અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોને લઈને અમેરિકન વિમાન અમૃતસર એરપોર્ટ પહોંચ્યું હતું. જેમાં શામેલ 33 ગુજરાતી અમૃતસર ખાતે ઈમિગ્રેશન ક્લિયરન્સ અને વેરિફિકેશનની તમામ જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરી આજે ગુરુવારે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટની બહાર નીકળતા કોઈ રડતાં રડતાં તો કોઈ મોં છુપાવતાં આવ્યા હતા. પોલીસ પ્રોટેક્શનમાં તમામને એરપોર્ટથી જે-તે જિલ્લાના પોલીસનાં વાહનમાં જ વતન લઈ જવાયા.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા અમેરિકાથી પરત મોકલવામાં આવેલા નાગરિકો અંગેની ઘટનાને ગંભીરતાથી લઈને ડિપોટ કરાયેલા ગુજરાતના નાગરિકોની સુરક્ષા અને જરૂરી સંકલન માટે સિનિયર અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જે અનુસંધાને ગુજરાતના તમામ ૩૩ નાગરિકોને અમદાવાદ એરપોર્ટથી પોલીસ મદદ આપી સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવામાં આવ્યા હતા.
રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે આ તમામ ૩૩ નાગરિકોને ઘર સુધી સલામત રીતે પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશન સહિતની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ૩૩ નાગરિકોના રહેણાક વિસ્તારની વિગતોના આધારે, સંબંધિત જિલ્લાની પોલીસ દ્વારા એક નોડલ અધિકારીની નિમણુક કરવામાં આવી, જેમના માર્ગદર્શન હેઠળ તમામ નાગરિકોને સરકારી વાહન દ્વારા સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા.
અમેરિકાથી ડિપોર્ટ થયેલ આ ગુજરાતી નાગરિકોમાં મહેસાણાના ચંદ્રનગર દાભળા ગામની કનુભાઈ પટેલની એક દીકરીનો પણ શમાવેશ થાય છે. કનુભાઈ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે એક મહિના પહેલા તેમની દીકરી મિત્રો સાથે યુરોપના પ્રવાસે ફરવા જવાનું કહીને ગઈ હતી. ત્યારબાદ મને નથી ખબર તે કે યુરોપથી અમેરિકા કેવી પહોંચી. અમારી તેની સાથે છેલ્લી વાત 14 જાન્યુઆરી 2025ના રોજ થઈ હતી. ત્યારબાદ ડિપોર્ટ કરાયેલ લોકોનું લિસ્ટ જોયું ત્યારે ખબર પડી કે અમારી દીકરી અમેરિકા ગઈ હતી.
પાટણના મણુંદ ગામના વતની અને સુરત થી 6 મહિના પહેલા અમેરિકા ગયેલા કેતૂલ પટેલ નો પરિવાર આજે અમેરિકા થી SOG પોલીસ મણુંદ ગામ મૂકી ને ગઈ હતી ત્યારે ગ્રામજનો એ જણાવ્યું હતું કે પરિવાર આવી ગયો છે અને ગભરાઈ ગયો છે એટલે મીડિયા સામે આવશે નહીં. કેતુલભાઈ મૂળ મહેસાણાના વતની પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ડાયમંડના વેપારને કારણે સુરત સ્થાયી થયા હતા. સુરતમાં તેઓ પરિવાર સાથે રહેતા હતા. ગત ફેબ્રુઆરી 2024માં તેઓ પોતાનું સુરતનું ઘર વેચીને પત્ની અને સાથે વિદેશ સ્થાયી થવા ગયા હતા. અહીં કેતુલભાઈએ તેમના પરિવાર અને મિત્રોને પણ નહોતું જણાવ્યું કે તેઓ વિદેશમાં ક્યાં અને કેવી જઈ રહ્યા છે.સુરત થી તેઓ ઘર વેચીને પરિવાર સાથે ગયા બાદ કોઈના સંપર્કમાં ન હતા. મહેસાણામાં રહેતા તેમના માતાપિતાએ પણ વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે કેતૂલ ગયા બાદ અમારી સાથે કોઈ સંપર્ક કર્યો નથી. આ તો સમાચાર આવ્યા અને તેમાં આવેલ લિસ્ટમાં અમારા દીકરાનું નામ આવતા અમને ખબર પડી કે તે અમેરિકા ગયો હતો. કેતૂલભાઈના માતાપિતાને એ વાત ની ખુશી છે કે તેમનો દીકરો અને પરિવાર સહીસલામત પાછા આવી રહ્યા છે. ભલે તેમને અમેરિકા માંથી કાઢી મુકવામાં આવ્યા હોય પરંતુ દીકરો ઘરે પરત આવવાની ખુશી માતાપિતાના ચહેરા પર જોવા મળી હતી.
પરત ફરેલા ગુજરાતીઓમાં વડોદરાના લુણા ગામની એક યુવતી ખુશ્બુ પટેલ પણ પરત આવી છે. જે અંગે યુવતીના ભાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખુશ્બુ યુરોપ થઈને એક મહિના પહેલા જ અમેરિકા ગઈ હતી.અમને ફક્ત એટલું જ જાણવા મળ્યું હતું કે ખુશ્બૂને પરત ભારત મોકલવામાં આવી છે. મારી બહેન સહિત જે લોકોને અમેરિકાથી અમૃતસર લાવવામાં આવ્યા ત્યારે પ્લેનમાં હાથકડી પહેરાવી કેદી જેવો વ્યવહાર કરાયો. અમદાવાદ એરપોર્ટથી ખુશ્બુ ને લઈને વડોદરા પોલીસ જયારે તેના ઘરે પહોંચી ત્યારે ખુશ્બુના પિતા તેને ભેટીને રડી પડયા હતા. ખુશ્બુના ભાઈએ જણાવ્યું હતું કે હાલ તેની માનસિક પરિસ્થિતિ ઠીક ન હોવાથી કોઈ સાથે વાત કરવા તૈયાર નથી.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login