PM મોદીએ ત્રણ દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૪નો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી પ્રારંભ કરાવ્યો. ૩૬ પાર્ટનર દેશો અને ૧૬ પાર્ટનર સંસ્થાઓના વડાઓ સહિત કુલ ૧૦૦ દેશના અગ્રણીઓ અને ભારતના અગ્રણી ઉદ્યોગપતિઓની હાજરીમાં ૧૦મી વાયબ્રન્ટ ગુજરાત સમિટની વડાપ્રધાન મોદીએ શરૂઆત કરાવી. ૧૦થી ૧૨ જાન્યુઆરી સુધી ચાલનારી આ સમિટની થીમ ગેટવે ટૂ ધ ફ્યુચર છે. સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન આ સમિટના ઉદ્ઘાટન સમારોહના મુખ્ય અતિથિ હતા.
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, “વિશ્વના અનેક દેશો અને અનેક મોટી સંસ્થાઓ કહી રહી છે કે થોડા વર્ષમાં ભારત વિશ્વની ટોચની ૩ ઇકોનોમીમાં સામેલ થશે. વિશ્વના લોકો એનાલીસિસ કરતા રહેશે પણ હું તમને ગેરંટી આપું છું કે થોડા વર્ષમાં ભારત વિશ્વની ત્રીજા નંબરથી સૌથી મોટી ઇકોનોમી બની જશે.” આ સિવાય તેમણે કહ્યું કે આજે દેશના દરેક ક્ષેત્રમાં ઝડપથી વિકાસ થઈ રહ્યો છે અને આગામી થોડા વર્ષોમાં ભારત ટોચની ત્રણ અર્થવ્યવસ્થા બની જશે. છેલ્લા 10 વર્ષમાં ભારતે ઘણી પ્રગતિ કરી છે. આજે ભારતમાં 1 લાખ 15 હજાર રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સ છે અને દેશમાં 149 એરપોર્ટ છે. આ સિવાય વડાપ્રધાન મોદીએ કહ્યું કે તમારા સપના એ મોદીનો સંકલ્પ છે. તમારા સપના જેટલા મોટા હશે તેટલો જ મારો સંકલ્પ પણ મોટો હશે.
આ ગ્લોબલ સમિટમાં જાણીતા ઉદ્યોગકારો, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, લક્ષ્મી મિત્તલ, પંકજ પટેલ સહિત અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત જોવા મળ્યા. તો વિદેશી ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત હતા.
મુકેશ અંબાણીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, રિલાયન્સ આગામી 10 વર્ષ સુધી ગુજરાતના ગ્રીન એનર્જી સેક્ટરમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે. રિલાયન્સ 2030 સુધીમાં ગુજરાતના લગભગ અડધા ગ્રીન એનર્જી વપરાશનું ઉત્પાદન કરશે. ગ્રીન ડેવલપમેન્ટમાં ગુજરાત વૈશ્વિક લીડર તરીકે ઉભરી આવે તેની ખાતરી કરવા માટે, રિલાયન્સે જામનગરમાં 5,000 એકરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સનું બાંધકામ શરૂ કર્યું છે. ગુજરાતને પોતાની માતૃભૂમિ અને કાર્યસ્થળ ગણાવતા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં રિલાયન્સે દેશમાં લગભગ 12 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે અને આમાંથી એક તૃતીયાંશ કરતાં વધુ રોકાણ એકલા ગુજરાતમાં જ થયું છે. રિલાયન્સ 7 કરોડ ગુજરાતીઓના સપનાને સાકાર કરવામાં કોઈ કસર છોડશે નહીં.
અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું કે, આગામી પાંચ વર્ષમાં અદાણી ગ્રુપ ગુજરાતમાં રૂ. બે લાખ કરોડ – એટલે કે USD 25 બિલિયનનું રોકાણ કરશે. જેનાથી 100,000 થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીઓનું સર્જન થશે. અગાઉની સમિટમાં મેં 2025 સુધીમાં રૂ. 50,000 કરોડથી વધુના રોકાણની જાહેરાત કરી હતી. તે મુજબ અમે વિવિધ ક્ષેત્રોમાં રૂ. 50,000 કરોડનું રોકાણ કરી ચૂક્યા છીએ. વળી 25,000 પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી સર્જનના અમારા લક્ષ્યાંકને પણ વટાવી દીધું છે. આજે હું વધુ રોકાણ કરવા પ્રતિબદ્ધ છુ. અમે ખાવડા કચ્છમાં વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક બનાવી રહ્યા છીએ, જે 725 ચોરસ કિલોમીટરમાં 30 GW રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરે છે. તેને અવકાશમાંથી પણ જોઈ શકાય છે.
ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને જણાવ્યું હતું કે કંપની ગુજરાતના ધોલેરામાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન યુનિટને અંતિમ સ્વરૂપ આપવાની અણી પર છે, જેનું કમિશનિંગ ટૂંક સમયમાં 2024માં શરૂ થવાની ધારણા છે. "અમે વાટાઘાટોના અંતિમ તબક્કામાં છીએ અને 2024 સુધીમાં કામ શરૂ કરવાની યોજના બનાવીએ છીએ." ચંદ્રશેખરન એક સમિટ દરમિયાન જણાવ્યું હતું. તેમણે પ્રદેશમાં ટેક્નોલોજીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા માટે ટાટાના સમર્પણ પર ભાર મૂક્યો હતો. હાલમાં, ટાટા ગ્રૂપની 21 કંપનીઓ ગુજરાતમાં મજબૂત હાજરી ધરાવે છે, જે 50,000 થી વધુ લોકોને રોજગાર પ્રદાન કરે છે.
જાપાની કાર નિર્માતા સુઝુકી મોટર્સે હાલના ગુજરાત પ્લાન્ટમાં નવી ઉત્પાદન લાઇનમાં રૂ. 3,200 કરોડનું રોકાણ કરવાની અને રાજ્યમાં બીજો પ્લાન્ટ સ્થાપવા માટે રૂ. 35,000 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી. સુઝુકી મોટર્સના પ્રમુખ તોશિહિરો સુઝુકીએ જણાવ્યું હતું કે કંપની તેના ગુજરાત પ્લાન્ટમાંથી આ વર્ષના અંત સુધીમાં પ્રથમ ઈલેક્ટ્રિક વાહન બહાર પાડશે. તેમણે કહ્યું, "અમે આ મોડલને માત્ર ભારતમાં જ નહીં પણ તેને જાપાન અને કેટલાક યુરોપિયન દેશોમાં નિકાસ કરવાની યોજના બનાવીએ છીએ." નવી ઉત્પાદન લાઇન દર વર્ષે વધારાના 2.5 લાખ યુનિટનું ઉત્પાદન કરશે, એમ તેમણે જણાવ્યું હતું. સુઝુકી મોટર ગુજરાતનું વાર્ષિક ઉત્પાદન હાલમાં 7.5 લાખથી વધીને 10 લાખ યુનિટ થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login