ADVERTISEMENTs

મહિલાઓ માટે ખાસ ‘નાની બચતથી મોટી બચત’ વિષય પર સેમિનાર.

વિશ્વમાં પુરૂષો કરતા મહિલાઓનું આયુષ્ય વધુ હોવાથી તેઓએ રિટાયરમેન્ટ પછીના ૩૦ થી ૪૦ વર્ષ ઉપયોગી રહી શકે તેવું સેવિંગ્સ કરવાની જરૂર છેઃ વેલ્થ મેનેજર અભિષેક શાહ

‘નાની બચતથી મોટી બચત’ વિષય પર સેમિનાર / SGCCI

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની લેડિઝ વિંગ દ્વારા બુધવાર, તા. ૧૪ ઓગષ્ટ ૨૦૨૪ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે, સેમિનાર હોલ-એ, સરસાણા, સુરત ખાતે ‘નાની બચતથી મોટી બચત’ વિષય પર સેમિનાર યોજાયો હતો. જેમાં એક્ઝાનોન ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટના પાર્ટનર અને વેલ્થ મેનેજર શ્રી અભિષેક શાહે મહિલાઓને નાની બચતના ફાયદાઓ વિશે માહિતગાર કર્યા હતા.    

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘આજનો સમય સુધારાની જાગૃતિનો છે. નાની બચતથી મોટી બચત એ ખ્યાલ ઉદ્યોગ જગતમાં પણ મહત્વપૂર્ણ છે. બધી સફળતાની પાછળ બચત માટેની શિસ્ત અને સંયમ હોય છે. કારોબારમાં નાના ખર્ચાઓને નિયંત્રિત કરવાથી આપણે એક મોટી બચત પ્રાપ્ત કરી શકીએ છીએ. નિયમિત રીતે પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને ઓપરેશનલ બાબતો પર ધ્યાન આપવાથી, બિઝનેસમાં દરેક તબક્કે બચત કરી શકાય છે, જે લાંબા ગાળે બિઝનેસમાં મોટી સફળતા અને વિકાસ લાવી શકે છે.’  

લેડિઝ વિંગના ચેરપર્સન શ્રીમતી ગીતાબેન વઘાસિયાએ કાર્યક્રમનો હેતુ જણાવી, રૂપરેખા આપી  હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘નાની બચતથી મોટી બચત, એ વિચાર કરવાથી આપણને હંમેશા ભવિષ્ય માટે તૈયાર રહેવા મદદરૂપ થાય છે. સામાન્ય રીતે આપણને ખૂબ મોટું લક્ષ્ય મૂકવાની જરૂર નથી. રોજના જીવનમાં થોડી થોડી નાની બચત કરીએ તો એ પણ બહેતર પરિણામ આપશે અને આપણને સમૃદ્ધ બનાવશે.’

યુએસએથી સીએફપી એન્ડ સીએફજીપીની ડિગ્રી પ્રાપ્ત કરનાર શ્રી અભિષેક શાહે નાની બચતના ફાયદા જણાવતા કહ્યું હતું કે, ‘ગત ૧૫-૨૦ વર્ષથી ભારત બદલાઈ રહ્યું છે, ત્યારે આપણે બચતની પદ્ઘતિ પણ બદલવી પડશે. દેશ જે ગતિથી પ્રગતિ કરે છે, એ ગતિથી આપણે ફાયનાન્સ ગ્રોથ કરવો જોઈએ, જેથી ભવિષ્યમાં ફાયનાન્સિયલ ક્રાઈસીસથી બચી શકાય. વિશ્વમાં પુરૂષો કરતાં મહિલાઓનું આયુષ્ય વધુ હોવાથી તેઓએ રિટાયરમેન્ટ પછીના ૩૦ થી ૪૦ વર્ષ ઉપયોગી રહી શકે તેવું સેવિંગ્સ કરવાની જરૂર છે.’ 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘બાળકોને બાળપણથી જ સેવિંગ્સના ફાયદા અને ફાયનાન્સ વિશે સમજણ આપવી જોઈએ. ઈન્વેસ્ટમેન્ટ અને સેવિંગ્સ વચ્ચે પાવર ઓફ કમ્પાઉન્ડીંગનો તફાવત છે. શોર્ટ ટર્મ નાણાંના રોકાણ માટે એફ.ડી.ની પસંદગી કરવી, જ્યારે લોંગ ટર્મ નાણાંના રોકાણ માટે મ્યુચ્યુઅલ અને ઈક્વિટીઝ ફંડમાં રોકાણ કરવું યોગ્ય છે. ફિઝીકલ ગોલ્ડ કરતા સોવેરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરતા વધુ વ્યાજ મેળવી શકાય છે. આવી રીતે જીવનમાં નાની-નાની બચત કરવાની ટેવ પાડીને મોટી મિલકતનું સર્જન કરી શકાય છે.’

ખાસ કરીને ભારતીય સમાજમાં ગૃહિણીઓ એટલે કે બહેનો સૌથી શ્રેષ્ઠ નાણાંકીય કુશળકાર ગણાય છે. એટલે મહિલાઓએ કાળજી લઈ બચત કરવાની આદત કેળવવી જોઈએ અને આવી રીતે કરેલી બચતને સલામત અને યોગ્ય વળતરદાયી સાધનોમાં રોકાણ કરી મહત્તમ લાભ મેળવવો જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું. 

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related