૨૩ મી જૂનની વહેલી સવારે વડોદરા થી મહા પ્રસ્થાન કરવાનું નિર્ધાર્યું છે.ભારતમાં એ ગોરખપુર સુધી ૨૭૦૦ કિમી સાયકલિંગ કર્યા પછી એ નેપાળ,તિબેટ અને ચીન થઈને પોતાની યાત્રા આગળ ધપાવશે.આ સાહસ માટે ખાસ પ્રકારની હળવી અને મોંઘી સાયકલ જરુરી બને છે.સુરતના પ્રતિભા ફાઉન્ડેશન દ્વારા આવી બે સાયકલો આપવામાં આવી છે.જ્યારે અદાણી સમૂહ દ્વારા આ સમગ્ર  યાત્રાને ટેકો આપવામાં આવ્યો છે.અન્ય નામી અનામી શુભેચ્છકોએ મદદ કરી છે.ભારત સરકારે જરૂરી વિઝામાં સરળતા કરી આપી છે.
   
વડોદરા કે ગુજરાતની કોઈ દીકરીએ  અગાઉ આટલા બધા દેશો વીંધતો સાયકલ પ્રવાસ કર્યો નથી.નિશા એવરેસ્ટ સર કરનારી વડોદરાની પહેલી દીકરી અને એમ. એસ.યુનિવર્સિટીની પહેલી વિદ્યાર્થિની છે.હવે એનું આ નવીન બહુદેશીય સાયકલ પ્રવાસ આયોજન યુવા પેઢીને પ્રોત્સાહિત કરશે અને નીત નવા સાહસો કરવાની પ્રેરણા આપશે.
   
વડોદરાના પત્રકાર અને પ્રકાશક કુમાર શાહે અગાઉ જાણીતા સિલ્ક રૂટના રસ્તે વડોદરાથી લંડન સુધીનો અઘરો મોટર સાયકલ પ્રવાસ ખેડ્યો છે. નિશાના પ્રેરણાદાતા નિલેશ બારોટ પર્વતારોહણ સહિત વિવિધ સાહસ આયોજનોનો બહોળો અનુભવ ધરાવે છે.આ લોકોની અનુભવી ટીમ એનું માર્ગદર્શન કરવા વાહનમાં સાથે જોડાશે.

તા.૨૩ મી જૂન,રવિવારની સવારે ૬ વાગે સમાં રમત સંકુલથી નિશાને પ્રવાસનો પ્રારંભ શહેર પોલીસ કમિશનર કરાવશે.સુરતના પોલીસ કમિશનર અનુપમ ગેહલોટે પણ પીઠબળ આપ્યું છે.
   
આ પ્રવાસ ખૂબ ઊંચી હિંમત અને સાહસ માંગી લે છે.તે ઉપરાંત તેમાં વિવિધ દેશોના ટુંકી મુદતના વિઝા મેળવવાની કડાકૂટ માટે જુદાં જુદાં દેશોના રાજદૂતાવાસો સાથે દિવસો સુધી વાટાઘાટો કરીને ,અઘરી પ્રક્રિયાઓ પૂરી કરવી પડે છે. અંદાજે રૂ.૭૦ લાખથી વધુ રકમનો ખર્ચ થવાનો અંદાજ છે.નિશા પોતે મધ્યમવર્ગી,લશ્કરી પરિવારમાં થી આવે છે.કુટુંબની એટલી સદ્ધરતા નથી.પરંતુ પ્રોત્સાહક દાતાઓ ની મદદ થી આ બધા સાહસિક આયોજનો કરે છે.
 
અત્યારે પણ એ રીતે જ ખર્ચની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.વડોદરા અને ગુજરાતના સાહસિક પ્રવૃત્તિઓ ને ટેકો આપનારા એનો આર્થિક સહયોગ કરીને પ્રોત્સાહન આપે એવી અપીલ છે.
   
આ દીકરી પોતે ગણિતની અનુસ્નાતક છે પરંતુ એણે સાહસિક પ્રવૃત્તિઓ ને જીવનનું લક્ષ્ય બનાવ્યું છે. એ ઉચ્ચ તાલીમબદ્ધ પર્વતારોહક છે.યુવાનોને તાલીમ આપવાની ક્ષમતા ધરાવે છે.સેવન ટોપ સમિટ એટલે કે હિમાલયના સાત સર્વોચ્ચ શિખરો ભવિષ્યમાં સર કરવાની એની મહેચ્છા છે.
એ જે નિર્ધાર કરે છે તે વિપરીત સંજોગો સામે લડીને પૂરો કરે છે.આ હજારો કિલોમીટર લાંબો સાયકલ પ્રવાસ પૂરો કરવાનો એને આત્મ વિશ્વાસ છે.વડોદરા અને ગુજરાત એની આ મહાયાત્રાને પીઠબળ આપશે એવો એને વિશ્વાસ છે.

ભારત થી લંડન સુધીનો કરશે સાયકલ પ્રવાસ / Courtesy photo

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related