ADVERTISEMENTs

જન્મથી મૂકબધિર ત્રણ ભૂલકાઓને મળ્યું નવ જીવન, સુરત સિવિલ હોસ્પિટલમાં ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ની સફળ સર્જરી.

જન્મથી મૂકબધિર 3 બાળકોના પરિવારો માટે આશીર્વાદ સમાન નીવડ્યો ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’: સારવારના ૮ થી ૧૦ લાખના ખર્ચથી રાહત

'રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ અંતર્ગત લાભ મેળવનાર પરિવારો / માહિતી વિભાગ, ગુજરાત.

જન કલ્યાણને સર્વોપરિ રાખી વિવિધ યોજનાઓના માધ્યમથી જન જન સુધી પહોંચતી રાજ્ય સરકારના ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’(RBSK) અંતર્ગત સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ની વિનામૂલ્યે સફળ સર્જરી કરવામાં આવી છે. પ્રાઈવેટ હોસ્પિટલમાં થતાં રૂ. ૮ થી ૧૦ લાખના ઓપરેશન ખર્ચના સ્થાને રાજ્ય સરકારની સહાયથી વિનામૂલ્યે સફળ સારવાર કરાઇ. સુરતના ઓલપાડ તાલુકાના સતિશકુમાર પટેલનો પાંચ વર્ષનો દિકરો તસ્મય જન્મથી જ મૂકબધિર (બોલી અને સાંભળી ન શકતા) અને કામરેજ તાલુકાના નનસાડ ગામના યોગેશભાઇ જગદાલેની બે વર્ષની દિકરી સારાંશીને ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ થકી ‘વાણી-શ્રવણ’નું સુખ મળ્યું છે. સુરત શહેરના વરિયાળી બજાર, ધાસ્તિપુરા ખાતે રહેતા રાહુલભાઈ રાઠોડનો ૫ વર્ષીય દિકરાની સર્જરી કરવામાં આવી છે. સુરત સિવિલના નિષ્ણાત તબીબોએ સાથે મળી ત્રણેય બાળકોની સફળતાપૂર્વક સર્જરી કરી છે. 


           સારાંશી, અંશ અને તસ્મયના પરિવારે પ્રાઈવેટ હોસ્પિટલમાં તપાસ કરાવતા આશરે ૮ થી ૧૦ લાખ જેટલો ખર્ચ થતો હોવાનું માલૂમ પડ્યું હતું.  જે આ મધ્યમવર્ગીય પરિવારોને આર્થિક રીતે પોષાય તેમ ન હતું. પરંતુ ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ તેમના માટે આશીર્વાદરૂપ બન્યો અને સુરતની નવી સિવિલ તજજ્ઞ તબીબોએ આ બંને ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યા છે.


             સુરત સિવિલના ઇ.ચા.તબીબી અધિક્ષક ડો. જીગીશા પાટડીયા વિગતો આપતા જણાવ્યુ હતુ કે, સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખુબ ટુંકા સમયમાં 3 બાળકોની ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ની સફળ સર્જરી કરવામાં આવી છે. પિડિયાટ્રીસિયન, એનેશથેશિયા અને ENT વિભાગની ટીમ બાળકોનું નિરીક્ષણ અને પરીક્ષણ કર્યુ અને ENT વિભાગ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યુ હતું. લાખો રૂપિયાની કિંમતના કોક્લિયર ઈમ્પ્લાન્ટ જે સરકાર તરફથી વિનામુલ્યે ઉપલબ્ધ કરવામાં આવે છે. ઓપરેશન કર્યા બાદ બાળકોને રિહેબિલીટેશનની જરૂરી હોઇ જેમાં બાળક સાંભળતું, સમજતું થયુ છે, બાળક પોતાની નોર્મલ લાઇફમાં કઇ રીતે આવે તે માટેના પ્રયત્નો ટીમ દ્વારા કરવામાં આવે છે.


           કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ વિષે વધુ વિગતો આપતા સુરત સિવિલના ENT વિભાગની ડૉ.પ્રાંચી રોયે જણાવ્યું હતું કે, સુરત સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં ૧૨ સર્જરીઓ કરવામાં આવી છે. તાજેતરમાં જ ૩ સર્જરી કરવામાં આવી છે, આ સર્જરી બહાર કરાવવામાં આવે તો તેના ઈમ્પ્લાન્ટની કિંમત જ ૭ થી ૧૦ લાખનીમાં થાય પણ આ સર્જરી સરકારની યોજનામાં વિના મૂલ્યે કરવામાં આવે છે. સુરત સિવિલના ENT વિભાગની સાથે પિડિયાટ્રીસિયન, એનેશથેશિયા વિભાગ મળીને સફળ સર્જરીઓ કરવામાં આવી છે. બાળકોને રિહેબિલીટેશનની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે એમ તેમણે ઉમેર્યું હતું.


            નોંધનીય છે કે, ૬ વર્ષ કે તેથી નાના, જન્મથી મૂકબધિર બાળકોને ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ અને ત્યાર બાદના રિહેબિલીટેશન (પુનર્વસન)ની સંપૂર્ણ સારવાર માટે રૂ.૮ લાખથી વધુનો ખર્ચ થાય છે. તેમાં ઓપરેશન પહેલા કે દરમિયાનની સ્ક્રિનિંગ, ટેસ્ટ, ઓપરેશન, વેક્સીનેશન તેમજ રિહેબિલીટેશનના તમામ ખર્ચનો સમાવેશ થાય છે, જે સંપૂર્ણપણે સરકારની RBSK યોજના અંતર્ગત નિ:શુલ્ક આપવામાં આવે છે. 
             

સુરત સિવિલ હોસ્પિટલના તબીબો / માહિતી વિભાગ, ગુજરાત.

નવી સિવિલમાં સફળ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’માં સુરત સિવિલના ENT વિભાગના વડા ડૉ.જૈમિન કોન્ટ્રાકટર, ડો.ગુણવંત પરમાર દાંત વિભાગના વડા, આર.એમ.ઓ.ડૉ કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખશ્રી ઈકબાલ કડીવાલા, સહિત નર્સિંગ સ્ટાફ, ઓ.ટી.સ્ટાફ અને સહાયક કર્મચારીઓએ સફળ સર્જરીમાં પોતાનું યોગદાન આપ્યું હતું. 

                કામરેજ તાલુકાના નનસાડ ગામના યોગેશભાઈ જગદાલે જણાવે છે કે, મારી દીકરીને સાંભળવામાં તકલીફ છે એ ત્યારે ખબર પડી જ્યારે બાળકી ધ્યાન આપતી ન હતી. અમને શંકા જતાં કામરેજમાં ખાનગી ENT ડોકટરને બતાવી રિપોર્ટ કરાવ્યા હતો અને તેમણે જણાવ્યું કે તે સાંભળી શકતી નથી જેનો સારવાર ખર્ચ ૮ થી ૧૦ લાખ થશે. ત્યાર બાદ કામરેજ આરોગ્ય ખાતામાં બતાવ્યું તેમને સુરત સિવિલ જવા જણાવ્યું. સુરત સિવિલ લાવવામાં આવી. અહી ડોક્ટરોએ યોગ્ય નિદાન કરી તેની સફળ વિના મુલ્યે સર્જરી કરી છે જે હાલ અમારી દિકરીની હાલત સ્થિર છે. આ વિના મુલ્યે સારવાર માટે અમે સરકારના આભારી છીએ.

       ઓલપાડ તાલુકાના ઓરમા ગામના સતિષકુમાર પટેલ જણાવે છે કે, મારા પિતા દ્વારા મને જાણવા મળ્યું કે આપણું બાળક બોલતું નથી અને રિસ્પોન્સ આપતું નથી. ત્યાર બાદ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા અને રિપોર્ટ કરાવ્યા અને ડોકટર કહ્યું બાળક સાંભળી શકતું નથી ઓપરેશન કરાવું પડશે જેનો ૮ થી ૧૦ લાખનો ખર્ચ થશે એમ જણાવ્યું હતું. અમને જાણવા મળ્યું કે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સુરત સિવિલ હોસ્પિટલ ખાતે વિના મૂલ્યે સારવાર ઉપલબ્ધ છે. અમે અમારા દીકરાને  સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા જ્યાં તેનું વિના મૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન પછીના તમામ રિપોર્ટની કાર્યવાહી પૂર્ણ કરતાં અમારો દીકરો પણ સામાન્ય બાળકની જેમ સાંભળતો થયો છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમે મારા દીકરાને જ નહીં મારા પરિવારના સભ્યોને ખુશીમાં ગરકાવ કરી દીધા છે. 

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related