ADVERTISEMENTs

?> Sponsored Ad

વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે વારલી ચિત્રો તથા શિલ્પ કલાના ત્રિદિવસીય પ્રદર્શનનો પ્રારંભ.

તા.૨૦મી સુધી પ્રખ્યાત વારલી ચિત્રકાર અને શિલ્પકાર બીના પટેલના ચિત્રો, શિલ્પ કલાકૃત્તિઓ નિહાળી શકાશે

વારલી આર્ટનું પ્રદર્શન / માહિતી વિભાગ, ગુજરાત

સુરતના અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે વારલી ચિત્રો તથા શિલ્પ કલાના ત્રિદિવસીય પ્રદર્શનનો પ્રારંભ થયો છે. રાજ્યસભા સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતના હસ્તે પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તા.૨૦મી સુધી સવારે ૧૧.૦૦ થી રાત્રે ૯.૦૦ વાગ્યા દરમિયાન ગાંધીનગરના પ્રખ્યાત વારલી ચિત્રકાર અને શિલ્પકાર શ્રીમતી બીના પટેલના ૬૯ જેટલા ચિત્રો, શિલ્પ કલાકૃત્તિઓ નિહાળવાની તક છે. 

આ પ્રસંગે રાજ્યસભા સાંસદશ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ ચિત્રકાર બીના પટેલને શુભેચ્છા આપતા જણાવ્યું કે, કલા હ્રદયથી જન્મે છે. કલાના ગુણ લોહીમાં હોય છે. વારલી ચિત્રો માટે નામના મેળવનાર બીનાબેન વારલી યુવાઓ, રસ ધરાવતા ચિત્રકારોને આ ચિત્રકલા શીખવી રહ્યા છે એ સરાહનીય છે.

ગાંધીનગર નિવાસી વારલી ચિત્રકાર અને વરિષ્ઠ આઈ.પી.એસ. અધિકારીશ્રી  હસમુખ પટેલના ધર્મપત્ની શ્રીમતી બીના પટેલે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના સહ્યાદ્રી પ્રદેશમાં આશરે દસમી સદીમાં શરૂ થયેલી આ ચિત્રકલામાં વારલી આદિજાતિના જીવનના વિવિધ પાસાઓ ચિત્રિત થયેલા જોવા મળે છે. ૧૨૦૦ વર્ષ જૂની આ કલા કાળક્રમે લુપ્ત થઈ રહી છે, ત્યારે છેલ્લા ૩૦ વર્ષથી ચિત્રો અને શિલ્પોના માધ્યમથી વારલી ચિત્રકલાને જીવંત રાખવા પ્રયત્નશીલ છું. 

આપણી આ પ્રાચીન કલાને પુનર્જીવિત કરી આપણી સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ-સંવર્ધનનો પ્રયાસ કરવાનો સંતોષ છે. કલારસિકો આપણી પ્રાચીન અને ગૌરવભરી કલાને જાણી-માણી શકે એ માટે આજ સુધી ૨૨ પ્રદર્શન યોજ્યા છે એમ તેમણે કહ્યું હતું.

આ પ્રસંગે ડાયમંડ ઉદ્યોગપતિ સર્વશ્રી લાલજીભાઈ પટેલ, જસમતભાઈ વિડીયા, અનુભાઈ તેજાણી સહિત કલાપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.   

મનમોહક વારલી ચિત્રો / માહિતી વિભાગ, ગુજરાત.

મનમોહક વારલી ચિત્રોમાં આદિવાસી લોકજીવનનો ધબકાર

વારલી ચિત્રોમાં મુખ્યત્વે ત્રિકોણ, વર્તુળ, ચોરસ જેવા ભૌમિતિક આકારોનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી આદિજાતિઓની જેમ વારલીઓ પણ નૃત્યના શોખીન હોય છે. આથી નૃત્ય ચિત્રનો મુખ્ય વિષય રહ્યો છે. ઉપરાંત, ઘાસ છાએલા ઝુંપડાં, રોજિંદુ કામ કરતી સ્ત્રીઓ, ચરતા પશુ-પક્ષીઓ, સાપ, વાંદરા, ગાય-બળદોને ચિત્રોમાં જીવંત કરવામાં આવે છે. દેવ-દેવીઓ અન્ય આદિજાતિઓની જેમ વારલીઓના જીવનમાં પણ મહત્વનું સ્થાન ધરાવે છે. 

વારલી ચિત્રોમાં આદિજાતિના જીવનના વિવિધ પાસાઓ ચિત્રિત થયેલા જોવા મળે છે. તહેવારો, જન્મ, સગાઈ, લગ્ન, પાકની લણણી, ખેતરો, પહાડો, ઝરણા, વન્ય પ્રાણીઓ આદિ તેના મુખ્ય વિષયો છે. વારલી મહિલાઓ લીપેલી દીવાલો પર પલાળેલા ચોખાને પથ્થર પર લસોટીને સફેદ રંગથી આ ચિત્રો બનાવતી. ઉપરાંત, સિંદૂર, ગુલાલ, કંકુ, મધ, વિગેરેનો પણ ચિત્રો બનાવવામાં ઉપયોગ થતો. પાલગુટ દેવી ફળદ્રુપતાની દેવી મનાય છે અને વારલી લગ્નમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ચિત્રોમાં તેનું મહત્વનું સ્થાન હોય છે. 

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related