ભારતમાં લોકસભા ચૂંટણી જાહેર થઇ ગઈ છે અને સમગ્ર દેશમાં કુલ સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. ચૂંટણીમાં મત આપવો એ લોકશાહીમાં તમામનો અધિકાર છે. તેમજ લોકશાહીમાં દરેક મત પણ મહત્વનો છે. ચૂંટણી પંચ દ્વારા સમાજના તમામ વર્ગના અને તમામ ફરજો સાથે જોડાયેલ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય અંતરગત લોકપ્રતિનિધિત્વ અધિનિયમ -1951 ની કલામ 60(C) અન્વયે મતદાનના દિવસે જે કોઈ વ્યક્તિ આવશ્યક સત્તાવાર ફરજોને કારણે મતદાન કરી શકે એમ ન હોય તેવા મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવે છે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા 19 માર્ચ 2024ના રોજ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામા ક્રમાંક 52/2024/SDR/Vol.I મુજબ વીજળી વિભાગ, BSNL, રેલવે, દૂરદર્શન, ઑલ ઈન્ડિયા રેડિયો, ગુજરાતના આરોગ્ય વિભાગ, ઉડ્ડયન, ગુજરાત રાજ્ય પરિવહન નિગમની લાંબા અંતરની બસ સેવાઓ, અગ્નિશમન સેવાઓ, ચૂંટણીના દિવસે કવરેજ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કરવામાં આવેલા મીડિયાકર્મીઓ, ટ્રાફિક પોલીસ તથા એમ્બ્યુલન્સ સેવાઓને આવશ્યક સેવાઓ તરીકે જાહેર કરવામાં આવી છે. આ સેવાઓ સાથે જોડાયેલ કર્મચારીઓ જેમને મતદાનના દિવસે આવશ્યક સેવાઓને લીધે ફરજ પર હાજર રેહવું પડે તેમ હોય અને મતદાન મથકમાં હાજર ન રહી શકે તેવું હોય, તો તેવા મતદારો જ આ શ્રેણીમાં ગેરહાજર મતદારો તરીકે પોસ્ટલ બેલેટનો ઉપયોગ કરીને મતદાન કરવા પાત્ર ગણાશે.
આ પ્રકારે એટલે કે પોસ્ટલ બેલેટથી મતદાન કરવા ઇચ્છતા મતદારોએ તમામ વિગતો ભરીને ફોર્મ 12D ચૂંટણી અધિકારીને અરજી જમા કરાવવાની રહેશે, આ અરજી નિયુકડ નોડલ ઓફિસર દ્વારા પ્રમાણિત કરેલી હોવી જોઈએ તેમજ ચૂંટણીની જાહેરાતની તારીખથી જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખ સુધી પાંચ દિવસમાં ચૂંટણી અધિકારીને આપવાની રહેશે.
આ પ્રકારે વોટિંગ કરાવવા માટે ચૂંટણી અધિકારીઓ દ્વારા પોસ્ટલ વોટિંગ સેન્ટર (PVC) તરીકે એક યોગ્ય સ્થળ નક્કી કરવામાં આવશે. આ સેન્ટરનું સરનામું, મતદાનની તારીખ અને સમયની જાણ અરજી કરનાર તમામ મતદારો ને ફોર્મ 12D માં ઉલ્લેખ કરાયેલ મોબાઈલ નંબર પર અને કેટલાક કિસ્સાઓમાં પોસ્ટ અથવા તો BLO દ્વારા જાણ કરવામાં આવશે.
આ પોસ્ટલ બેલેટથી મતદાન માટે ત્રણ દિવસ અને કેટલાક કલાકોનો સમય ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવશે. આ દિવસો અને સમય દરમિયાન જ રજીસ્ટર્ડ મતદારો મત આપવા આવી શકશે. મત આપવા આવતી વખતે તેમણે તેમનું આઈડી કાર્ડ રજૂ કરવાનું રહેશે. તેઓ નક્કી કરેલા PVC સેન્ટર પર જ મતદાન કરી શકશે અન્ય કોઈ રીતે કે સ્થળે મતદાન કરી શકશે નહીં.
આ અંગે જેતે મતવિસ્તારના ઉમેદવારોને પણ જાણ કરવામાં આવશે જેથી તેઓ મતદાનના સમયે ઈચ્છે તો એજન્ટોની નિમણુંક કરીને PVC માં કાર્યવાહી પર નજર રાખી શકશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login