ADVERTISEMENTs

?> Sponsored Ad

ફૂટપાથ પરથી મળેલ બાળકીના પાલક પિતા બની શાળા પ્રવેશોત્સવ કરાવતા સમાજસેવી પરેશ ડાંખરા.

પાંચ વર્ષ પહેલા ફૂટપાથ પર મળી આવેલી બાળકીના પાલક પિતા બની પરેશભાઈએ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત બાળકીનો શાળાપ્રવેશ કરાવ્યો, બાળકીના પિતા મળી ન આવતા શાળા રજિસ્ટરમાં સગા પિતા સમાન બની ‘યશ્વી પરેશભાઈ ડાંખરા’ નામ નોંધાવ્યું.

શાળાપ્રવેશોત્સવ અંતર્ગત યશ્વીનો શાળા પ્રવેશ / માહિતી વિભાગ, ગુજરાત

ગુજરાતમાં શિક્ષણના સ્તરની ઉત્તરોત્તર વૃદ્ધિ અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળથી શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કર્યો હતો, આ પહેલને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે જારી રાખી છે, ત્યારે શાળા પ્રવેશોત્સવ થકી હ્રદયને ટાઢક થાય એવા દ્રશ્યો, પરિણામો જોવા મળી રહ્યા છે. સુરતના હીરા દલાલીનું કામ સાથે માનસિક દિવ્યાંગોની સેવા કરતા સમાજસેવક શ્રી પરેશભાઈ ડાંખરાએ વર્ષ ૨૦૧૯માં ફૂટપાથ પરથી મળી આવેલી બે દિવસની નવજાત બાળકી અને તેની અસ્થિર મગજની માતાને હોસ્પિટલમાં સારવાર કરાવી પોતાના ઘરે લઈ આવ્યા, નાનકડી બાળકીની સ્થિતિને જોઈને હ્રદય દ્રવી ઉઠ્યું અને સગી દીકરીની જેમ અપનાવી આજીવન સારસંભાળ રાખવાનો સંકલ્પ કર્યો, યશ્વી નામ આપ્યું અને છેલ્લા સાડા પાંચ વર્ષથી તેને માતા-પિતાનો નિ:સ્વાર્થ પ્રેમ આપી રહ્યા છે.

યશ્વી પાંચ વર્ષની થતા તેના શિક્ષણ માટે નજીકની સરકારી શાળામાં બાલવાટિકામાં વર્તમાન વર્ષે દાખલ કરાવી, જેમાં રાજ્ય સરકારનો શાળા પ્રવેશોત્સવ યશ્વીના બાલવાટિકામાં પ્રવેશનો સાક્ષી બન્યો. ગત તા.૨૮મી જૂને ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે સુરતના અશ્વિનીકુમાર રોડ, ફુલપાડામાં આવેલી સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કવિશ્રી રાજેન્દ્ર શાહ પ્રા. શાળા-ક્રમાંક ૧૪૩માં યશ્વીને બાલવાટિકામાં વાજતે ગાજતે પ્રવેશ કરાવ્યો હતો.

વિશેષત: માતાની અસ્થિર માનસિક સ્થિતિના કારણે આ બાળકીના પિતા વિષે આ મહિલા કે અન્ય કોઈને જાણ ન હોવાથી પરેશભાઈએ બાળકીના નામ પાછળ પોતાનું નામ લખાવી શાળા પ્રવેશ કરાવ્યો. આ માટે તેમણે વકીલોની કાયદાકીય સલાહ લઈ જરૂરી એફિડેવિટ કરાવી શાળા રજિસ્ટરમાં બાળકીનું નામ ‘યશ્વી પરેશભાઈ ડાંખરા’ નોંધાવ્યું છે.

શાળામાં અન્ય બાળકો સાથે ભણીને શિક્ષણ મેળવશે. / માહિતી વિભાગ, ગુજરાત.

મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બેલા ગામના વતની અને સુરતને કર્મભુમિ બનાવનાર ૬૦ વર્ષીય પરેશભાઈ ‘પતિત પાવન ચેરિટેબલ ટ્રસ્ટ’ સ્થાપી હાલમાં અનાથ, દિવ્યાંગ (મેન્ટલ), બિનવારસી ૨૨ વ્યક્તિ તેમજ બે અનાથ બાળકોને પોતાના ફ્લેટને જ આશ્રયસ્થાન બનાવી પાલન-પોષણ કરી રહ્યા છે. તેમના ધર્મપત્ની હંસાબેનની મદદથી અનાથજનોના રહેવા-જમવા, દવા, કપડા-લતા સહિતની કાળજી લઈ રહ્યા છે. કુદરતના અન્યાયનો ભોગ બનેલા માનસિક અસ્થિર, દિવ્યાંગ, અનાથ વ્યક્તિઓની છેલ્લા ૩૧ વર્ષથી સારસંભાળ લઈ રહ્યા છે. પરેશભાઈને બે દીકરી અને બે દીકરા એમ ચાર સંતાન છે. બીજા નંબરની દીકરી માનસિક દિવ્યાંગ છે. માનસિક દિવ્યાંગ દીકરી જન્મ્યા બાદ તેમની સેવા કરતી વખતે જ દિવ્યાંગજનો પ્રત્યે અનુકંપા જન્મી અને આવા માનસિક અસ્થિરતા ધરાવતા વ્યક્તિઓની સેવામાં ત્રણ દાયકાઓ વિતાવી દીધા. ઘરના તમામ સભ્યો સાથે માનસિક દિવ્યાંગ વ્યક્તિઓ અને પરિવારના સભ્યો સાથે રહે છે.

પરેશભાઈએ  જણાવ્યું હતું કે, તા.૦૮/૦૧/૨૦૧૯, મંગળવારના રોજ વરાછા પોલીસ સ્ટેશનથી વિગત મળી કે આશરે ૧ થી ૨ દિવસની નવજાત બાળકી અને તેની માતા માનસિક દિવ્યાંગ માતા ફૂટપાથ પર મળી આવ્યા છે. હું અસ્થિર મગજના વ્યક્તિઓ, અનાથો, દિવ્યાંગજનોની સેવા કરતો હોવાથી વરાછા પોલીસ સ્ટેશને માતા-બાળકી અમને સોંપી હતી, જેથી મેં સુરત મનપાની સ્મીમેર હોસ્પિટલમાં માતા અને બાળકીને દાખલ કરી હતી, અને સંકલ્પ કર્યો કે આ બાળકીને હું આજીવન સાચવીશ, તેના ભણતર-ગણતર, જીવનજરૂરિયાતો અને લગ્ન સુધીની જવાબદારી પિતા બનીને નિભાવીશ. જેથી હું માતા-પુત્રીને મારા ફ્લેટ પર લઈ આવ્યો. તેનું નામ યશ્વી રાખ્યું, તેના સગા પિતાની કોઈ ભાળ ન હોવાથી પિતા મળી આવે ત્યાં સુધી સાચવવાનું નક્કી કર્યું. યશ્વીની માતા પણ હાલ અમારી સાથે રહે છે અને તેની પણ કાળજી લઈએ છીએ.

સમાજસેવી પરેશભાઈ ડાંખરા સાથે બાળકી યશ્વી / માહિતી વિભાગ, ગુજરાત.

તેમણે વધુમાં કહ્યું કે, આ પાંચ વર્ષ દરમિયાન તેના પિતા કોણ છે એની કોઈ જાણકારી મળી નથી. એવામાં યશ્વી સાડા પાંચ વર્ષની થતા પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે એ માટે સરકારી શાળામાં દાખલ કરી. રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત ધામધૂમથી ગૃહરાજ્યમંત્રીશ્રીના હસ્તે શાળાપ્રવેશ કરાવ્યો. યશ્વીની સમગ્ર બીના જાણીને તેમણે અંતરથી અભિનંદન આપ્યા અને તેમના સેવાકાર્યમાં રાજ્ય સરકાર હરહંમેશ સાથે છે એવી હૈયાધારણા આપી તે મારા માટે મોટું પ્રોત્સાહન છે.

ગૃહરાજ્યમંત્રીએ યશ્વીને આશીર્વાદ સહ ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી માટે શુભકામના આપતા જણાવ્યું હતું કે, યશ્વીને માની મમતા અને પિતાનો પ્રેમ આપવા માટે ઈશ્વરે સુરતના પરેશભાઈ ડાંખરા જેવા વિરલ સેવાભાવી સમાજ સેવકને ધરતી પર મોકલ્યા એમ કહીએ તો ખોટું નથી. કારણ કે સગા પિતા જેવો પ્રેમ અને કાળજી આ બાળકી પર તેઓ વરસાવી રહ્યા છે. રાજ્ય સરકારનો શાળા પ્રવેશોત્સવ યશ્વી જેવી દીકરીઓના શિક્ષણની કેડી કંડારી રહ્યો છે તેનું ગૌરવ છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related