4 જાન્યુઆરી, વિશ્વ બ્રેઇલ દિવસ. બ્રેઈલ પદ્ધતિના શોધક લુઈ બ્રેઈલની જન્મજયંતિ.
January 2025 24 views 01 min 26 secદર વર્ષે તા.૪ જાન્યુઆરી એટલે બ્રેઈલ પદ્ધતિના શોધક લુઈ બ્રેઈલની જન્મજયંતિ. લુઈ બ્રેઈલની યાદમાં ‘વિશ્વ બ્રેઈલ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. સંદેશાવ્યવહારમાં બ્રેઈલ લિપીના મહત્વ વિશે આ દિવસે વિશ્વમાં જાગૃતિ ફેલાવવામાં આવે છે. બ્રેઈલ પદ્ધતિ અંધજનો માટે વરદાનરૂપ છે, જેની મદદથી તેઓ વાંચી, લખી શકે છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરતમાં ઘોડદોડ રોડ પર આવેલી એકમાત્ર અંધજન શિક્ષણ મંડળ શાળામાં ધો.૧ થી ૧૨માં ૧૩૫ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ બ્રેઈલ લિપિથી નિ:શુલ્ક અભ્યાસ કરે છે.
આચાર્ય મનિષાબેન ગજ્જરે જણાવ્યું હતું કે, બ્રેઈલ લિપિ પ્રજ્ઞાચક્ષુઓના વિચારોને અક્ષરદેહ આપતું માધ્યમ છે. રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શાળામાં પ્રજ્ઞાચક્ષુ બાળકો પોતાની ઉણપને ઓળંગી બ્રેઈલ લિપિના માધ્યમથી આંગળીઓના સ્પર્શ વડે વાંચતા-લખતા શીખી રહ્યા છે. એટલું જ નહીં સાથેસાથે બ્રેઇલ લિપીમાં કવિતાઓ ગાવાનો અદમ્ય ઉત્સાહ છે. પ્રજ્ઞાચક્ષુઓ માટે છ ટપકાની બ્રેઈલ લિપિ આંખ સમાન છેએન જણાવી મનિષાબેને ઉમેર્યું કે, બ્રેઈલ લિપિથી વાંચતા-લખતા શીખેલા પ્રજ્ઞાચક્ષુઓ હવે લેપટોપ, મોબાઈલ અને કોમ્પ્યુટર પર ટાઈપિંગ કરી પોતાનું હોમવર્ક પણ કરે છે. આધુનિક જીવન જીવવાની સાથે બાળકોને સંગીત, કમ્પ્યુટર સહિત સ્પોર્ટ્સની વિવિધ એક્ટિવિટીમાં સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. અમારી શાળામાં ભણીને પ્રજ્ઞાચક્ષુઓએ રેલવે, બેન્કમાં પણ નોકરી મેળવી છે.
શાળામાં બાળકો માટે વિશેષ બ્રેઇલ લિપિમાં ૧૨૦૦થી વધુ પુસ્તકોની લાઈબ્રેરી છે. સંગીત, રમત-ગમત, જિમ્નેસ્ટિક, સાયન્સ લેબ, રેકોર્ડિંગ સ્ટુડિયો ઉપલબ્ધ છે. અહીં ભણતરની સાથે વોકેશનલ-ઔદ્યોગિક તાલીમ પણ આપવામાં આવે છે. જેમાં ખુરશી ગુંથણ, ફાઈલ બનાવવી, કેન્ડલ, બેગ, પગ લૂછણીયા, કોડીયા સહિતની વિવિધ ઉત્પાદનો બનાવીને તેનું વેચાણ કરી આવક પણ મેળવે છે.
બ્રેઈલ એ સ્પર્શેન્દ્રિય લેખન પ્રણાલી: અંધજનો માટે લુઈ બ્રેઈલે ઈશ્વરીય કાર્ય કર્યું.