ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન 25-26 જાન્યુઆરીના રોજ 2 દિવસની સરકારી મુલાકાતે ભારત આવ્યા હતા.
આ સમયગાળા દરમિયાન ભારત અને ફ્રાન્સ વચ્ચે ઘણા કરારો થયા હતા. પીએમ મોદી અને મેક્રોન બંને દેશોમાં સંરક્ષણ ઔદ્યોગિક ક્ષેત્રમાં ભાગીદારી વધારવા સંમત થયા હતા. આ માટે રોડમેપ પણ તૈયાર કરવામાં આવ્યો હતો. બંને નેતાઓએ ભારતમાં સ્કોર્પિન-ક્લાસ સબમરીન અને એના પાર્ટ્સનાં ઉત્પાદન માટેના કરારને આવકાર્યો હતો.
તેમણે આ પ્રોજેક્ટની પ્રગતિનું પણ નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત ભારતમાં રાફેલ ફાઇટર જેટ એન્જિનના જાળવણી, સમારકામ અને સંચાલન માટે સુવિધા ઊભી કરવા માટે સેફ્રાન કંપની દ્વારા કરાયેલા કરારને પણ આવકારવામાં આવ્યો હતો. આ સિવાય સેફ્રાન કંપની IMRH હેલિકોપ્ટર એન્જિન બનાવવા માટે ભારતના હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે સંયુક્ત સાહસ બનાવશે.
આ પછી આ એન્જિનનું ઉત્પાદન ભારતમાં જ થઈ શકશે. સંરક્ષણ સંશોધનમાં ભાગીદારી અંગે ફ્રાન્સના ડાયરેક્ટર જનરલ ઓફ આર્મમેન્ટ (DCA) તથા ભારતના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) વચ્ચે પણ વાતચીત ચાલી રહી છે. બંને સંસ્થા ટૂંક સમયમાં આ અંગે એમઓયુ પર હસ્તાક્ષર કરશે.
ભારત અને ફ્રાન્સ વચ્ચે સંરક્ષણક્ષેત્રમાં થયેલા કરારોને આત્મનિર્ભર ભારત મિશન માટે મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે. ભારતીય દળોને સ્વતંત્ર બનાવવા માટે પણ આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આ ઉપરાંત ભારત-ફ્રાંસે 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યાંકના સંદર્ભમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને ડિજિટલ વિકાસમાં ભાગીદારી અંગે પણ ચર્ચા કરી હતી.
ટાટા ગ્રુપ અને ફ્રેન્ચ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ કંપની એરબસ વચ્ચે એક મહત્ત્વપૂર્ણ કરાર પણ થયો હતો. આ અંતર્ગત બંને કંપનીઓ મળીને ભારતમાં H125 સિંગલ એન્જિન હેલિકોપ્ટર બનાવશે. આ હેલિકોપ્ટર કોમર્શિયલ ઉપયોગ માટે બનાવવામાં આવશે. ટાટા ગ્રુપની ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ કંપની (TASL) આ હેલિકોપ્ટર માટે એસેમ્બ્લી લાઇનનું સંચાલન કરશે.
આ હેલિકોપ્ટરનું ઉત્પાદન ગુજરાતના વડોદરામાં થશે. ટાટા અને એરબસ પહેલેથી જ સંયુક્ત રીતે અહીં 40 C295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું ઉત્પાદન કરી રહ્યાં છે. આ સિંગલ એન્જિન H130 હેલિકોપ્ટરનો ઉપયોગ મેડિકલ એરલિફ્ટ, સર્વેલન્સ મિશન, VIP ડ્યૂટી અને જોવાલાયક સ્થળોની સેવાઓ માટે કરવામાં આવશે.
ગયા વર્ષની શરૂઆતમાં પીએમ મોદીની ફ્રાંસની મુલાકાત દરમિયાન મેક ઇન ઇન્ડિયા હેઠળ મઝગાંવ ડોકયાર્ડ્સ લિમિટેડ એટલે કે MDL ખાતે 3 વધુ સ્કોર્પિન (કલવારી) વર્ગની એટેક સબમરીન બનાવવા માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
2005માં ભારતે 3.75 બિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. 28.6 હજાર કરોડમાં સ્કોર્પિન-ક્લાસ સબમરીન બનાવવા માટે ફ્રાંસના નેવલ ગ્રુપ સાથે કરાર કર્યો હતો. આ સબમરીન દેશમાં જાહેર ક્ષેત્રની કંપની મઝગાંવ ડોકયાર્ડ્સ લિમિટેડ દ્વારા ફ્રાન્સ સાથે મળીને બનાવવામાં આવી છે.
મેક્રોને પીએમ મોદીને ભારત-મધ્ય પૂર્વ કોરિડોર લોન્ચ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા
આ સિવાય બંને નેતાઓએ વૈશ્વિક હિત સાથે જોડાયેલા અનેક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિ મેક્રોને સપ્ટેમ્બર 2023માં દિલ્હીમાં G20 સમિટની સાથે સાથે ભારત-મધ્ય-પૂર્વ-યુરોપ કોરિડોર (IMEC)ના પ્રારંભ પર PM મોદીને અભિનંદન આપ્યા હતા. પીએમ મોદીએ આ પ્રોજેક્ટ માટે ફ્રેન્ચ રાજદ્વારીની નિમણૂકનું સ્વાગત કર્યું.
દ્વિપક્ષીય બેઠક દરમિયાન મોદી-મેક્રોને 7 ઓક્ટોબરે ઈઝરાયલ પર હમાસના હુમલાની નિંદા કરી હતી. બંને નેતા એ વાત પર પણ સહમત થયા કે યુદ્ધના કારણે ગાઝામાં રહેતા નાગરિકોને નુકસાન થઈ રહ્યું છે. તેમણે આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું સન્માન કરવા અને ગાઝાના લોકોને સહાય પહોંચાડવા માટે યુદ્ધવિરામની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
આ સિવાય ઈઝરાયલ-હમાસ યુદ્ધને કારણે લાલ સમુદ્રમાં વધી રહેલા તણાવ પર પણ ચર્ચા થઈ હતી. બંને નેતા સહમત થયા કે દરિયાઈ વેપાર માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
બંને દેશો આ ક્ષેત્રમાં શાંતિ માટે સાથે મળીને કામ કરવા સંમત થયા હતા. આ સિવાય તેમણે યુક્રેનમાં લગભગ બે વર્ષથી ચાલી રહેલા યુદ્ધ અને તેના કારણે થઈ રહેલા માનવ નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. યુએન ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ હેઠળ યુક્રેનમાં શાંતિ સ્થાપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login