ADVERTISEMENTs

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી સુરતથી ‘જળસંચય જનભાગીદારી યોજના’નો શુભારંભ

વિકાસ મોડેલ તરીકે પ્રખ્યાત ગુજરાત આગામી દિવસોમાં જળસંચયમાં પણ દેશનું મોડેલ રાજ્ય બનશે, સમગ્ર રાજ્યમાં 24,800થી વધુ બોર રિચાર્જીંગના કામો હાથ ધરાશે.

સુરતથી ‘જળસંચય જનભાગીદારી યોજના’નો શુભારંભ / માહિતી વિભાગ, ગુજરાત

કેન્દ્રીય જલશક્તિ મંત્રાલય અને રાજ્ય સરકાર દ્વારા સુરતના ઈન્ડોર સ્ટેડિયમ ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ વરસાદના પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરીને ભૂગર્ભ જળ સ્તર ઉંચા લાવવાના હેતુ સાથે ‘જળસંચય જનભાગીદારી યોજના’નો વર્ચ્યુઅલ માધ્યમથી શુભારંભ કરાવતા જણાવ્યું કે, જળ સંરક્ષણ એ માત્ર નીતિ નથી, પણ સામાજિક નિષ્ઠાનો પણ મુદ્દો છે. આવનારી પેઢીઓ આપણા તરફ સન્માનની નજરે જુએ, આદર સાથે યાદ કરે એ માટે ભૂગર્ભમાં મહત્તમ જળસંચય થવું જરૂરી છે. જળસંચયની યોજના જળસ્રોતો અને પર્યાવરણના રક્ષણ માટે જ નહીં, ભાવિ પેઢીને સમૃદ્ધ જળવારસો આપવાનું માધ્યમ બનશે. એટલે જ સરકાર જળ સંરક્ષણ દ્વારા જળ સુરક્ષાને નવી તાકાત આપવા સંકલ્પબદ્ધ છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જલશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટિલ સહિત મંત્રીશ્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત સમારોહમાં વડાપ્રધાનશ્રીએ વધુમાં જણાવ્યું કે,  જન જન સુધી પાણી પહોંચાડવા માટે વર્ષોથી ગુજરાતમાં સાર્થક અને પરિણામલક્ષી પ્રયાસો થયા છે, જે સદર્ભે નર્મદા ડેમની પૂર્ણતા, સૌની યોજના, સુજલામ સુફલામ જળ અભિયાનનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનશ્રીએ આ પ્રકારના અનેકવિધ પ્રોજેક્ટ્સના કારણે ગુજરાત જળસંરક્ષણ અને જળવ્યવસ્થાપના ક્ષેત્રે દેશના અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ બન્યું છે એમ જણાવ્યું હતું. 

જાગૃત જનમાનસ, જનભાગીદારી અને જનઆંદોલન એ જળસંચય અભિયાનની સૌથી મોટી શક્તિ છે, ત્યારે દેશમાં જનભાગીદારીથી ૬૦ હજાર અમૃત્ત સરોવરોનું નિર્માણ થયું છે એમ જણાવતા વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં નિર્માણ પામેલા ૨૬૦૦ થી વધુ અમૃત્ત સરોવરો બદલ રાજ્યની જનતાની જલસંચયની કામગીરીમાં જનભાગીદારીને બિરદાવી હતી. જળસંચય જનભાગીદારી યોજનાનો મુખ્ય આશય ગુજરાતભરમાં ૨૪,૮૦૦ જળસંચય સ્ટ્રક્ચર ઉભા કરવાનો છે, જે સફળ બનશે એવો વિશ્વાસ વ્યક્ત કરી તેમણે પરંપરાગત જળસ્રોતોના નવીનીકરણની સાથે સાથે નવા જળસ્રોતોનું પણ નિર્માણ થાય એના પર ભાર મૂક્યો હતો. 

વડાપ્રધાનશ્રીએ રાષ્ટ્રને પાણીદાર બનાવવા, જળના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આપણે ‘રિડ્યુસ, રિયુઝ, રિચાર્જ અને રિસાયકલ’નો મંત્ર અપનાવવો જોઈએ એવો અનુરોધ કરતા આપણે સૌએ સાથે મળીને ભારતને સમગ્ર માનવજાત માટે જળ સંરક્ષણમાં સીમાચિહ્ન બનાવવા આગળ આવવા અપીલ કરી હતી. 

વડાપ્રધાનશ્રીએ દેશમાં અનેક વિશાળ નદીઓ હોવા છતાં ઘણા રાજ્યો, ભૌગોલિક પ્રદેશો પાણીથી વંચિત રહે છે, કાળક્રમે ભૂગર્ભ જળસ્તર પણ ઝડપી ગતિએ ઘટી રહ્યું છે તેમજ જળવાયુ પરિવર્તન સાથે પાણીની અછતની લોકોના જીવન પર ભારે અસર પડી છે, ત્યારે હવે સૌએ ખભે ખભા મિલાવી જળ સંરક્ષણને નૈતિક ફરજ સમજી જળસંચયને જીવનનો ભાગ બનાવવા જણાવ્યું હતું. 

વડાપ્રધાનશ્રીએ એમ પણ કહ્યું કે, ભારતીયો પાણીને પરમેશ્વર, નદીઓને માતા અને સરોવરોમાં દેવતાઓનો વાસ હોવાની અતૂટ આસ્થા ધરાવે છે. ગંગા, યમુના, નર્મદા, ગોદાવરી, કાવેરી, તાપી જેવી અને નદીઓ માતાના રૂપમાં પૂજનીય છે. તેમણે પ્રાચીન ગ્રંથોને ટાંકીને સમજાવ્યું કે, પાણીને બચાવવું અને પાણીનું દાન એ સેવાનું સર્વોચ્ચ સ્વરૂપ છે, કારણ કે માનવી સહિત તમામ જીવોના જીવનની શરૂઆત પાણીથી થાય છે અને આપણે સૌ આજીવન જળનિર્ભર રહીએ છીએ.

જળસંચય એ માત્ર એક પોલિસી જ નથી, પૂણ્યકાર્ય છે, જેમાં ઉદારતાની સાથે ઉત્તરદાયિત્વ પણ સામેલ છે એમ સ્પષ્ટપણે જણાવતા વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું કે, ભારતમાં લોકભાગીદારી અને જનઆંદોલન દ્વારા જળ સંરક્ષણ અને પ્રકૃતિ સંરક્ષણ માટે આ અનોખું અભિયાન ચાલી રહ્યું છે. અમારી સરકારે ‘હોલ ઓફ ગવર્નમેન્ટ, હોલ ઓફ સોસાયટી’- સમગ્ર સમાજ અને સમગ્ર સરકારના અભિગમ સાથે કામ કર્યું છે એમ જણાવી તેમણે ગુજરાત સરકાર અને કેન્દ્રના  જલશક્તિ મંત્રાલય સહિત જલસંચય પહેલમાં સહભાગી બનેલા તમામ સ્ટેકહોલ્ડર્સને શુભેચ્છાઓ પાઠવી હતી.

કેન્દ્ર સરકારે ટકાઉ ભવિષ્ય માટે જે ૯ ઠરાવો રજૂ કર્યા છે તેમાં જળ સંરક્ષણ એ પહેલો ઠરાવ છે. સંજોગોને કારણે ભૂગર્ભ જળસંગ્રહ તેમજ જળ વ્યવસ્થાપનનું આ કામ અમારી પાસે આવ્યું નથી, પરંતુ સરકારે પડકારજનક આ કાર્યને જવાબદારી સમજીને કેચ ધ રેઇન, અટલ ભૂજલ યોજના,નમામિ ગંગે જેવી યોજનાઓ-પહેલોથી જળસંચય-વ્યવસ્થાપનને વ્યાપક બનાવ્યું છે. જેના સારા પરિણામો મળી રહ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.  

જળ સંરક્ષણ, પ્રકૃતિ સંરક્ષણ એ ભારતની સાંસ્કૃતિક ચેતનાનો એક ભાગ છે એમ જણાવી વડાપ્રધાનશ્રીએ વૃક્ષો ભૂગર્ભ જળને ઊંચા લાવવામાં અતિ ઉપયોગી હોવાથી ‘એક પેડ માં કે નામ’ અભિયાન શરૂ કર્યું છે, વૃક્ષારોપણની આ ઝુંબેશમાં જોડાઈને દેશવાસીઓને આપણી જનેતા અને પ્રકૃતિમાતા પ્રત્યે વાત્સલ્ય પ્રગટ કરવાનું આહ્વાન કર્યું હતું. 

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ / માહિતી વિભાગ, ગુજરાત.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારે ભૂગર્ભ જળનું સુરક્ષિત ભવિષ્ય સુનિશ્ચિત કરવા નાગરિકો, સ્થાનિક સંસ્થાઓ, ઉદ્યોગોની સામૂહિક શક્તિથી ભાવિ પેઢીને જલસંરક્ષણથી સમૃદ્ધ જળવારસો આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. ‘જળસંચય જનભાગીદારી યોજના’ પર્યાવરણ સંરક્ષણ અને જળવ્યવસ્થાપન તરફ એક મહત્વપૂર્ણ પહેલ છે, જે ગુજરાતમાં જળ પુરવઠા, જળ વ્યવસ્થાપન અને જળસંચયની કામગીરી થકી દેશને દિશા ચીંધશે. 

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં ૨૪૭૫ લક્ષ્યની સામે ૨૬૪૯ અમૃત સરોવરો નિર્માણ કર્યા હોવાનું જણાવી ઉમેર્યું કે, વરસાદના પાણીનો સદુપયોગ કરવાની વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ખેત તલાવડી, ચેકડેમ, વોટર રીચાર્જીંગના ઉદ્દેશો સાથેના સુજલામ્-સુફલામ્ જળ અભિયાનના પરિણામે છેલ્લા સાત વર્ષમાં રાજ્યની જળસંગ્રહ ક્ષમતામાં ૧૧ હજાર લાખ ઘન ફૂટનો વધારો થયો છે. 

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાત હંમેશા સમયથી એક ડગલું આગળ વિચારે છે. આજે ભારત સમગ્ર વિશ્વની પાંચમી ઈકોનોમી બની ચૂકયો છે. ગુજરાતના વિકાસનો પાયો વડાપ્રધાનશ્રીએ જળશકિત, જનશકિત, ઉર્જાશકિત, જ્ઞાનશકિત અને રક્ષાશકિતના વિઝન સાથે નાખ્યો છે એમ ગર્વથી જણાવી તેમણે કહ્યું કે, ગુજરાત એ વિકાસનું રોલ મોડેલ બન્યું છે. દેશના પાંચ સેમિકંડકટર પ્લાન્ટના પૈકી ગુજરાતમાં જ ચાર પ્લાન્ટ  ગુજરાતમાં બની રહ્યા છે. ગુજરાતના કારણે ભારત હવે વડાપ્રધાનશ્રીના ફ્યુચરિસ્ટીક વિઝનને અનુરૂપ સેમિકંડક્ટર હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે. 

ઔદ્યોગિક અને આર્થિક વિકાસના પરિણામે મેન્યુફેકરીંગ, સર્વિસ અને એગ્રીકલ્ચર ત્રણેય ક્ષેત્રોમાં અગ્રેસર રાજય બન્યું છે. પર્યાવરણ સંરક્ષણ, જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગના પડકારોને પહોચી વળવા માટે મિશન લાઈફનો સંદેશો પણ આપ્યો છે. ‘એક પેડ મા કે નામ’ અભિયાન થકી ગ્રીન કવર બનાવીને ગ્રીનગોથ સાકાર કરવાની દિશા વડાપ્રધાને આપી છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. 

કુદરત તરફથી મળતા ભેટસ્વરૂપ વરસાદી પાણીનો યોગ્ય પદ્ધતિથી સંગ્રહ કરી તેને ભૂગર્ભમાં ઉતારી માવજત કરવામાં આવે તો જળસંકટનો પ્રશ્ન હલ કરી શકાય તેમ છે, જે સંદર્ભે વડોદરા દેશનો એક માત્ર એવો જિલ્લો છે, જેની તમામ શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ પ્લાન્ટ ઉપલબ્ધ છે એનો સહર્ષ ઉલ્લેખ કર્યો હતો.

પાણી વિના કોઈ રાજય કે રાષ્ટ્રનો વિકાસ શકય નથી, ત્યારે ગુજરાતે પહેલ કરી સમગ્ર રાજ્યમાં ૨૪૮૦૦ જેટલા વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચર બનાવીને ‘વરસાદી જળના સંગ્રહ, જળ સંસાધનોના સંરક્ષણ અને સ્થાનિક જળની જરૂરિયાતોને પૂર્ણ કરવાનો ‘જળ સંચય, જનભાગીદારી' યોજનાનો મુખ્ય ઉદ્દેશ હોવાનું તેમણે જણાવ્યું હતું. સુરત સહિતના દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, વલસાડ અને નવસારી જિલ્લાઓએ ૧૦,૦૦૦ જેટલા બોરવેલ રિચાર્જના કાર્ય પુર્ણ કરવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા.  

કેન્દ્રીય જલશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટિલ / માહિતી વિભાગ, ગુજરાત.

આ પ્રસંગે કેન્દ્રીય જલશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટિલે જણાવ્યું કે, પાણીની વૈશ્વિક સમસ્યા નિવારવા 'જળસંચય જનભાગીદારી અભિયાન' એક નવી રાહ ચીંધશે. ગુજરાત વિકાસ મોડેલ તરીકે પ્રખ્યાત છે, ત્યારે આગામી દિવસોમાં જળ સંચયમાં પણ દેશનું મોડેલ બનશે. જળસંચય અભિયાન હેઠળ બોર રિચાર્જ, કુવા રિચાર્જ અને રિચાર્જ પીટ હેઠળના રેઈન વોટર હાર્વેસ્ટિંગના ૨૪૮૦૦થી કામો હાથ ધરાશે.

કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું કે, ૧૦૦ એમ એમ વરસાદ પડે તો પણ ૧૪/૪૫ ના મકાન દ્વારા એક લાખ લીટર પાણી ભૂગર્ભમાં ઉતારી શકાય છે. દરેક પદાધિકારીઓને પોતાના ઘરથી જળસંચયના અભિયાનની શરૂઆત કરવાની અપીલ મંત્રીએ કરી હતી. 

મંત્રીશ્રીએ જળસંચય અભિયાન હેઠળ પાણીરૂપી પારસમણિને સંગ્રહ કરવાની યોજનાનો પ્રારંભ સુરત જિલ્લામાંથી થઇ રહ્યો છે, જે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં મોટુ જનઅભિયાન બનશે એમ જણાવી 'જળસંચય અને જનભાગીદારી' હેઠળ જિલ્લાના બિનઉપયોગી અને બંધ ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરી ફરી તે જ પાણીનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. આ કાર્યમાં સુમુલ ડેરી પણ ૧૨૦૦ બોર રિચાર્જ કરીને અભિયાનમાં જોડાશે. આ ઉપરાંત કડોદરાની ઈન્ડસ્ટ્રીઝ પણ મોટી સંખ્યામાં રિચાર્જિગના કાર્યમાં જોડાશે તેનો પણ મંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો હતો.

વિકસિત ભારતના નિર્માણમાં પાણીની સમસ્યા બાધારૂપ નહીં બને એવો વિશ્વાસ આપણે સૌએ જળ સંચય યોજનાને દેશભરમાં લાગુ કરીને તેમજ ગામે ગામ જળ સંગ્રહના કાર્યો સામૂહિક રૂપમાં ઉપાડી ને અપાવવાનો છે એમ જણાવી શ્રી પાટીલે ઉમેર્યું કે, ‘જનશક્તિથી જળશક્તિ’ ને સફળ બનાવવા સંકલ્પ લઈએ. સામૂહિક કામગીરીથી ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવીશું તો આવનારી પેઢીના આપણે ઋણી બનીશું.

- / માહિતી વિભાગ, ગુજરાત.

મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલે સુરત શહેર માં મનપા દ્વારા થઈ રહેલી વોટર રિચાર્જ કામગીરી, જળ સંચયના પ્રકલ્પો અને ભાવિ આયોજન વિષે સ્વાગત પ્રવચનમાં વિગતો આપી હતી. તેમણે કહ્યું કે, સુરતએ મિની ભારત છે. સુરતે ૨૦૪૭માં પાણીની જરૂરીયાતને અનુલક્ષીને વોટર મેનેજમેન્ટનું આયોજન કર્યું છે. મહાનગરપાલિકા ગંદા પાણીને રિયુઝ કરીને વર્ષ દહાડે ૧૪૦ કરોડની આવક મેળવે છે. આગામી સમયમાં વધુ પાણીને રીયુઝ કરીને આવક મેળવશે. ભૂગર્ભ જળનું સ્તર ઉંચુ આવે તે હેતુથી શહેરના શહેરીજનોને પ્રોત્સાહિત કરી રાજય સરકારની જન સંચય જનભાગીદારી યોજના હેઠળ સુરત મનપા વિસ્તારની ખાનગી સોસાયટીઓમાં ગ્રાઉન્ડ વોટર  રિચાર્જ  સિસ્ટમ ઉભી કરાશે. જળસંચય અભિયાન હેઠળ મહાનગરપાલિકાએ બ્રિજો પર પડતા વરસાદી પાણીને પણ ભુગર્ભમાં ઉતરાવા માટેનું આયોજન કર્યું હોવાનું ઉમેર્યું હતું. 

નેશનલ વોટર મિશનના એડિશનલ સેક્રેટરી અને મિશન ડિરેક્ટર અર્ચના વર્માએ આભારવિધિ કરતા જણાવ્યું હતું કે, 'જળ સંચય જન ભાગીદારી અંતર્ગત 'કેચ ધ રેન - વેર ઈટ ફોલ્સ વેન ઈટ ફોલ્સ' સૂત્ર જળસંચય માટે નવી ઊર્જા પ્રદાન કરે છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય જલશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટિલના હસ્તે કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયની NAQUIM યોજના હેઠળ ગુજરાતમાં ડિજિટલ વોટર લેવલ રેકોર્ડરની સાથે પીઝો મીટર અને સંશોધનાત્મક કૂવાઓના બાંધકામ કાર્યનો ઈ-શુભારંભ કરાવ્યો હતો.

આ વેળાએ જળશક્તિ મંત્રાલયની NAQUIM યોજના તેમજ વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૪ સુધીની કેચ ધ રેઈન કેમ્પેઇનની બે લઘુ વિડીઓ ફિલ્મો નું નિદર્શન કરાયું હતું. 

વિશેષમાં, સમગ્ર ભારતના ૭૦૦ જેટલા જિલ્લાઓના કલેકટરશ્રીઓ વર્ચ્યુલી આ કાર્યક્રમમાં જોડાયા હતા.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related