દેશમાં લોકસભા ચૂંટણી 2024 માં બીજા તબક્કાનું મતદાન પૂરું થતાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ અને સ્ટાર પ્રચારકો ગુજરાત પર મીટ માંડશે અને ગુજરાતની 26 પૈકી બાકી રહેલી 25 બેઠકો માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. લોકસભા ચૂંટણી સમગ્ર દેશમાં કુલ સાત તબક્કામાં યોજવાની છે.
ગુજરાતની 26 માંથી એક બેઠક તો ભાજપ પહેલેથી જીતી ચૂક્યું છે. સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થતાં તેમને વિજેતા ઘોષિત કરી દેવામાં આવ્યા છે. એટલે હવે ભાજપે ગુજરાતની 25 બેઠકો માટે જ મહેનત કરવાની છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલ કાર્યક્રમ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસના દિનથી જ ગુજરાતમાં પ્રચારનો પ્રારંભ કરે તેવું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી પહેલી અને બીજી મે ના રોજ ગુજરાતના મહેમાન બનશે અને બે દિવસમાં જ તેઓ છ જેટલી જાહેર સભાઓ ગજવશે. તેવું ભાજપ દ્વારા જાહેર કરાયેલ કાર્યક્રમ થકી જાણવા મળેલ છે. આ ઉપરાંત વડોદરામાં વડાપ્રધાન રોડ શો પણ કરી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના આ ગુજરાત પ્રવાસ દરમિયાન દક્ષિણ ગુજરાત સિવાયની કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની બેઠકો પર પોતાનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. દરેક સભામાં એ રીતે ગોઠવણ કરાય છે કે, આસપાસની ત્રણથી ચાર બેઠકો ને એક સાથે આવરી લેવાય.
ગુજરાતમાં ભાજપ એક સીટ તો જીતી ગયું છે. પરંતુ રૂપાલા સામે ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ભારતીય જનતા પાર્ટી માટે આણંદ, રાજકોટ, બનાસકાંઠા, વલસાડ, સુરેન્દ્રનગર, જામનગર જેવી બેઠકો પર પડકાર ઊભો થયો હોય તેવું લાગી રહ્યું છે. જોકે હજુ પણ ક્ષત્રિય સમાજના આંદોલનને થાળે પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ હજુ સુધી ભાજપને કોઈ સફળતા મળી હોય તેવા કોઈ સંકેત દેખાયા નથી.
ભાજપના બીજા મોટા નેતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ની વાત કરીએ તો તેઓ પણ 27 એપ્રિલ થી 29 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવશે. અમિત શાહ આ ત્રણ દિવસ દરમિયાન દાહોદ પંચમહાલમાં એક સભા યોજશે. તેમજ બારડોલી થી તેઓ પોતાનો પ્રચાર પ્રવાસ શરૂ કરી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ અમિત શાહ ની સભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે
ગુજરાતમાં ત્રીજા તબક્કામાં એટલે કે સાતમી મેના રોજ મતદાન થવાનું છે. તે પહેલા પાંચ તારીખના રોજ પ્રચાર પડઘમ શાંત થાય ત્યાં સુધીમાં ભાજપના નેતાઓ નાની મોટી સભાઓ બેઠકો યોજીને પોતાનો પ્રચાર કરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login