સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અમરોલીની સ્નેહરશ્મિ શાળા ક્રમાંક: ૨૮૫ ના આચાર્ય સંજય પટેલને રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આચાર્ય સંજય પટેલ શિક્ષક તરીકેની ફરજ દરમિયાન શિક્ષણ વિભાગને જાણ કર્યા વગર બિનઅધિકૃત રીતે વેપાર અર્થે ૩૩ વખત દુબઈ પ્રવાસે ગયા હતા.
રાજ્ય સરકારે આચાર્ય સંજય પટેલ વિરુદ્ધ લીધેલા ત્વરિત પગલા સંદર્ભે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, આજે સુરત તેમજ અન્ય જિલ્લાના શિક્ષકો 3 મહિના કે 6 મહિનાથી વધુમાં વધુ રજા પર રહી વિદેશમાં કે અન્ય જગ્યાએ બિઝનેસ અથવા નોકરી કરી રહ્યા હોય એવા બે શિક્ષકો છે. અમરોલીની શાળાના આચાર્ય સંજય પટેલ પોતાની ફરજની સાથે દુબઈમાં વ્યાપાર કરતા હોઈ, આ શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની સૂચના આપી છે. આચાર્ય સંજય પટેલ UAE ના રેસિડન્સ વિઝા ધરાવે છે અને દુબઈમાં બિઝનેસ કરતો હોવાથી અવારનવાર માંદગીના બહાને કે અન્ય સત્તાનો દુરુપયોગ કરી દુબઈ પ્રવાસ કરે છે.
રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયએ કહ્યું કે, રાજ્યના લાખો શિક્ષકો કર્તવ્યનિષ્ઠાથી પોતાની ફરજ નિભાવી રહ્યા છે, ત્યારે આખા સુરતમાં બિનઅધિકૃત રજા પર હોય એવા માત્ર ૨ શિક્ષકોની વિગતો મળી છે.પોતાને મળેલ છૂટનો દુરુપયોગ કરી કાયદાની છટકબારી કરનાર આ શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગ પ્રતિબદ્ધ છે. સરકારી ફરજ સાથે વ્યાપાર કે અન્ય ધંધાકીય પ્રવૃત્તિ કરવી એ બાળકોના ભાવિ સાથે ગંભીર ચેડા છે. જે બાળકોના શિક્ષણ અને ભવિષ્ય પર માઠી અસર કરે છે. પોતાના સ્વાર્થ માટે બાળકોના ભવિષ્ય પર છેડા કરનારા શિક્ષકોને માફ નહિ કરી શકાય. આ શિક્ષકો પર શિક્ષાત્મક પગલાં લેવાની અને રજા પગાર મેળવ્યો હોય તો એ પણ પરત લેવાની સૂચના આપી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
બેદરકારી દાખવી બાળકોના ભાવિ સાથે ચેડા કરતા શિક્ષકોની મનમાની સામે રાજ્ય સરકાર ગંભીર હોવાનું જણાવી શિક્ષણ રાજ્ય મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, માન. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભૂતિયા શિક્ષકો મુદ્દે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. જેટલા પણ શિક્ષકો પોતાની ફરજ પર હાજર રહ્યા નથી અને વિદેશમાં જતા રહ્યા છે તેમની સામે કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષ દરમિયાન આવા શિક્ષકોને શોધી કાઢવાના અભિયાનમાં બિનઅધિકૃત રીતે વિદેશ ગયા હોય ૬૦ જેટલા શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે.
ગેરહાજર રહેનારા એક પણ શિક્ષકને સરકાર પગાર નથી ચૂકવતી, ત્યારે હકનો દુરૂપયોગ અટકે તે માટેની છટકબારીમાં શું સુધારો થઇ શકે તે માટે સરકાર એક્શન મોડમાં છે એમ જણાવી રાજ્ય સરકાર શિક્ષણમાં કોઈપણ ગેરરીતિ કે લાલિયાવાડી ચલાવવામાં માંગતી નથી. રાજ્યના કોઈ પણ જિલ્લામાં જે શિક્ષક બિનઅધિકૃત કે વિદેશ ગયા હોય તમામ પ્રકારની માહિતી જિલ્લા શિક્ષણાધિકારીઓ પાસેથી મંગાવી છે. અને આ પ્રકારની વ્યાપારિક માનસિકતા ધરાવતા શિક્ષકોને વહેલામાં વહેલી તકે કાયદાકીય રીતે શિક્ષા કરવામાં આવશે એમ રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login