ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાના નેતૃત્વમાં ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, માનદ્ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા અને માનદ્ ખજાનચી શ્રી મૃણાલ શુકલ તથા દક્ષિણ ગુજરાતના વિવિધ ક્ષેત્રોના હોદ્દેદારો સાથેના પ્રતિનિધિ મંડળે બુધવાર, તા. ૧૦મી જુલાઇ, ર૦ર૪ના રોજ સાંજે ૪:૦૦ કલાકે ગાંધીનગર ખાતે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સાથે મિટીંગ કરી હતી.
આ મિટીંગમાં SGCCIના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ માનનીય મુખ્યમંત્રીશ્રીને સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વિવિધ ઉદ્યોગ – ધંધાઓને નડતરરૂપ નીચે મુજબના વિવિધ પ્રશ્નોનો રાજ્ય સરકાર દ્વારા ઝડપી નિરાકરણ લાવવામાં આવે તે માટે રજૂઆત કરી હતી.
ગુજરાતની ટેક્ષ્ટાઇલ પોલિસી વહેલી તકે જાહેર કરવા મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરાઇ
ગુજરાત સરકારની ટેક્ષ્ટાઇલ પોલિસી બાબતે સરકારશ્રી સાથે ઓકટોબર ર૦ર૩થી મિટીંગો શરૂ થઇ હતી અને ચૂંટણી પહેલા ટેક્ષ્ટાઇલ પોલિસીની જાહેરાત થઇ જવાની તૈયારી હતી, પરંતુ હજી સુધી ટેક્ષ્ટાઇલ પોલિસીની જાહેરાત કરવામાં આવી નથી. જેથી કરીને સુરતના ઉદ્યોગકારોને ઘણું નુકસાન થાય છે અને ઘણા પ્રોજેકટો અટકી ગયા છે તે બાબતે મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. ટેક્ષ્ટાઇલ પોલિસીમાં કેપિટલ સબસિડી ૩૦ ટકા, વ્યાજ સબસિડી ૬ ટકા, સોલાર અને રિન્યુએબલ એનર્જી જે યુનિટ વાપરતું હોય એને ૧ રૂપિયો પર યુનિટ પાવર સબસિડી, ગારમેન્ટમાં દર મહિને રૂપિયા ૧પ૦૦ લેબરની કમ્પેન્સેશન સબસિડી આપવા રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે પીએમ મિત્રા પાર્કના માસ્ટર ડેવલપર વહેલી તકે નકકી થાય અને એની ગાઇડલાઇન જલ્દી બહાર પડે તો આ બાબતે પણ ઉદ્યોગકારોએ રજૂઆત કરી હતી. આ ઉપરાંત પીએમ મિત્રા પાર્કમાં SGCCIના પ્રતિનિધિને પ્રાઇઝીંગ કમિટી અને એલોટમેન્ટ કમિટીમાં સ્થાન મળે તે માટે રજૂઆત કરી હતી.
ગુજરાત સરકારની ટેક્ષ્ટાઇલ પોલિસી– ર૦૧૯માં રૂપિયા ૧૦ કરોડથી વધારાનું રોકાણ કરતા એકમો ધરાવતા ઉદ્યોગકારોએ સબસિડી માટે અરજી કરી હતી. આ સ્કીમની ગાઇડ લાઇન મુજબ સ્ટેટ લેવલ એમ્પાવર કમિટીમાં ચર્ચા થયા બાદ જ તેની સબસિડી અંગેની અરજીને મંજૂરી આપવામાં આવનાર હતી. છેલ્લા દોઢ વર્ષથી આ મિટીંગ મળી ન હતી, આથી અગાઉ ચેમ્બર પ્રમુખ દ્વારા કરાયેલી રજૂઆતને પગલે આ મિટીંગ મળી હતી અને હવે મોટા એકમોની લાંબા સમયથી જે સબસિડી અટકેલી હતી તે હવે કલીયર થશે તેવો આશાવાદ વ્યકત થયો હતો.
ગુજરાત સરકારની ટેક્ષ્ટાઇલ પોલિસી– ર૦૧૯, ડિસેમ્બર ર૦ર૩માં સમાપ્ત થઇ ગઇ છે. ત્યારબાદ ટેક્ષ્ટાઇલ માટે નવી પોલિસીની જાહેરાત થઇ નથી. જેથી ગુજરાત સરકારની નવી ટેક્ષ્ટાઇલ પોલિસીની વહેલી તકે જાહેરાત કરવામાં આવે અને તેમાં કોઇ પણ બ્લેક આઉટ પિરિયડનો અવકાશ નહીં રહે અને તા. ૧લી જાન્યુઆરી ર૦ર૪થી તેની અમલવારી થાય તે માટે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરાઇ હતી.
ગેમઝોન ઉદ્યોગને રાહત આપવા રજૂઆત કરાઇ, વહેલી તકે નિરાકરણની ખાત્રી મળી
સાઉથ ગુજરાત ગેમઝોન એન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક એસોસીએશન દ્વારા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને તેઓના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. સરકારની ગાઇડ લાઇન તેમજ કાયદા મુજબની પરવાનગી હોવા છતાં સુરતમાં ગેમ ઝોનને બંધ કરી દેવામાં આવ્યા છે, આથી ચેમ્બરના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ ગેમઝોનના ઉદ્યોગકારોને રાહત આપવા માટે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી તરફથી આ બાબતે સકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો હતો, જેથી વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ લાવવાની ખાત્રી મુખ્યમંત્રીશ્રી તરફથી મળી હતી.
જીઆઇડીસીને લગતા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે વિસ્તૃત રજૂઆત કરાઇ
(૦૧) જીઆઇડીસીમાં લીઝ ટ્રાન્સફર વખતે વિભાગ દ્વારા કલેઇમ કરવામાં આવતા ૧૮ ટકા જીએસટી બાબતે ચેમ્બર પ્રમુખે રજૂઆત કરી હતી કે, આ પ્રકારના વ્યવહારમાં જીએસટી નહીં લાગે તે પ્રકારની સ્પષ્ટતા કરવા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારમાં રજૂઆત કરે. (૦ર) જીઆઇડીસી પ્લોટ્સ સબ ડિવીઝન માટે પણ ટ્રાન્સફર ફી ઘણી ઊંચી છે, જે માત્ર ટોકન પૂરતી જ હોવી જોઇએ. (૦૩) એનસીએલટી/ડીઆરટી ઓકશનમાંથી કોઇ જીઆઇડીસીમાં આવેલ પ્રોપર્ટી પરચેઝ કરે છે તે સમયે જૂના લેણાંનો કલેઇમ જીઆઇડીસી દ્વારા એનસીએલટી કે ડીઆરટીમાં કરવાનો હોય છે, આ અંગેની સ્પષ્ટ નીતિનો ઉલ્લેખ જીઆઇડીસી દ્વારા વર્ષ ર૦ર૧માં તેનો તા. ર૦/૦૪/ર૦ર૧ના રોજ જાહેર કરેલ પરિપત્રમાં કરવામાં આવ્યો છે તેમ છતાં જીઆઇડીસી દ્વારા ઉપરોકત સમયે જૂની કંપનીના બાકી લેણાં નવા ખરીદદારો પાસે માંગવામાં આવે છે અને જ્યાં સુધી ન આપે ત્યાં સુધી લીઝ ટ્રાન્સફર થતી નથી. આવા કેસમાં મસમોટી ટ્રાન્સફર ફી લેવામાં આવે છે, આથી આવા કેસમાં માત્ર ટોકન ટ્રાન્સફર ફી માત્ર પ ટકા જ લેવાવી જોઇએ એવી નીતિ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આવા પ્રકારના વ્યવહારોમાં જીઆઇડીસી નવા પરચેઝર પાસે જૂની કંપનીના બાકી લેણાં માંગ્યા વગર ટ્રાન્સફર એનઓસી આપી દે તે અંગેનો પરિપત્ર બહાર પાડવા વિનંતી કરવામાં આવી હતી.
બાંધકામ ઉદ્યોગને સાનુકુળ પરિસ્થિતિમાં લાવવા અનુરોધ કરવામાં આવ્યો
બાંધકામ ઉદ્યોગની સાથે સંકળાયેલા બિલ્ડરોએ જમીનમાં રોકાણ કરી સરકારની પરવાનગી મેળવી બાંધકામ કરેલા છે, પરંતુ છેલ્લાં ઘણા વર્ષોથી (ર૦થી રપ વર્ષથી)સુરત જિલ્લાના ઘણા વિસ્તારોમાં ડ્રાફટ ટી.પી. સ્કીમ જાહેર થઇ છે, પરંતુ હજુ પણ તેને ફાઈનલ કરવામાં આવી નથી. આ જાહેર ટી.પી. સ્કીમોને ધ્યાને લઈને બાંધકામ ઉદ્યોગકારોએ મોટા પાયે રોકાણ કર્યું છે, આથી તેમના ઉદ્યોગ – ધંધાને ભારે નુકસાની થઇ રહી છે. આ સ્થિતિને ધ્યાને લઈ છેલ્લા ર૦થી રપ વર્ષથી જે કોઈ પણ ટી.પી સ્કીમ ડ્રાફટ, સ્થગિત કે પ્રાઇમરી લેવલ પર છે તેઓને ફાઈનલ મંજૂરી આપી બાંધકામ ઉદ્યોગને સાનુકુળ પરિસ્થિતીમાં લાવવા અનુરોધ કર્યો હતો. જો આમ કરવું શકય નહીં હોય તો ઓ.પી.માં એફ.પી. ફાળવી બાંધકામ પરવાનગી આપવા વિનંતી કરાઇ હતી.
દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારોમાં સોલાર પ્લાન્ટ સ્થપાય તે માટે અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને તેનો લાભ મળે તે માટે ટ્રાન્સમીશન ચાર્જ અને વિલીંગ ચાર્જ ઘટાડવા રજૂઆત
સોલાર પ્લાન્ટ સ્થાપવા માટે દક્ષિણ ગુજરાતમાં હવે જગ્યા રહી નથી, જેથી દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારોમાં તેવા પ્લાન્ટ સ્થપાય તે માટે અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને તેનો લાભ મળે તે માટે ટ્રાન્સમીશન ચાર્જ અને વિલીંગ ચાર્જ ઘટાડવા જોઇએ. હંગામી NA કરવાની નીતિ આવકારદાયક છે પણ તેમાં ૩૦ વર્ષના રૂપાંતરકરણ એકસાથે લઇ લેવાની વાત યોગ્ય નથી, તેને બે તબકકામાં લેવાવા જોઇએ. ભરૂચ જિલ્લામાં કેટલાક ગામોમાં જંત્રીના દર વાસ્તવિક દર કરતા વધારે છે, તેથી તેને વાસ્તવિક દરની નજીક લાવવા જોઇએ. લો ટેન્શન ધરાવતા ઉદ્યોગો સોલારનો ઉપયોગ કરી શકે તે માટે ટીવીએમની છુટ આપવી જોઇએ અને એબીટી મીટરનો આગ્રહ રાખવો જોઇએ નહીં. આદિવાસીઓ પોતાની જમીન સોલાર પ્લાન્ટ માટે ભાડે આપી શકે તે માટે તેના ફોર્મમાં તે અંગેનું પ્રોવિજન કરવું જોઇએ અને તે માટેની પરવાનગી આપવી જોઇએ.
ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની આગેવાનીમાં દક્ષિણ ગુજરાતના વિવિધ ઉદ્યોગ – ધંધાઓને નડતરરૂપ પ્રશ્નોને ખૂબ જ શાંતિથી સાંભળ્યા હતા. તેમણે સંબંધિત વિભાગોના મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓ સાથે મિટીંગમાં પ્રશ્નોના નિરાકરણ માટે ચર્ચા કરી હતી. ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગ – ધંધાઓના ડેવલપમેન્ટ માટે વિવિધ પ્રશ્નોના ઝડપી ઉકેલ લાવવામાં આવશે તેવી ખાત્રી મુખ્યમંત્રીશ્રીએ SGCCIના પ્રતિનિધિ મંડળને આપી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login