ADVERTISEMENTs

?> Sponsored Ad

‘કાર્બન ફૂટપ્રિન્ટ એસેસમેન્ટ’વિષે ઉદ્યોગકારોને નેટ ઝીરો એમિશન અને કાર્બન ન્યુટ્રાલિટી વિશે માહિતગાર કરાયા.

વર્ષ ર૦પ૦થી પહેલા જ ગ્લોબલ ટેમ્પરેચર ૧.પ ડિગ્રી સેન્ટીગ્રેડ્‌સ સુધી પહોંચશે, આથી ઉદ્યોગો અને નાગરિકોએ કાર્બન ઉત્સર્જનને ઘટાડવા સરકારની સાથે મળીને કાર્યો કરવા પડશે : શ્રી ગોવિંદ પટેલ

‘કાર્બન ફૂટપ્રિન્ટ એસેસમેન્ટ’વિષય પર સેમિનાર યોજાયો હતો. / SGCCI

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને કેલિફોર્નિયાની ધી યુનિવર્સિટી ઓફ સાન ડીયેગોના સંયુકત ઉપક્રમે સરસાણા, સુરત ખાતે ‘કાર્બન ફૂટપ્રિન્ટ એસેસમેન્ટ’વિષય પર સેમિનાર યોજાયો હતો, જેમાં સર્ટિફાઇડ એનર્જી ઓડિટર એન્જીનિયર શ્રી ગોવિંદ પટેલે ઉદ્યોગ સાહસિકો અને પ્રોફેશનલ્સને નેટ ઝીરો એમિશન અને કાર્બન ન્યુટ્રાલિટી માટે માર્ગદર્શન આપ્યું હતું.

SGCCIના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ સેમિનારમાં સર્વેને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કાર્બન ઉત્સર્જનમાં ઉર્જા ક્ષેત્ર સૌથી વધુ એટલે કે ૭૦ ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે પરિવહનને કારણે ૧પ ટકા, ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં સિમેન્ટ ઉત્પાદન અને સ્ટીલ ઉત્પાદન સહિત પ્રક્રિયાઓમાં લગભગ ૧૦ ટકા અને કૃષિમાં ચોખાની ખેતી અને પશુપાલન જેવી પદ્ધતિઓ દ્વારા લગભગ પ ટકા કાર્બન ઉત્સર્જનનો સમાવેશ થાય છે. કાર્બન ઉત્સર્જનથી વાયુ પ્રદૂષણની સૌથી ગંભીર અસર માનવીય જીવન પર પડી રહી છે અને તેને કારણે આશરે ૧.૧ મિલિયન લોકોના અકાળે મોત થઇ રહયા છે. જો કે, આ ગંભીર પરિસ્થિતિને અટકાવવા માટે સરકાર દ્વારા નીતિઓ બનાવવામાં આવી રહી છે અને વિવિધ પહેલ પણ કરવામાં આવી રહી છે. 

ક્લાઈમેટ ચેન્જ પર નેશનલ એકશન પ્લાન અને પેરિસ કરાર પ્રતિબદ્ધતામાં ભારતે વર્ષ ર૦૩૦ સુધીમાં કાર્બન ઉત્સર્જનની તીવ્રતાને ૩૦થી ૩પ ટકા ઘટાડવાનું અને સોલાર એનર્જી જેવા સ્ત્રોતોમાંથી તેની પ૦ ટકા ઊર્જાની જરૂરિયાતો પ્રાપ્ત કરવાનું વચન આપ્યું છે. કાર્બન ઉત્સર્જનને રોકવા માટે ઉર્જા ક્ષેત્રે ભારત હવે અદ્યતન ટેકનોલોજી અપનાવી રહયું છે. સૌર ઉર્જા ક્ષમતામાં ભારત હવે વિશ્વના ટોચના પ દેશોમાં સ્થાન ધરાવે છે. બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સીનો અંદાજ છે કે ઊર્જા કાર્યક્ષમતાના આવા પગલાને અમલમાં મૂકવાથી કાર્બન ઉત્સર્જનમાં ૧પથી ર૦ ટકા ઘટાડો થઈ શકે છે.

સર્ટિફાઇડ એનર્જી ઓડિટર એન્જીનિયર શ્રી ગોવિંદ પટેલ / SGCCI

વકતા શ્રી ગોવિંદ પટેલે ઉદ્યોગકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં ગ્લોબલ ટેમ્પરેચર ૧.૧ ડિગ્રી ક્રોસ થઈ ગયું છે, જેના પરિણામે તાપમાનમાં સતત વૃદ્ધિ થઇ રહી છે. પૃથ્વી સપાટી પર ગ્લેશિયર પીગળીને સમુદ્રના જળસ્તરમાં વધારો થઇ રહયો છે. ક્લાઈમેન્ટ ચેન્જને કારણે ફૂડ ચેઈન પર, વોટર કવોલિટી પર, વ્યક્તિના સ્વાસ્થ્ય પર અને તેની કાર્યક્ષમતા પર અસર થઈ રહી છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, વર્ષ ર૦પ૦થી પહેલા જ ગ્લોબલ ટેમ્પરેચર ૧.પ ડિગ્રી સેન્ટીગ્રેડ્‌સ સુધી પહોંચી જશે, આથી તે દિશામાં સરકારની સાથે ઉદ્યોગો અને નાગરિકોએ સાથે મળીને કાર્યો કરવાના છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત સરકારના પંચામૃત એકશન પ્લાન હેઠળ ભારત તેના ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના લક્ષ્યાંકો હાંસલ કરવા માટે તૈયાર છે. તેમના લક્ષ્યાંકો અનુસાર, વર્ષ ર૦૩૦ સુધીમાં સોલાર એનર્જી જેવા સ્ત્રોતોમાંથી પ૦૦ ગીગાવોટની ઊર્જા ક્ષમતા સુધી પહોંચવાનું છે. રિન્યુએબલ એનર્જી દ્વારા ભારતની ઓછામાં ઓછી અડધી ઉર્જાની જરૂરિયાતો પૂર્ણ કરવાની છે. વર્ષ ર૦૩૦ સુધીમાં કાર્બન ઉત્સર્જનમાં ૧ બિલિયન ટનનો ઘટાડો કરવાનો છે.

શ્રી પટેલે જણાવ્યું હતું કે, વર્ષ ર૦૩૦ સુધીમાં ૪પ ટકાથી નીચે કાર્બનની તીવ્રતા ઘટાડવી છે અને વર્ષ ર૦૭૦ સુધીમાં નેટ–ઝીરો ઉત્સર્જન લક્ષ્યને હાંસલ કરવાનો છે. જો કે, આ લક્ષ્યાંક ત્યારે જ હાંસલ કરી શકાશે જ્યારે તમામ ઉદ્યોગો દ્વારા કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાની દિશામાં પ્રયાસો કરાશે. વધુમાં તેમણે નેટ ઝીરો એમિશન અને કાર્બન ન્યુટ્રાલિટી વિશે ઉદ્યોગકારોને વિસ્તૃત માહિતી આપી હતી.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related