ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૨ ફેબ્રુઆરીએ એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે હતા. વડાપ્રધાન મોદી સવારે અમદાવાદ ખાતે ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે GCMMFના મહાસંમેલનમાં હાજરી આપવા અમદાવાદ આવ્યા હતા. ત્યારબાદ ત્યાંથી મહેસાણાનાં તરભમાં વાળીનાથ ધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી વડાપ્રધાન મોદી નવસારી ગયા હતા અને અહીં તેમણે વિવિધ યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. તો તાપીના કાકરાપાર પ્રોજેક્ટની પણ મુલાકાત લીધી હતી.
વડાપ્રધાન મોદીએ તેમના આ પ્રવાસ દરમ્યાન વિવિધ ગેરંટી આપી હતી. અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમૂલની સવર્ણ જયંતિના મહાસંમેલનમાં સવા લાખથી વધુ પશુપાલકો અને ખેડૂતો તથા સહકારી મંડળીઓને અને ડેરી અગ્રણીઓને સંબોધિત કરતી વખતે વડાપ્રધાને કહ્યું કે અમૂલ ૨૦૪૭માં ભારતના ૧૦૦ વર્ષની સાથે પોતાના ૭૫ વર્ષની ઉજવણી કરશે. હાલ અમૂલ વિશ્વની આઠમા નંબરની સૌથી મોટી ડેરી છે. ૨૦૪૭ સુધીમાં અમૂલને વિશ્વની સૌથી મોટી ડેરી બનાવવાની છે અને તેના માટે સરકાર અમૂલ ડેરીને તમામ પ્રકારનો સહકાર આપશે તે મોદીની ગેરંટી છે. વડાપ્રધાન મોદીએ ડેરી સેક્ટરમાં મહિલાઓની ભૂમિકા પર વિશેષ ભાર મૂક્યો હતો. વડાપ્રધાને કચ્છનો અમૂલ ડેરીનો ચોકલેટ પ્લાન્ટ અને સાબર ડેરીના પ્લાન્ટ સહિત અનેક લોકાર્પણ પણ કર્યા હતા.
અમદાવાદના કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદી સીધા જ મહેસાણા ગયા હતા. મહેસાણાના તરભ ગામે ભગવાન વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તેમણે ભાગ લીધો હતો. ૯૦૦ વર્ષ જૂના વાળીનાથ ધામનું ભવ્ય મંદિર બનીને તૈયાર થયું છે. સોમનાથ મંદિર બાદ ગુજરાતમાં બીજું સૌથી મોટું શીવ મંદિર વાળીનાથ ધામ માનવામાં આવે છે ત્યારે વડાપ્રધાન મોદીએ અહીં શીવજીની પૂજા અર્ચના કરી હતી. રબારી સમાજની ગુરુગાદી ગણાતા આ મહોત્સવમાં વડાપ્રધાન મોદીનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
તરભ ગામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ વડાપ્રધાન મોદીએ અહીં સભા સંબોધી હતી અને ૧૩૦૦૦ કરોડના વિકાસકાર્યોની ભેટ પણ ઉત્તર ગુજરાતને આપી હતી. વડાપ્રધાન મોદીએ અહીંથી કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે “કોંગ્રેસની મંદિર વિરોધી માનસિકતા રહી છે. સોમનાથ મંદિરનો વિવાદ ઉભો કરવાનું કામ પણ કોંગ્રેસે કર્યું. આટલા સમયમાં પાવાગઢ મંદિરમાં ફરીથી ધ્વજ ફરકાવવાનો ઇરાદો પણ કોંગ્રેસે ન દર્શાવ્યો અને રામમંદિરના નિર્માણકાર્યમાં પણ કોંગ્રેસે અવરોધો ઉભા કર્યા. રામમંદિર બનીને તૈયાર થઇ ગયું અને તેનાથી દેશ આખો ખુશ છે તો કોંગ્રેસને તે પણ નથી ગમ્યું.” વડાપ્રધાન મોદીને તરભની સભામાં બનાસકાંઠાના ડીસામાં એરફોર્સના રનવેનું પણ લોકાર્પણ કર્યું. સાથે જ, વડાપ્રધાને અહીં ગેરંટી આપી કે આવનારા દિવસોમાં ડીસાના એરફોર્સ સ્ટેશનને એક મહત્વના એરફોર્સ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવશે.
મહેસાણાના કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદી નવસારીની મુલાકાતે ગયા હતા. નવસારીમાં રૂપિયા 44 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. આ દરમિયાન તેમણે મોદી સરકારના વિકાસ કાર્યોની પણ વાત રજૂ કરી હતી. PM મોદીએ નવસારીમાં વિકાસ કાર્યોની ભેટ આપતા સૌ ઉપસ્થિત લોકોને પોતાની મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરી વિકાસ ઉત્સવમાં સહભાગી થવાના આહ્વાન કરતા જણાવ્યું હતું કે, 44 હજાર કરોડ રૂપિયાની પરિયોજના માટે તમામ લોકોને અભિનંદન. તેમણે કહ્યું કે, આજકાલ એક ચર્ચા ખૂબ મહત્વની થઈ રહી છે, જે ચર્ચા ગળી મહોલ્લામાં પણ થઈ રહી છે. જે ચર્ચા છે મોદીની ગેરેન્ટીની. બાળકો પણ કહે છે કે, મોદી જે કહે છે કે તે કરી બતાવે છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગુજરાતના લોકો તો પહેલાથી જ જાણે છે કે, મોદીની ગેરેન્ટી એટલે ગેરેન્ટી પૂરી થવાની ગેરેન્ટી. તેમને યાદ હશે કે, હું ગુજરાત હતો ત્યારે પાંચ એફની વાત કરતો હતો. જેનો મતલબ હતો કે ફાર્મ, ફાર્મ ટુ ફાઈબર, ફાઈબર ટુ ફેક્ટરી, ફેક્ટરી ટુ ફેશન, ફેશન ટુ ફોરન. ખેડૂતોએ ઉગાડેલા કપાસના ઉદાહરણ આપી પાંચ એફ વિશે સમજ આપી હતી. PM મિત્ર પાર્ક પણ આનો એક ભાગ છે. તેમણે કહ્યું કે, નવસારીમાં આજે PM મિત્ર પાર્કનું કામ શરૂ થઈ રહ્યો છે. તે ટેક્સટાઈલ માર્કેટ માટે દેશનો એવો પહેલો પાર્ક છે. જેનાથી કપડા ઉદ્યોગનો વિકાસ થશે.
પરમાણુ ઉર્જા પ્લાન્ટમાં નવા બે રિએકટર રાષ્ટ્રને સમર્પિત કર્યા છે. બન્ને રિએકટર મેડ ઈન ભારત છે, મેક ઈન ઈન્ડિયા દ્વારા છે. ભારત દરેક ક્ષેત્રે આત્મનિર્ભર બન્યું છે. આ પ્લાન્ટ દ્વારા ગુજરાતને વિપૂલ વીજળી મળશે. સૂર્ય ઊર્જા ક્ષેત્રે પણ ગુજરાત મોખરાના સ્થાને છે. મોદીએ હમણા નવી ગેરંટી આપી છે. 300 યુનિટ સુધી મફત વીજળીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. પીએમ સૂર્ય ઘર એ 300 યુનીટ વીજળી એટલે મધ્યમ વર્ગના કુંટુબને એસી, પંખા, ફ્રિજ, ટીવી વગેરે કાયમ ચાલે. તમારે માત્ર એટલું જ કરવાનું છે ઘર પર સૌર પેનલ રાખો. વડાપ્રધાન મોદી ૨૪ અને ૨૫ ફેબ્રુઆરીએ પણ ગુજરાત આવી રહ્યાં છે. તેઓ જામનગર, દ્વારકા અને રાજકોટની મુલાકાત લેશે અને અનેક વિકાસકાર્યોની ભેટ આપશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login