સંત તુલસીદાસે કળિયુગમાં રામ નામનો મહિમા ગાયો છે, રામકથાકાર મોરારિબાપુ પણ એમની કથાના અંતિમ સારને રામ નામ જ જણાવે છે. ત્યારે રામ નામ મહિમાનું સુરતમાં એક વિશિષ્ટ રૂપે બહુમાન થઇ રહ્યુ છે. અહી નવનિર્મિત શ્રી રામનામ મંદિરમાં ૧૧૦૦ કરોડ રામ મંત્ર સ્થાપિત કરાશે. હાલ ૯૫૦ કરોડ મંત્ર સ્થાપિત થઈ ચૂક્યા છે.
અડાજણ પાલ રોડ પર કેબલ બ્રિજ નજીક સ્ટાર બજાર સામે આવેલા રામજી મંદિરની નજીક જ શ્રી રામનામ મંદિરનું નિર્માણ થયુ છે. જેમા ભગવાનનો કોઈ ફોટો કે મૂર્તિ નથી પણ માત્ર મંત્ર લખેલી બુક્સ છે. અને વચ્ચે વિશ્વશાંતિ રામ સ્તંભ બનાવવામાં આવ્યો છે. જે ૫૧ ફૂટ ઊંચો છે. આ મંદિર બનાવવા માટે શ્રી રામજી મંદિર સેવા ટ્રસ્ટએ વિનામૂલ્યે જમીન ફાળવી છે. શ્રી રામ મારુતિ સેવા ટ્રસ્ટ દ્વારા મંત્ર લેખનનું ભગીરથ કામ થઈ રહ્યુ છે. રામ નામ મંદિરના દાતા અને ટ્રસ્ટી ભદ્રેશભાઇ રમણભાઇ પટેલે કહ્યું કે 'વિશ્વશાંતિ હેતુ અર્થે મંદિર બનાવવામાં આવ્યુ છે. તા - ૧૨-૧૨-૨૦૧૭ ના રોજ ૧૨૫ કરોડ રામ મંત્ર ના ટાર્ગેટ સાથે આ નામ યજ્ઞનાં શ્રીગણેશ થયા હતા.સુરત, કામરેજ, વ્યારા સુધી તેમજ સુરતથી અંકલેશ્વર સુધીના ૧૫૦ થી વધુ મંદિરોમાં રામ નામ લખવાની બુક અને બોલપેન ફ્રી માં આપી કામ શરૂ કરાયુ હતું.લોકોએ એટલો પ્રતિસાદ આપ્યો કે ટાર્ગેટ તો થોડા મહિનામાં પૂરો થઈ ગયો. બાદમાં લક્ષ્ય વધતુ ગયુ અને ૧૧૦૦ કરોડ સુધી પહોંચી ગયુ. આ બધી મંત્રબુક રાખવા માટે મંદિર નિર્માણનું વિચાર્યું અને વર્ષ ૨૦૨૧માં ગણેશ ચતુર્થીના અવસરે મંદિરનું ખાતમુહૂર્ત થયુ અને તા - ૯-૧૦-૨૦૨૨ ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ. રામ નામ લિખિત બુક્સની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી અને એ બધી બુક મંદિરમાં મૂકવામાં આવી છે. હાલમાં આ મંદિરમાં ૯૫૦ કરોડ રામનામ અંકિત બુક સ્થાપિત કરી દેવાય છે. '
આ તૈયાર થયેલી બુકને ચાર લેયરમાં બાંધીને મંદિરમાં રાખવામાં આવી છે જેથી ખરાબ ના થાય. દોઢ લાખ જેટલા ભક્તો દ્વારા લખાયેલી ત્રણ લાખ જેટલી બુક મંદિરમાં સ્થાપિત છે. ૧૧૦૦ કરોડ પછી પણ આપણે આ યજ્ઞ ચાલુ જ રાખીશું.
શ્રી રામ મારુતિ સેવા ટ્રસ્ટના સંચાલક દીપક પ્રજાપતિએ કહ્યું કે 'ભગવાન રામની કૃપા અને પ્રેરણાથી શરૂ થયેલું કાર્ય એમની કૃપાથી જ પૂર્ણ થવાના આરે છે. શરૂઆતના લક્ષ્યાંક માટેનો ખર્ચ ટ્રસ્ટ દ્વારા થતો પણ પછીની જરૂરિયાતમાં નાના મોટા દાતાઓ આવતા ગયા અને બુક તથા બોલપેન મળતી ગઇ. ૫૧ ફૂટની ઊંચાઈએ રામ સ્તંભ પણ વિવિધ દાતાઓના દાનથી ઊભો થયો છે. જેની ચારેબાજુ રામ નામ લખાયેલુ છે. પંચધાતુનો આ સ્તંભ બનાવવા માટે કેરેલાના કારીગરો આવ્યા હતા. એ અગાઉ લોકો પાસેથી ધાતુ ઉઘરાવવાનું પણ કામ થયુ હતું. 'રામજી મંદિરના પૂજારી પ્રકાશ શુક્લએ કહ્યું કે 'આ પાવન ભૂમિ પર રામ નામ મંદિરનું નિર્માણ સુરતનું કલ્યાણ છે. રામ સ્તંભની પવિત્ર ઊર્જા આખા શહેરને આધ્યાત્મિક આબોહવા પૂરી પાડશે. '
બે બેંક મર્જ થાય તો શું થાય? એનાથી બધા પરિચિત હશે પણ બે રામ નામ બેંક ભેગી થાય તો શું પરિણામ આવે એ રામનામ મંદિર રૂપે જોઈ શકાય છે. ભદ્રેશ ભાઈ ૧૯૯૯ થી ઘરેથી રામ નામ બેંક ચલાવતા હતા. જેમાં કરોડો રામ મંત્ર નું લેખન થયુ હતું. તો દીપક ભાઈ પણ ૧૯૯૬ થી આ જ રીતે રામ નામ બેંક ચલાવતા હતા. આ બંને સંચાલકો એકવાર મળ્યા અને વિચારોની આપલે બાદ સંગાથે સવા સો કરોડનો લક્ષ્ય લઇને નીકળ્યા પડ્યા અને પરિણામ ધાર્યા કરતા ઉત્તમ થી ઉત્તમ મળ્યુ એનો રાજીપો બંનેના ચહેરા પર દેખાય આવે છે. રામ નામ બેંકના આ સંચાલકોએ ભેગા થઈને ભવ્ય રામનામ મંદિર નિર્માણ કરી દીધુ.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login